આમ તો અમેરિકાનું આકર્ષણ વિશ્વના મોટા ભાગના દેશોના લોકોને છે, પરંતુ તેમાં પણ કદાચ ભારતીયોને સૌથી વધારે છે અને તેમાં પણ ગુજરાતીઓના કેટલાક વર્ગને તો ઘેલછાની હદે જાય તેટલું આ આકર્ષણ છે. અમેરિકાના તીવ્ર આકર્ષણને કારણે અનેક લોકો ત્યાં ગેરકાયદે રીતે પણ પ્રવેશે છે, પકડાય છે કે નથી પણ પકડાતા. આજે આ અમેરિકા આકર્ષણની વાત અહીં એક જુદા નિમિત્તે કરવાની છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા માટેની ફી વધારીને 100,000 ડોલર(રૂ. 88 લાખ) કરવાનો આદેશ અચાનક જાહેર કરવામાં આવ્યો અને તેને કારણે ભારે અંધાધૂંધી ફેલાઇ ગઇ.
આ નવી ફીના અમલની મર્યાદા માત્ર એકાદ દિવસ જેટલી જ રાખવામાં આવી છે અને જો આ સમયમર્યાદામાં જૂના વિઝા ધારકો જો બહાર ગયા હોય તો તેમણે અમેરિકા પાછા ફરવુ પડશે, નહીંતર જંગી નવી ફી તેમના નોકરીદાતાએ ભરવી પડશે તેવી વાત ફેલાતા દુનિયાભરના એચ-વનબી વિઝાધારકો, જેમાં ભારતીયો જ ઘણા મોટા પ્રમાણમાં છે તેમનામાં ગભરાટ ફેલાઇ ગયો. વતન આવેલા આ વિઝા ધારકો અમેરિકા પાછા જવા માટે રઘવાટ કરવા માંડ્યા, તો બીજી બાજુ જેઓ અમેરિકાથી સ્વદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા તેમણે છેલ્લી ઘડીએ પોતાનો પ્રવાસ રદ કર્યો. અમેરિકાના કેટલાક એરપોર્ટો પર તો અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ જાહેરાત થતાં જ ઘણા ભારતીય ટેક્નોલોજીસ્ટ વિમાનમાંથી ઉતરી ગયા હોવાના અહેવાલો પણ મળ્યા! વિમાનમાંથી ઉતરી જવાની તેમની છેલ્લી ઘડીની વિનંતીઓને કારણે ફ્લાઇટો મોડી થઇ.
વર્ષના આ સમય દરમિયાન વિદેશમાં કામ કરતા ઘણા ભારતીયો, ખાસ કરીને બંગાળીઓ ટૂંક સમયમાં શરૂ થનારી દુર્ગા પૂજા માટે ઘરે પાછા ફરે છે. આવી રીતે દુર્ગા પૂજા માટે સ્વદેશ આવી રહેલા અનેક ભારતીય આઇટી વ્યવસાયિકો વિમાનમાંથી ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે. મુસાફરો પોતાને વિમાનમાંથી ઉતરી જવાની વિનંતીઓ કરી રહ્યા હોવાથી અમેરિકાના એરપોર્ટો પર અનેક ફ્લાઇટોની ઉડાન મોડી કરવી પડી હતી અને તેને કારણે અંધાધૂંધી પણ સર્જાઇ હતી. પરિસ્થિતિનો લાભ ઉઠાવવા કેટલીક એરલાઇનોએ પ્રયાસ કર્યો હોવાથી અમેરિકાની સીધી ફ્લાઇટના ખર્ચમાં મોટો ઉછાળો જોવા મળ્યો. જો કે બાદમાં ખુલાસો આવ્યો કે નવી ફી નવા અરજદારોને જ લાગુ પડશે, જેમની પાસે આ વિઝા હાલમાં છે જે તેમને કે વિઝા રિન્યુ કરાવનારને આ ફી લાગુ પડશે નહીં.
લોકોના ગભરાટનો એરલાઇનોએ પણ બરાબર ફાયદો ઉઠાવ્યો. ટ્રમ્પની જાહેરાતના બે કલાકમાં નવી દિલ્હીથી ન્યૂ યોર્કના જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટનું એક તરફી ફ્લાઇટ ભાડું લગભગ રૂ. 37,000 થી વધીને રૂ. 70,000-80,000 થઈ ગયું હતું. નવી દિલ્હીથી NYC સુધીની ફ્લાઇટ હાલમાં 4,500 ડોલર છે. એક યુઝરે ટ્વીટ કર્યું કે, તેઓ બધા નવા H-1B વિઝા નિયમોથી ચિંતિત હોવાથી પાછા ફરવા ઉતાવળ કરી રહ્યા છે.
અમેરિકી એરપોર્ટ પર પણ, H-1B ધારકોમાં અસર દેખાઈ રહી હતી. 21 સપ્ટેમ્બરની સમયમર્યાદા વિશે જાણ્યા પછી અમેરિકાથી ઉડાન ભરતા ઘણા H-1B વિઝા ધારકોએ વિમાનમાંથી ઉતરવાનું પસંદ કર્યું હતું. સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર અંધાધૂંધીનું વર્ણન કરતા, એક સોશિયલ મીડિયા યુઝર મસુદ રાણાએ જણાવ્યું કે તેમની એમિરેટ્સ ફ્લાઇટ ત્રણ કલાકથી વધુ સમય સુધી કેવી રીતે રોકાઈ રહી હતી. કૌસ્તવ મજુમદારે જણાવ્યું હતું કે દુર્ગા પૂજા માટે ઘરે આવી રહેલા ભારતીયોથી ભરેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પણ આવી જ પરિસ્થિતિ બની હતી.
જ્યારે H-1 B વિઝાના નવા નિયમો વિશે સમાચાર આવ્યા, ત્યારે ભારતીયો ગભરાઈ ગયા અને વિમાનમાંથી ઉતરી જવા દેવા વિનંતી કરવા લાગ્યા. H-1B ધારકો માટે 21 સપ્ટેમ્બરની સમયમર્યાદાની જાણ થયા પછી, ઓછામાં ઓછા 10-15 મુસાફરો 20 મિનિટમાં વિમાનમાંથી ઉતરી ગયા, તેઓ અમેરિકામાં ફરીથી પ્રવેશ અંગે ચિંતિત હતા. આ બધું દર્શાવે છે કે અમેરિકા માટે ભારતીયોમાં કેટલી ઘેલછા છે. ૮૮ લાખ રૂપિયા એ ઘણી મોટી રકમ કહેવાય, અને આટલી મોટી રકમ ખર્ચીને પણ અમેરિકા જવા માટે હડી કાઢવી તે નરી ઘેલછા જ કહેવાય અને આ ઘેલછા રહેશે ત્યાં સુધી ટ્રમ્પ જેવાઓ તેનો લાભ ઉઠાવતા રહેશે.