Comments

થાઇલેન્ડ અને કંબોડિયા પણ યુદ્ધના પંથે?

દુનિયામાં યુદ્ધના ભડકા શાંત પડવાનું તો નામ જ નથી લેતા, ઊલટાનું ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એવી પરિસ્થિતિ છે. નથી સુદાનમાં શાંતિ થતી, નથી ઇઝરાયલ શાંત થતું,રશિયા-યુક્રેન યુદ્ધ પણ રોકાવાનું નામ નથી લેતું. આતંકવાદ બેફામ થઈને વકરી રહ્યો છે, તેવે સમયે મોકાણના એક વધુ સમાચાર સપાટી પર આવી રહ્યા છે. હવે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની સરહદ સળગી છે. થાઇલેન્ડના વડા પ્રધાન દ્વારા કંબોડિયાના પૂર્વ રાજકીય અગ્રણીને તેમનો દેશ સંયમ જાળવે અને ઘર્ષણને વધુ આગળ વધતો અટકાવે તે માટે મદદ માગી હતી, જે બાબતની ટેલિફોન વાર્તાલાપ લીક થઈ જવાને કારણે થાઈ વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને એમની સામે આગળની કાર્યવાહી પડતર છે.

દરમિયાનમાં બંને દેશો વચ્ચે તાજેતરમાં જ સશસ્ત્ર અથડામણો થઈ જેમાં થાઇલેન્ડને પક્ષે ૧૫ મૃત્યુ અને ૪૬ ઘાયલનો આંક બહાર આવ્યો છે, જે સામે કંબોડિયાના પક્ષે ૧ મૃત્યુ અને પાંચ ઘાયલ થયાં છે. યુદ્ધ તરફ આગળ વધી રહેલી આ અથડામણના પાયાના કારણ તરીકે થાઇલેન્ડના કહેવા મુજબ કંબોડિયાની ઉશ્કેરણી છે, જે સામે થાઇલેન્ડની પાસે જવાબી કાર્યવાહી કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સામે પક્ષે કંબોડિયા આ માટે થાઇલેન્ડને જવાબદાર ઠેરવે છે. દુનિયા જાણે છે તેમ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની દુશ્મની લાંબી અને ઊંડી છે.

થાઇલેન્ડના કહેવા મુજબ આવી કોઈ સરહદી અથડામણ સમયે વપરાતા હળવાં શસ્ત્રોને બદલે કંબોડિયાની સેનાએ બીએમ-૨૧ જેવાં ભારે શસ્રો વાપરવાનાં શરૂ કર્યાં, કદાચ આ કારણે થાઇલેન્ડના પક્ષે મોટી ખુવારી વેઠવી પડી. આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે થાઇ મિલિટરીએ છ અમેરિકન એફ-૧૬ વિમાનો મેદાનમાં ઉતાર્યાં છે જેમાંથી એકે થાઇલેન્ડની સરહદે આવેલ કંબોડિયાની બે મિલિટરી ચોકીઓ ઉપર ફાયરિંગ કર્યાનું કહેવાય છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાર ભાગમાં વહેંચાયેલ સરહદી વિસ્તાર છે, જે થાઇલેન્ડ પોતાનો ગણાવે છે અને એ માટે એનો કંબોડિયા સાથેનો વાંધો ચાલ્યા કરે છે.

થાઇલેન્ડનું લશ્કર હવે આ ચાર વિવાદિત સીમાપ્રદેશને બચાવવા માટે ખાસ વ્યૂહરચના મુજબ રી-ડીપ્લોય કરવામાં આવ્યું છે. થાઇલેન્ડના ગલ્ફ ઑફ થાઇલેન્ડ તરીકે જાણીતા અખાતમાં થાઈ તેમજ કંબોડિયન બંનેની સરહદો એકબીજાના ઉપર પડે છે. અત્યારે થાઇલેન્ડ અને કંબોડિયા બંને પક્ષ, જેમ ડોકલામમાં ભારત અને ચીનનાં લશ્કરો બિલકુલ સામસામે આવી ગયાં હતાં, તે રીતે સામસામે એકબીજાની આંખમાં આંખ પરોવીને વાત કરી શકે છે ત્યારે બારૂદના ઢગલામાં એક નાનકડી ચિનગારી પણ જેમ વિસ્ફોટનું સર્જન કરી શકે તેમ આ રીતે એકબીજાની સામે ગોઠવાયેલાં લશ્કરો આગળ જતાં ક્યારેક પૂર્ણ કક્ષાના યુદ્ધ માટેનું કારણ બની શકે.

કદાચ આ જ ચિંતા થાઇલેન્ડના સૌથી યુવા વડા પ્રધાનપદે પહોંચેલા શીનાવાત્રાને સતાવતી હશે, જેને કારણે શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ નિવારવા માટેનો પ્રયત્ન એમણે કંબોડિયન નેતા સાથેના ટેલિફોનિક વાર્તાલાપથી કર્યો હોવાનું માની શકાય. પણ જ્યારે પ્રજાની લાગણી આ મુદ્દે ઉશ્કેરાયેલી હોય અને લશ્કર તેમજ ત્યાંના રાજપક્ષની ખફામરજી એમાં ભળે ત્યારે ક્યારેક ઊંટની પીઠ પર લદાયેલ પેલી છેલ્લી સળી જેમ કમરતોડ બોજ નીવડી શકે તે રીતે પ્રજામાં ધૂંધવાઈ રહેલ બોજ ભળ્યો હશે, જેના પરિણામે શીનાવાત્રાને વડા પ્રધાનપદ છોડવું પડ્યું તે આવ્યું તેમ કહી શકાય.

દુનિયામાં સમતોલ નહીં પણ અંતિમવાદી જમણેરી વલણ ધરાવતા પ્રવાહો વધુ પ્રબળ બની રહ્યા છે, જે પ્રજાને સાચા મુદ્દા ભુલાવી ભાષાવાદ, ધર્મ, ઇમીગ્રેશન જેવા વિવિધ મુદ્દાઓ પકડાવી દે છે. દેશ યુદ્ધના ઉન્માદમાં રાચતો થઈ જાય અને રાજકારણીઓ પોતાનો રોટલો શેકી લે છે. થાઇલેન્ડ અને કંબોડિયા પ્રમાણમાં નાના દેશો છે. એટલા બધા સમૃદ્ધ પણ નથી. થાઇલેન્ડ ખુદ રાજા, પ્રજાકીય પક્ષો વચ્ચે વિખાઈ રહ્યું છે. કંબોડિયાની સ્થિતિ પણ કાંઈ બહુ સારી નથી. આવા સમયે થાઇલેન્ડ અમેરિકાનાં  શસ્ત્રો વાપરે અને રશિયા કંબોડિયાને શસ્ત્રસજ્જ કરે, સરવાળે શોષણ તો આ બે નાના દેશોનું જ થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top