Business

અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?

ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦૧૬ના ચૂંટણી અભિયાનથી ઉદ્ભવેલું ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) આંદોલન અમેરિકન રાજનીતિનો એક વિશિષ્ટ અને વિવાદાસ્પદ અધ્યાય છે. આ આંદોલન રાષ્ટ્રવાદ, આર્થિક સુરક્ષાવાદ, લાગણીશીલ વિરોધ અને ‘અમેરિકા ફર્સ્ટ’ના સિદ્ધાંત પર આધારિત છે, જેણે ટ્રમ્પને ૨૦૨૪માં બીજી વખત સત્તામાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પરંતુ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં, આંદોલનમાં આંતરિક વિભાજન, ટ્રમ્પની ઘટતી જતી લોકપ્રિયતા, નીતિગત નિષ્ફળતાઓ અને ૨૦૨૫ની ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટી (GOP)ને થયેલ નુકસાનથી આ આંદોલનની નબળાઈઓ છતી થઈ રહી છે. શું MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?

MAGAનો ઉદય એક પોપ્યુલિસ્ટ વિપ્લવ હતો, જે વર્ગ-આધારિત અસંતોષ, વૈશ્વિકીકરણના વિરોધ અને સાંસ્કૃતિક ચિંતાઓને કેન્દ્રમાં રાખીને થયો. ૨૦૧૬માં, તેમણે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત વેપારી વર્ગને પડકાર્યો અને કાર્યકર વર્ગના સમર્થનથી જીત મેળવી. ૨૦૨૪માં, તેની મદદથી ટ્રમ્પે ફરીથી જીત મેળવી, પરંતુ સત્તા પર આવ્યા પછીના એક વર્ષમાં, આંદોલનની મર્યાદાઓ ઉજાગર થઈ. ન્યુયોર્ક ટાઇમ્સના વિશ્લેષણ અનુસાર, MAGAનો મુખ્ય આધાર એક વ્યક્તિ (ટ્રમ્પ) છે, જે તેને નબળું બનાવે છે.

ડિસેમ્બર ૨૦૨૫ સુધી, MAGA આંદોલનમાં વિભાજન સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ૩૮%થી ૪૨% વચ્ચે છે, જે બાઇડનના સૌથી નીચા રેટિંગ કરતાં પણ ઓછું છે. સ્વતંત્ર મતદાતાઓ, વ્હાઇટ શિક્ષિત પુરુષો, જે ટ્રમ્પના સમર્થક રહ્યા છે તેમનામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે. ૨૦૨૫ની ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીને જે નુકસાન થયું છે તે MAGAની કમજોરી ઉજાગર કરે છે. નવેમ્બર ૨૦૨૫માં, GOPએ કેટલીક મહત્ત્વની સીટો ગુમાવી, જેમાં MAGA-સમર્થિત ઉમેદવારોની હારનો સમાવેશ થાય છે. વર્જિનિયાની ગવર્નર ચૂંટણીમાં ડેમોક્રેટ અબિગેઇલ સ્પાનબર્ગરે રિપબ્લિકન વિન્સમ ઈર્લ-સીઆર્સને ૧૫ પોઇન્ટથી હરાવ્યા, જે ૨૧મી સદીની GOPની સૌથી મોટી હાર છે. આ જ વર્જિનિયા જિલ્લામાં ૨૦૨૪માં ટ્રમ્પ ૨૨ પોઇન્ટથી જીત્યા હતા.

ન્યુજર્સીમાં પણ ૧૩ પોઇન્ટની હાર થઈ અને જ્યોર્જિયાની પબ્લિક કમિશનર ચૂંટણીમાં ૨૫થી વધુ પોઇન્ટનો તફાવત આવ્યો. MAGAમાં અંદરોઅંદરના મતભેદ સ્પષ્ટ છે. એપ્સ્ટાઇન કેસમાં ટ્રમ્પના સંબંધો પર વિશ્વાસઘાતના આક્ષેપો, H-1B વિઝા પ્રોગ્રામ પર વિવાદ (જેમાં ટ્રમ્પે વિઝાનું સમર્થન કર્યું, જે MAGAના ઇમિગ્રેશન વિરોધી વલણથી વિરુદ્ધ છે) અને ઇઝરાયલ-ગાઝા મુદ્દા પર તરફેણ અને વિરોધ કરનારા વચ્ચે તણાવ છે. પોલિટિકો પોલ અનુસાર, ૨૦૨૪ના ટ્રમ્પ મતદાતાઓમાંથી ૩૮% પોતાને MAGA કહેતા નથી અને તેઓ અર્થતંત્ર અને ટ્રમ્પની સત્તાના દુરુપયોગથી નારાજ છે.

MAGAની નિષ્ફળતાનાં મુખ્ય કારણો તેની માળખાકીય અને વ્યૂહાત્મક મર્યાદાઓમાં છે. પ્રથમ, તે એક જ વ્યક્તિ – ટ્રમ્પના વ્યક્તિત્વ પર આધારિત છે. તેનો આધાર ‘લેફ્ટના વિરોધ’ પર છે, નહીં કે સ્પષ્ટ વિઝન પર. અર્થતંત્ર મુદ્દે ટ્રમ્પની નિષ્ફળતા આંદોલનને નબળું પાડે છે. બીજું, જૂથમાં આંતરિક વિભાજન છે. એપ્સ્ટાઇન ફાઇલ્સના ઇશ્યુ પર, MAGA વોટર્સ ટ્રમ્પના સંબંધોને કારણે વિશ્વાસઘાત અનુભવે છે. H-1B વિઝાને ટ્રમ્પના સમર્થને MAGAના એક જૂથને નારાજ કર્યું છે. વિવેક રામસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાંથી H-1B મેરિટ-બેઝ્ડ સિસ્ટમને કારણે હટાવવામાં આવ્યા, જે MAGA અને ટેક-રાઇટ વચ્ચેના વિવાદને ઉજાગર કરે છે. ત્રીજું, નીતિગત નિષ્ફળતાઓ. ટ્રમ્પના ટેરિફ અને ઇમિગ્રેશન પોલિસીઓએ અર્થતંત્રને અસર કરી છે જેનાથી ૭૫% રિપબ્લિકન્સ પણ નારાજ છે. રિપબ્લિકન કોંગ્રેસમાં વિરોધ વધ્યો છે, જ્યાં GOP સભ્યો ટ્રમ્પની નીતિઓને પડકારે છે.

આ બધા વચ્ચે MAGAનું ભવિષ્ય અનિશ્ચિત છે, કેમ કે એ ટ્રમ્પ સાથે જોડાયેલું છે. ટ્રમ્પની આ છેલ્લી ટર્મ છે એટલે ટ્રમ્પ વગર MAGA શું હશે એ પ્રશ્ન છે. વ્યક્તિ-કેન્દ્રિત આંદોલનો અસ્થિર હોય છે. નીતિઓ વાસ્તવિક સમસ્યાઓ હલ કરે તો જ સફળતા મળે. MAGAએ અમેરિકન રાજનીતિમાં પરિવર્તન કર્યું છે, પરંતુ તેની મર્યાદાઓ તેને તોડી રહી છે. ભવિષ્યમાં, તેનું પુનરુત્થાન શક્ય છે, પરંતુ અત્યારે તો MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top