અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં સાથ નહીં આપવા બદલ NATO સહયોગી દેશો પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, NATO દેશો કાયર છે અને અમેરિકા વિના આ ગઠબંધન માત્ર ‘કાગળનો વાઘ’ છે. તેઓ ન્યૂક્લિયર તાકાત ધરાવતા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માગતા નહોતા. હવે જ્યારે આ લડાઈ સૈન્ય રીતે જીતી લેવામાં આવી છે, ત્યારે તેઓ તેલના ઊંચા ભાવની ફરિયાદ કરી રહ્યા છે.
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેને ખુલ્લી રાખવા માટે સૈન્ય મદદ આપવી સરળ છે, પરંતુ સહયોગી દેશો તેમાં પણ પાછળ હટી રહ્યા છે. તેમણે ઉમેર્યું, “આ એક ખૂબ જ સરળ સૈન્ય પગલું છે, જેમાં જોખમ ઘણું ઓછું છે, પરંતુ તેઓ મદદ કરવા માગતા નથી. કાયર છે, અને અમે આ યાદ રાખીશું.” આવું તેમણે એટલા માટે લખ્યું છે કે, તેમણે હોર્મુઝ સ્ટ્રેટ તરફ જહાજો મોકલવાની દરેક દેશને અપીલ કરી હતી. જેમાં નાટોના એક પણ દેશે સાથ આપ્યો નથી. માત્ર નાટો જ નહીં દુનિયાનો એકપણ દેશ ટ્રમ્પના આ નિર્ણયની સાથે રહ્યો નથી. ત્યારે અહીં કહેવા જેવી વાત એ છે કે, નાટોના દેશો કાયર નથી પરંતુ ટ્રમ્પના વિચાર્યા વગરના અને ગમે તે સમયે બદલાતા નિર્ણય પર હવે દુનિયાના કોઇ દેશને ભરોસો નથી.
નાટો કાયર નથી ખરેખર તો ટ્રમ્પે જે રીતે ઓછી લશ્કરી તાકાત ધરાવતા વેનેઝુએલાના રાષ્ટ્રપતિને બંધક બનાવ્યા તે દર્શાવે છે કે કાયર તો ટ્રમ્પ છે. નબળા દેશના રાષ્ટ્રપતિને આ રીતે ઉપાડવામાં તેમણે શું મર્દાનગી બતાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઇરાન ઇઝરાયેલ અને અમેરિકા બંને દેશોને 22 દિવસથી ટક્કર આપી રહ્યું છે અને જો ટ્રમ્પ કે અમેરિકા જો મજબૂત હોય તો અન્ય દેશો પાસે મદદ માંગવા માટે શા માટે મજબૂર થયા? આજે સવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના નતાંઝ ન્યુક્લિયર સેન્ટર પર હવાઈ હુમલો કર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું રેડિયોએક્ટિવ (ખતરનાક પરમાણુ) ગળતર થયું નથી. આ વિસ્તારની આસપાસ રહેતા લોકોને કોઈ ખતરો નથી.ઇઝરાયલ અને અમેરિકાએ આ પહેલા 2 માર્ચના રોજ પણ આ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ ઈરાનનું સૌથી મોટું ન્યુક્લિયર સેન્ટર છે, જ્યાં યુરેનિયમ એનરિચમેન્ટ (સંવર્ધન) કરવામાં આવે છે. આ પ્લાન્ટની એક ખાસ વાત એ છે કે તેનો મોટો હિસ્સો જમીનની નીચે બનેલો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ હુમલાથી તેને બચાવી શકાય. તો બીજી તરફ
વોલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે, ઈરાને ડિએગો ગાર્સિયા પર બે મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જે ઈરાનથી આશરે 4,000 કિલોમીટર દૂર સ્થિત છે, અને તેની મિસાઇલ ક્ષમતાઓથી ઘણા આગળના લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. હિન્દ મહાસાગરમાં પહેલી વખત ઇરાને હુમલો કર્યો છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, ઇરાન આટલે દૂર સુધી હુમલો કરવામાં પણ સક્ષમ છે. ડિએગો ગાર્સિયા હિંદ મહાસાગરમાં યુએસ-યુકેનું સંયુક્ત લશ્કરી મથક છે. સામે પક્ષે દાવો કરવામાં આવ્યો છે કે, આ બંને મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં આવી હતી. પણ હકીકત એ છે, આટલે દૂર સુધી મિસાઇલ છોડીને ઇરાને સાબિત કરી આપ્યું છે કે યુદ્ધ હજી ખતમ થયું નથી.