Comments

કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરતાં નાણાં ન ફાળવી સ્થાનિક વિકાસ રૂંધી રહી છે?

દિલ્હીમાં એક સેમિનાર દરમિયાન કેરાલાના નાણાંમંત્રી કે. એન. બાલગોપાલ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર મલ્લુ, જેઓ GST કાઉન્સિલના સભ્ય છે, તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, GST કાઉન્સિલની બેઠકમાં જે રાજ્યોને એના અમલીકરણને કારણે નુકસાન જાય છે તેમને વળતર પૂરું પાડી આવક સરભર કરી આપવા માટે શું કરવું જોઈએ તે મુદ્દો ચર્ચાયો જ નહોતો. GSTના કારણે પોતાનાં નાણાંકીય સાધનો માટે કેન્દ્ર સ૨કા૨ પ૨ રાજ્યોની આધારિતતા અનેકગણી વધી જાય છે અને તેને કારણે રાજ્ય સરકારોની વિકાસ માટે નાણાં ઊભા કરવાની ક્ષમતા ઉપર મોટી મર્યાદા આવી ગઈ છે.

આ ઉપરાંત તેઓએ પ્રવર્તમાન સંયોગોમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્યો વચ્ચેના નાણાંકીય સંબંધો અંગેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. મલ્લુએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના ભાગ તરીકે ટેક્સના ૧૪ ટકા નાણાં મળશે તેવું જણાવ્યું હતું, જે ટકાવારી GST અમલમાં આવ્યો તે પહેલાં ૧૪ થી ૧૮ ટકા હતી. મલ્લુનો આક્ષેપ એવો હતો કે કેન્દ્ર સરકારે ૧૪ ટકા ફાળો આપવાની જે વાત કરી હતી, તેને તો ભૂલી જાવ, અત્યારે એ ફાળો માત્ર સાત થી આઠ ટકા જેટલો મળે છે, જેને પરિણામે રાજ્યોને પોતાનાં નાણાંકીય સંસાધનો ઊભાં કરવા તેમજ જરૂરી આંતર માળખાકીય અને વિકાસની સવલતો માટે નાણાં ફાળવવા ઉપર મોટી મર્યાદાઓ આવી ગઈ છે. એ પણ હકીકત છે કે, દેશમાં સરકારો દ્વારા જે કાંઈ ખર્ચ થાય છે તેમાં મોટા ભાગનો ખર્ચ રાજ્યો દ્વારા કરવામાં આવે છે, જ્યારે કેન્દ્રનો ખર્ચ મર્યાદિત છે.

૧૫માં ફાઇનાન્સ કમિશનના અહેવાલને ટાંકીને તેણે જણાવ્યું હતું કે, ‘પંદરમા નાણાં પંચ મુજબ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા થતા કુલ ખર્ચમાંથી ૬૪ ટકા જેટલો ખર્ચ માત્ર ને માત્ર રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે જ્યારે આખા ભારતમાંથી જે કુલ આવક થાય છે તેમાંથી આશરે ૬૩ થી ૬૪ ટકા ભારત સરકાર પાસે આવે છે. આમ, ૨/૩ ખર્ચ રાજ્ય સ૨કારો કરે છે જ્યારે તેમની પાસે ૧/૩ આવક આવે છે અને ૧/૩ ખર્ચ કેન્દ્ર સરકાર કરે છે એની સામે ૨/૩ આવક કેન્દ્ર સરકાર પાસે જાય છે.

આમ કાયમી ધોરણે પોતાના વિકાસ માટેના ખર્ચને પહોંચી વળવા રાજ્યોએ કેન્દ્ર સરકારના ઓશિયાળા રહેવું પડે છે. આટલું જેમ પૂરતું ના હોય તેમ કેન્દ્ર સરકાર પોતાની આવક કેટલાક ‘સેસ’ દ્વારા વસૂલ કરે છે, જેમાંથી એક પૈસો પણ રાજ્ય સરકારના ભાગે આવતો નથી, કારણ કે, સેસ દ્વારા વસૂલ કરાતી રકમ વહેંચણીને પાત્ર નથી. ફાઇનાન્સ કમિશને ભલામણ કર્યા મુજબ કેન્દ્રે પોતાની આવકના ૪૧ ટકા રાજ્યો સાથે વહેંચવાના હોય છે પણ એ વહેંચણી તો માત્ર ૮૦ ટકા કેન્દ્રીય આવકમાંથી જ થાય છે, કારણ કે, કેન્દ્ર સરકાર ૨૦ ટકા જેટલી રેવન્યુ સેસ દ્વારા ઉઘરાવે છે, જેમાં રાજ્યોનો કોઈ ભાગ હોતો નથી. આને પરિણામે કેન્દ્રીય કરવેરાના માત્ર ૨૦થી ૩૨ ટકા નાણાં જ રાજ્યો સાથે વહેંચવામાં આવે છે.

(પંદરમા નાણાં પંચે ભલામણ કર્યા મુજબ ૪૧ ટકા નહીં!) આમ થવાને પરિણામે સ્વાભાવિક રીતે જ જે ઉદ્દેશથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંસાધનોની વહેંચણી કરી છે, તે ઉદ્દેશ બર આવતો નથી અને રાજ્યોને સ્થાનિક વિકાસ માટેના નાણાં ઊભા કરી શકવાની પોતાની પાસે કોઈ ક્ષમતા નહીં હોવાને કારણે મોં વકાસીને કેન્દ્ર સામે જોઈ રહેવું પડે છે. આમ, ફાઇનાન્સ કમિશનનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોની વહેંચણીનો જે મૂળભૂત પાયો છે, તે પાયામાં પોતાની આવકના લગભગ ૨૦ ટકા જેટલી રકમ સેસ થકી ઊભી કરવાની કેન્દ્ર સરકારની લાલસાને કારણે રાજ્યોનો વિકાસ રુંધાય છે અને તેમાંય ખાસ કરીને આંતર માળખાકીય સવલતો જેવી કે, શહેરી ટ્રાન્સપોર્ટ, રસ્તાઓ, પુલ, સિંચાઈ વગેરે પ્રોજેક્ટ મળતર આપતાં થાય તે પહેલાં લાંબો સમય લે છે તેવા લાંબા ગાળાનાં રોકાણ કરવા માટે રાજ્ય સરકાર પાસે નાણાંકીય સાધનો ખૂબ ટાંચાં હોય છે.

આમ, ભારત સરકાર રાજ્યો સાથે વહેંચણી ના કરવી પડે તે માટે સેસ થકી નાણાં ઉઘરાવવાનો રસ્તો અપનાવી પોતાની પાંચમા ભાગની આવક સુવાંગ પોતે જ વાપરી શકે એ રીતની વ્યવસ્થા ઊભી કરી લે છે. આમ, કેન્દ્ર પાસે જતા એક રૂપિયામાંથી રાજ્યોને ભાગે માત્ર ૩૩ પૈસા આવે છે, જે રાજ્યોને અન્યાયકર્તા છે, એટલું જ નહીં પણ સમવાય તંત્રની ભાવના મુજબ રાજ્યોને પોતાની સ્થાનિક અગત્યને ધ્યાનમાં રાખી વિકાસ કરવાની સવલત રહે તે માટે પૂરતાં નાણાંકીય સાધનો મળી રહે તે ભાવનાનો પણ છેદ ઉડાડે છે.

કેરાલા તેમજ તેલંગાણા બંનેના મંત્રીઓએ જણાવ્યું હતું કે, આ ૩૩ ટકા અને ૪૧ ટકા વચ્ચેના ભેદને પૂરો કરવા માટે રાજ્ય સ૨કારોને કેન્દ્ર સરકારે GST દ્વારા ઉઘરાવાતા નાણાંમાંથી અથવા અન્ય રીતે વળતર કે વધારાની ગ્રાન્ટ આપવી જોઈએ તે અંગેની કોઈ જ ચર્ચા છેલ્લે મળેલી GST કાઉન્સિલની મીટિંગમાં થઈ નહોતી. બાલગોપાલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ સમિતિમાં છું. દરેક વખતે કોઈ પણ ફેરફાર કરવાનો હોય તેનો વિગતવાર અભ્યાસ-પ્લાન સમિતિ તરફ મૂકવામાં આવતો તે આ વખતે થયું નથી અને એટલે રાજ્યોને કેટલું નુકસાન જશે તેનો અંદાજ નથી.

એમના અંદાજ મુજબ માત્ર કેરાલાને GSTના આ રેશનલાઇઝેશનને કારણે વર્ષે દહાડે ૮,૦૦૦થી ૧૦,૦૦૦ કરોડ જેટલું નુકસાન જશે. આવું બીજાં રાજ્યો માટે પણ બને. એટલે આ વખતની GST રેશનલાઇઝેશનની કમિટીએ જે નિર્ણય લીધો તેમાં રાજ્યોને કેટલું નુકસાન જશે એનો કોઈ વિગતવાર અહેવાલ કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવ્યો નહોતો. GST આવકારદાયક છે, એમાં કોઈ શંકા નહીં પણ કેન્દ્ર સરકાર જે રીતે આખુંય ડીંડક ચલાવે છે તે એકહથ્થુ સત્તાનું આદર્શ ઉદાહરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top