નામમાં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું, એ તો માત્ર મથાળા છે.” એટલે કે ગુલાબનું નામ ગમે તે રાખો એની સુગંધમાં કોઈ ફરક નથી પડવાનો. વર્તમાન સરકાર યોજનાઓના નામ બદલવાનો શોખ છે – નાના-મોટા ફેરફાર સાથે સ્વાવલંબન યોજના અટલ પેન્શન યોજના બની ગઈ, ઇન્દિરા આવાસ યોજનાનું નામ પ્રધાન મંત્રી આવાસ યોજના થયું, નિર્મલ ભારત યોજના હવે સ્વચ્છ ભારત યોજના છે.
છેલ્લો ઉમેરો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હવે બદલાઈને ‘વિકસિત ભારત ગ્રામીણ વિસ્તાર રોજગાર અને આજીવિકાની ખાતરી માટે મિશન (Viksit Bharat Guarantee for Rozgar and Ajeevika Mission Gramin -VB-G RAM G Bill) યોજના બનાવવાનો ખરડો સંસદમાં રજૂ થઇ ચૂક્યો છે. સરકારના પ્રવક્તા કહે છે કે યોજનાના નામ સાથે આત્મા બદલવાની વાત છે – આ જરા સાવધ કરનારી વાત છે. કારણકે, છેડછાડ તો આત્મા સાથે જ છે! મનરેગા યોજના નથી, પણ કાયદો છે જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સરકાર ૧૦૦ દિવસના રોજગારની માત્ર ખાતરી નહિ , અધિકાર આપે છે. ૨૦૦૫ માં શરૂ થયેલી આ યોજનાનો આત્મા એટલે
૧. ગરિમાપૂર્ણ રોજગારને મૂળભૂત અધિકાર ગણવાની સ્વીકૃતિ.
૨. રોજગારના અભાવમાં ગ્રામીણ વિસ્તારમાં સરકાર પાસે રોજગાર માંગવાનો અધિકાર.
૩. સમગ્ર દેશમાં એકસરખો અધિકાર
૪. વર્ષના ૧૦૦ દિવસ સુધી લઘુતમ વેતન સાથે રોજગાર પૂરો પાડવાનું સરકારનું દાયિત્વ.
યોજનાનો આત્મા દિવસની મર્યાદામાં નથી – આત્મા છે સાર્વત્રિક રીતે ગરિમાપૂર્ણ રોજગારને અધિકાર ગણવાની સ્વીકૃતિમાં. વળતરમાં માત્ર લઘુતમ મળે પણ, ભૂખમરાથી બચવા માટે આનાથી વધુ ગરિમાપૂર્ણ વિકલ્પ શું હોઈ શકે? કોવીડ સમયે આપણે જોયું કે કરોડો લોકો અધિકારને કારણે ટકી ગયા.
આ કેન્દ્રીય યોજનાનો અમલ સમગ્ર દેશમાં એક સમાન રીતે થતો હતો અને કેવા પ્રકારનાં કામ લોકો પાસે કરાવી શકાય એ નિર્ણય રાજ્ય સરકાર લેતી રહી છે. નવા ખરડા કેટલીક જોગવાઈ રોજગારની બાંહેધરીની વિભાવના પર અસર કરે છે, જે ચિંતાજનક છે. – એક, નવા ખરડામાં કેન્દ્ર સરકારના હાથમાં નિર્ણય લેવાની ઘણી સત્તા અપાઈ છે જ્યારે આર્થિક ભારણ ઓછું કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં અને કયા વિસ્તારમાં આ યોજના લાગુ કરવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર નક્કી કરશે. ક્યાં અને ક્યારે આ યોજના લાગુ પડશે એ અંગેનું જાહેરનામું સરકાર અવારનવાર બહાર પાડતી રહેશે. એટલે કે રોજગારની બાંહેધરી અધિકાર સમગ્ર ગ્રામીણ ભારતમાં સાર્વત્રિક રીતે લાગુ નહિ પડે! આ બાંહેધરી મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી.
બે, મનરેગા પાછળ થતાં ખર્ચમાં વળતરની ચુકવણીનો ૧૦૦ ટકા અને સામગ્રી પાછળ ૭૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકારની જવાબદારી હતી. એટલે લગભગ ૯૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર કરતી હતી. નવી યોજનામાં આ ગુણોત્તર ૬૦:૪૦ નો રખાયો છે. આ મુદ્દો જરા પેચીદો છે, કારણકે, ગરીબ પ્રદેશોની સરકાર પાસે આવક પણ ઓછી હોવાની, એમાં એમણે જો ૪૦ ટકા જેટલો ખર્ચ ભોગવવાનો આવે તો અમલમાં ધાંધિયા થવાની શક્યતા ખરી.
જી.એસ.ટી. પછીના સમયમાં રાજ્ય સરકાર પાસે જ્યારે આવકનાં મર્યાદિત સાધનો બચ્યાં છે તેવા સંજોગોમાં રોજગારના દિવસો વધારી એનું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર પર વધે તો યોજનાનો અમલ કેટલો અસરકારક રીતે થશે એ સવાલ તો થાય. વળી, જ્યાં વિરોધ પક્ષની સરકાર છે એવાં રાજ્યો પ્રત્યે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન છૂપું નથી. પ.બંગાળમાં લગભગ ત્રણ વર્ષથી મનરેગાનું ફંડિંગ બંધ હતું, જે નાણાં છૂટા કરવાનો આદેશ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર-સરકારની મડાગાંઠમાં રોજગાર માંગનાર વ્યક્તિ જ અટવાઈ જાય.
ત્રણ, નવા ખરડામાં ૧૨૫ દિવસની ખાતરી અપાઈ છે જે વાવણી-લણણી ની ઋતુના બે મહિના દરમ્યાન લાગુ નહિ થાય. ચાર, કેવા પ્રકારનું રોજગાર આ યોજના થકી આપી શકાય એ માટે ચાર શ્રેણી વ્યાખ્યાયિત કરવામાં આવી છે – જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આજીવિકાનું માળખું અને આપત્તિ નિવારણ અને આબોહવાની સ્થિતિસ્થાપકતા. આ સિવાયની શ્રેણીમાં કામ ઊભું કરવાની લવચિકતા રાજ્ય સરકાર પાસે રહેશે કે નહીં, એ અંગે સ્પષ્ટતા નથી.
સરકારે રોજગારના દિવસો વધારવાની વાત તો કરી, પણ પાછલાં પાંચ વર્ષમાં કાયદાનો ટેકો હોવા છતાં સરેરાશ માત્ર પંચાવન દિવસ જ કામ અપાયું છે. જો કોઈ સુધારાની જરૂર હતી તો એવું માળખું ઊભું કરવાની કે જેથી લોકોને ૧૦૦ કે હવે ૧૨૫ દિવસનાં રોજગારની બાંહેધરીની બાંહેધરી આપવાની. વેતનના દર બજારના ભાવ પ્રમાણે સુધારવાની અને લોકોને સમયસર વેતન મળી રહે એ જોવાની.
મધ્યમ વર્ગનાં નાગરિકને મનરેગા જેવા કાયદામાં થયેલા ફેરફારથી ફરક ના પડે. પણ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે દેશના સાડા છ કરોડ કરતાં પણ વધુ લોકો આ યોજના પર આધાર રાખે છે. ગુલાબને કોઈ અન્ય નામ આપો તો ફરક નથી પડતો પણ ગુલાબમાંથી એની સુગંધ જ કાઢી નાખીએ તો? મનરેગા સાથે એવું જ કાંઇક થવા જઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.