રાજસ્થાનના અલવરમાંથી એક મોટો જાસૂસી કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ISI માટે જાસૂસી કરવાના આરોપસર મંગત સિંહ નામના યુવાનની ધરપકડ કરી છે. તે પાકિસ્તાની મહિલા હેન્ડલર દ્વારા હનીટ્રેપમાં ફસાઈ ગયા બાદ બે વર્ષથી ગુપ્ત ભારતીય સૈન્ય માહિતી લીક કરતો હતો.
રાજસ્થાન ઇન્ટેલિજન્સે અલવર જિલ્લાના ગોવિંદગઢ વિસ્તારના રહેવાસી મંગત સિંહની ધરપકડ કરી છે. તપાસ મુજબ મંગત સિંહ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે ભારતની માહિતી મોકલતો હતો. ઓપરેશન “સિંદૂર” અંતર્ગત તે લાંબા સમયથી દેખરેખ હેઠળ હતો. અંતે પુરાવા મળ્યા બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.
અલવર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે અહીં સેનાના ઘણા મહત્વપૂર્ણ છાવણી ક્ષેત્રો આવેલાં છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મંગત સિંહે આ વિસ્તારોની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની એજન્ટ્સને મોકલી હતી.
પાકિસ્તાની મહિલા ઈશા શર્મા દ્વારા હનીટ્રેપ
તપાસમાં ખુલ્યું છે કે મંગત સિંહને ઈશા શર્મા નામની પાકિસ્તાની મહિલા હેન્ડલરે હનીટ્રેપમાં ફસાવ્યો હતો. શરૂઆતમાં તે સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યો અને ધીમે ધીમે ગોપનીય માહિતી મેળવવા માટે તેને પૈસાની ઓફર કરવામાં આવી હતી. ઈશા શર્મા સાથે નિયમિત સંપર્કમાં રહીને મંગત સિંહે સેનાની તૈનાતી, છાવણી વિસ્તારોની તસ્વીરો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ISIને મોકલવાની કબૂલાત આપી છે.
સોશિયલ મીડિયા દ્વારા માહિતી લીક
મંગત સિંહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ISIના હેન્ડલર્સ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેતો હતો. ઓપરેશન “સિંદૂર” દરમિયાન ગુપ્તચર વિભાગે તેના મોબાઇલ અને ઓનલાઇન એકાઉન્ટ્સ પરથી પુરાવા મેળવ્યા. તેમાં સેનાના સંવેદનશીલ વિસ્તારો વિશેની માહિતી, ફોટા અને વીડિયો સામેલ હતા.
કેસ 10 ઓક્ટોબરે નોંધાયો
જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં તા. 10 ઓક્ટોબર 2025ના રોજ આ મામલામાં કેસ નોંધાયો છે. ત્યારબાદ CID ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ મંગત સિંહને પકડ્યો. હાલ તે સેન્ટ્રલ ઇન્ટ્રોગેશન સેન્ટર જયપુર ખાતે કડક પૂછપરછનો સામનો કરી રહ્યો છે.
અલવરનો આ જાસૂસી કેસ માત્ર રાજસ્થાન માટે જ નહીં પણ દેશની આંતરિક સુરક્ષા માટે પણ ચેતવણીરૂપ છે.