લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) સામે ‘ગુનાહિત છેતરપિંડી’ના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે 2024ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની જીત સુનિશ્ચિત કરવા માટે બેંગ્લોર સેન્ટ્રલ લોકસભા મતવિસ્તારના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1 લાખથી વધુ નકલી મતો બનાવવામાં આવ્યા હતા.રાહુલ ગાંધીની વિગતવાર રજૂઆતમાં કથિત ચૂંટણી ગેરરીતિઓની પાંચ શ્રેણીઓ દર્શાવવામાં આવી છે: એક જ મતવિસ્તારમાં ઘણી વખત નોંધણી કરાયેલા મતદારો, વિવિધ રાજ્યોમાં સમાન મતદાતા ફોટો ઓળખ કાર્ડ (ઈપીઆઈસી) નંબરો અને એક જ સરનામા પર મોટી સંખ્યામાં મતદારો. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસનાં કાર્યકરોને એક જ બૂથમાં ‘એક જ વ્યક્તિ’ દ્વારા બહુવિધ મતો દર્શાવતી બૂથ સ્લિપ મળી છે. જો ચકાસણી કરવામાં આવે તો તે ‘એક વ્યક્તિ, એક મત’ સિદ્ધાંતનું ગંભીર ઉલ્લંઘન છે.
તેમણે દાવો કર્યો હતો કે, આ વિસંગતતાઓ ફક્ત મહાદેવપુરા પૂરતી સીમિત ન હતી, પરંતુ દેશભરના સીમાંત મતવિસ્તારોમાં ભાજપને મદદ કરવા માટે એક ગણતરીપૂર્વકની કાર્યપદ્ધતિનો ભાગ હતી. કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી નોંધણીઓમાં મોટા પાયે વધારા અંગે સમાન આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, આ વિસંગતતાઓથી ભાજપ અને તેના સાથી પક્ષોની અણધારી જીતમાં ફાળો મળ્યો હતો. જો કે, રાહુલ ગાંધીએ મહાદેવપુરામાં જોવા મળેલી ભૂલભરેલી નોંધણીઓના વિસ્તૃત પુરાવા આપ્યા ન હતા.સ્વાભાવિક રીતે, ભારતીય જનતાને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે જો આવું બેંગ્લોર સેન્ટ્રલમાં થયું હોય તો તે દરેક જગ્યાએ નહીં થયું હોય તેની શું ગેરંટી છે? નક્કર પુરાવાઓ સાથે જોડાવાને બદલે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે, ઈસીઆઈ અડધી અધૂરી પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે.
તેણે પહેલાં રાહુલ ગાંધી પાસેથી નોટરી હેઠળ તમામ 1,00,250 નકલી મતોના દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની માંગ કરી હતી. જો કે, અત્યાર સુધી રાહુલ ગાંધીના વિશ્લેષણમાં એવું સાબિત થતું નથી કે, આ વિસંગતતાઓએ સીધી રીતે ભાજપની જીતમાં યોગદાન આપ્યું. ભાજપે 2023માં મહાદેવપુરા વિધાનસભા બેઠક લગભગ 44,500 મતોના માર્જિનથી જીતી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનું માર્જિન 1,14,000 મતોથી વધુ થયું હતું, જ્યારે મતદારોની યાદીમાં કુલ 52,600 મતદારો હોવા છતાં અને વાસ્તવિક મતદારોની સંખ્યામાં માત્ર 20,000 નો વધારો થયો હતો. ઈસીઆઈ દ્વારા ભાજપ સાથે મિલીભગતમાં ઇરાદાપૂર્વકની છેતરપિંડી કરવામાં આવી હોવાનો રાહુલ ગાંધીનો આરોપ હજી પણ નિરાધાર છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલાં આંતરિક સર્વેક્ષણોમાં કર્ણાટકની 28 લોકસભા બેઠકોમાંથી 16 બેઠકો પર જીતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પાર્ટી ફક્ત 9 બેઠકો જ જીતી શકી. તેમણે આ વિસંગતતાનો ઉપયોગ ‘ચોક્કસ મતદારોની છેતરપિંડી’ હોવાનો આરોપ લગાવવા માટે કર્યો હતો અને ફરી એક વાર ચૂંટણી પંચ પર આંગળી ચીંધી હતી. પરંતુ આ તર્ક ખૂબ જ ખામીયુક્ત છે. આંતરિક મતદાન પારદર્શક કે સ્વતંત્ર રીતે ચકાસાયેલ નથી અને ઘણી વાર જમીની વાસ્તવિકતાઓ કરતાં પ્રચાર ટીમોના આશાવાદને વધુ પ્રતિબિંબિત કરે છે.
તેઓ જનમત વિશે કોઈ ઠોસ આગાહી કરતા નથી અને ચૂંટણી કાયદેસરતા માટે માપદંડ તરીકે રાખી શકાતા નથી. કોઈ પણ લોકશાહીમાં આંતરિક અંદાજો નહીં, વાસ્તવિક મતો જ પરિણામો નક્કી કરે છે.રાહુલ ગાંધીએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે કેન્દ્રમાં બે ટર્મ પૂર્ણ કરવા છતાં, ભાજપ સતત ત્રીજી જીત કેવી રીતે મેળવી શક્યો. રાહુલ ગાંધીએ કહ્યું, ‘’દરેક લોકશાહીમાં દરેક પક્ષ પર સત્તાવિરોધી ભાવનાનો પ્રભાવ પડે છે.’’ તેમણે કહ્યું અને સૂચવ્યું કે આવી ભાવનાનો અભાવ છેતરપિંડી તરફ ઇશારો કરે છે.
આ દાવો ફરીથી મજબૂત દલીલ પૂરી પાડતો નથી. સત્તાવિરોધી ભાવનાનો અભાવ છેતરપિંડીનો પુરાવો નથી. મતદારો ત્યારે સરકારોને ફરીથી ચૂંટે છે જ્યારે સ્થિરતા, કામકાજ અને નેતૃત્વનો અનુભવ થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ મજબૂત વિકલ્પ ન હોય. ભારતે નહેરુ અને ઇન્દિરા ગાંધી જેવા નેતાઓના કાર્યકાળમાં આ પહેલાં પણ જોયું છે. રાહુલ ગાંધીનો બીજો તર્ક એ છે કે ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો વચ્ચેનો તફાવત ‘ગડબડ’નો સંકેત આપે છે.
તેમણે હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં 2024નાં પરિણામોને પુરાવા તરીકે ટાંક્યાં, પરંતુ ઓપિનિયન અને એક્ઝિટ પોલ મર્યાદિત નમૂનાઓ પર આધારિત આંકડાકીય અંદાજો છે, જે પદ્ધતિસરના તફાવતો અને અણધાર્યા મતદાતા વર્તનને કારણે ભૂલ થવાની સંભાવના હોય છે. તે અંતિમ મતગણતરીઓ નથી.આ શહેરની અંદર અને આંતરરાજ્ય સ્થળાંતરની એક સામાન્ય ઘટના છે, ખાસ કરીને બેંગલુરુ જેવા શહેરી હબમાં, જ્યાં લોકો વારંવાર કામ, શિક્ષણ અથવા રહેઠાણના અભાવના કારણે રહેઠાણો બદલતાં રહે છે.
અગાઉની યાદીમાંથી નામ દૂર કરવા માટે ઔપચારિક રીતે અરજી કર્યા વિના વ્યક્તિઓ માટે તેમના નવા સરનામાં પર નોંધણી કરાવવી અસામાન્ય નથી. આ વહીવટી ઓવરલેપના પરિણામે બહુવિધ એન્ટ્રીઓ થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિએ એક કરતાં વધુ વખત મતદાન કર્યું છે. તમે નોંધણીની વિસંગતતાઓને વાસ્તવિક મતદાન ગેરરીતિ સાથે જોડી શકતા નથી. દરેક વ્યક્તિ જાણે છે કે ગતિશીલ શહેરી વાતાવરણમાં મતદારયાદી કેવી રીતે વિકસિત થાય છે. રાહુલ ગાંધીએ એ હકીકતને અવગણવાનું પસંદ કર્યું કે પક્ષોને મતદારયાદીઓ ખૂબ અગાઉથી મળી જાય છે અને ચકાસણીના તબક્કા દરમિયાન વાંધો ઉઠાવવાની સ્વતંત્રતા છે. જો ખરેખર આટલી મોટી વિસંગતતાઓ અસ્તિત્વમાં હોય તો મતદાનના દિવસ પહેલાં તેમને કેમ ચિહ્નિત કરવામાં ન આવી?
જો રાહુલ ગાંધી આરોપ લગાવે છે કે ચોક્કસ મતદારોએ બે વાર મતદાન કર્યું હતું, તો આ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન અનુત્તર રહે છે: તેમણે કોને મત આપ્યો? એવા કોઈ પુરાવા નથી કે આવાં મતદારોએ ફક્ત ભાજપને ટેકો આપ્યો હતો. હકીકતમાં, ગુપ્ત મતદાન પ્રણાલીમાં ચૂંટણી ગોપનીયતાના પાયાને તોડ્યા વિના કોઈ પણ વ્યક્તિના મતની દિશા નક્કી કરવી અશક્ય છે. આપણે બધા જાણીએ છીએ કે, નકલી મતદારો કોંગ્રેસ અથવા અન્ય કોઈ પણ પક્ષને મતદાન કરી શક્યા હોત. છતાં, રાહુલ ગાંધી, પુરાવા વિના, સહેલાઈથી માની લે છે કે આવી કોઈ પણ અનિયમિતતાએ ભાજપને ફાયદો કરાવ્યો હશે, જે તેમના આરોપના ઊંડા પક્ષપાતી સ્વભાવને ઉજાગર કરે છે.
ચોક્કસપણે, કર્ણાટકની મતદારયાદીઓમાં અનિયમિતતાના રાહુલ ગાંધીના દાવાઓની તપાસ કરવાની જરૂર છે. તેઓ ચૂંટણી પંચ દ્વારા સુધારાત્મક પગલાં લેવાની માંગ કરે છે, પરંતુ એ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી, ફક્ત રાજકીય ષડયંત્ર સિદ્ધાંત છે કે, કર્ણાટક કે અન્યત્ર મતદારયાદીમાં રહેલી બધી ગડબડ ભાજપને ફાયદો પહોંચાડવા માટે રચાયેલ છે. કર્ણાટક કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ સ્વીકારી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે જે અંતિમ કર્ણાટક મતદારયાદીઓ પર પ્રકાશ પાડી રહ્યા છે તે ગયા વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવી હતી અને કોંગ્રેસ સહિત તમામ માન્ય પક્ષોને તેની એક એક નકલ પૂરી પાડવામાં આવી હતી. ચૂંટણી પંચે કથિત અનિયમિતતાના પડકારનો સામનો કરવો જોઈએ અને રેકોર્ડ સુધારવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.