જ્યારે લાદવામાં આવ્યા ત્યારે કૃષિ કાયદાના ફાયદાઓ ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે આ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી છે. કૃષિ કાયદાથી શું લાભ થશે તે લોકોને અને ખાસ કરીને ખેડૂતોને સમજાવવા માટે મોદીની સાથે આખા મંત્રીમંડળ અને ભાજપના સાંસદોએ ભારે મહેનત કરી હતી. ત્યાં સુધી કે દરેક રાજ્યોમાં ભાજપના સંગઠનને આ કાયદાના ફાયદા બતાવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, હવે જ્યારે યુપી, પંજાબ સહિતના રાજ્યોની ચૂંટણી નજર સામે છે ત્યારે ચૂંટણીઓમાં હાર નજર સમક્ષ દેખાતા મોદીએ પીછેહઠ કરી લીધી છે. વિપક્ષોએ એવા આક્ષેપો શરૂ કરી દીધા છે કે મોદી દ્વારા ચૂંટણી પછી ફરી આ કાયદાઓ લાવવામાં આવશે. પરંતુ મોદી દ્વારા આ કાયદાઓ પાછા ખેંચવાની પાછળ સને 2024માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની ગણતરી પણ છે.
કેન્દ્રની મોદી સરકારને પહેલા એવું લાગતું હતું કે, કૃષિ સુધારા કાયદા લાદવામાં આવ્યા બાદ ખેડૂતોને હંફાવવાને કારણે ખેડૂતો થાકી જશે અને આંદોલનનો માર્ગ ત્યજી દેશે. ભૂતકાળમાં મોદી સરકાર સામેના અનેક આંદોલનની હાલત આવી થઈ છે પરંતુ ખેડૂતો હટ્યા નહીં. ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું. ખેડૂતોના આ આંદોલનને કારણે પંજાબ, હરિયાણા અને યુપીમાં મોદી સરકારની સામે મોટો જુવાળ ઊભો થઈ રહ્યો હતો. પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસ અને યુપીમાં સમાજવાદી પાર્ટીને કૃષિ કાયદા સામેના વિરોધનો મોટો લાભ મળતો દેખાઈ રહ્યો હતો.
ખેડૂતોનું આંદોલન યુપી અને દિલ્હી તેમજ દિલ્હી તેમજ પંજાબ-હરિયાણાની સરહદો પર ચાલી રહ્યું હતું. કૃષિ કાયદા સામેના વિરોધને ખાળવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસ છોડનારા અમરિન્દરસિંઘનો પણ સાથ લેવામાં આવ્યો. ત્યાં સુધી કે અમરિન્દરસિંહને અલગ પાર્ટી બનાવીને તેની પોતાની સાથે રાખીને ખેડૂતોને મનાવી લેવાની બાજી પણ ભાજપે ગોઠવી હતી પરંતુ તેમ છતાં ખેડૂતોનો રોષ શાંત થાય તેવું નહોતું. હવે કાયદા રદ કરીને મોદી એવી ગણતરી કરી રહ્યાં છે કે અમરિન્દરસિંઘને સાથે રાખીને તેઓ પંજાબના ખેડૂતોને મનાવી લેશે અને સાથે સાથે અકાલીદળને પણ પોતાની સાથે જોડીને પંજાબ કબજે કરી લેશે.
બીજી તરફ આવી જ ગણતરી યુપીમાં પણ માંડવામાં આવી છે. કૃષિ કાયદા સામે પશ્ચિમ યુપીમાં ભારે રોષ હતો.
પશ્ચિમ યુપીમાં ગત ચૂંટણી વખતે ભાજપે 16 જિલ્લાની 136 સીટમાંથી 109 સીટ જીતી હતી. પરંતુ કૃષિ કાયદાને કારણે આખા પશ્ચિમ યુપીમાં ભાજપ સામે ભારે રોષ હતો. સ્થાનિક ખેડૂતોમાં રહેલી નારાજગી ભાજપને ભારે પડે તેમ હતી. હાલમાં જે સરવે આવ્યા તેમાં પણ ભાજપને માંડ માંડ બહુમતિ મળે તેવા સંજોગો બતાવવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ સ્હેજેય જોખમ ઉઠાવે તો તેણે યુપીમાં સત્તા ગુમાવવી પડે તેમ હતી.
યુપીમાં રાજ્યમાં સત્તા જાય તો તેની મોટી અસર લોકસભાની ચૂંટણીમાં પણ પડે તેમ હતું. કૃષિ કાયદા સામેનો વિરોધ શરૂઆતમાં રસ્તા પર દેખાયો હતો પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા બળપ્રયોગ કરવામાં આવતાં ખેડૂત આગેવાનો અંતરિયાળ વિસ્તારોમાં વહેંચાઈ ગયા હતા. જેને કારણે ખેડૂતોની નારાજગી સપાટી પર આવવાને બદલે અંદર ધુંધવાતી હતી અને તેનો વિસ્ફોટ ચૂંટણી સમયે થાય તેવી સંભાવના હતી. મોદી સરકારની વિરૂદ્ધમાં હાલમાં વિપક્ષો પાસે ખેડૂત આંદોલન સિવાય કોઈ મોટો મુદ્દો નહોતો. આ સંજોગોમાં આ મુદ્દો ધીરેધીરે ખેડૂતોની નારાજગી વધારી રહ્યો હતો. માત્ર દિલ્હી કે પંજાબ, હરિયાણા, યુપી જ નહીં પરંતુ દેશમાં જ્યાં પણ ખેડૂતો છે ત્યાં ખેડૂત આંદોલનની જ્વાળા પહોંચાડવામાં આવી રહી હતી.
જે રીતે મામલો ભડકી રહ્યો હતો તે જોતાં ભાજપની સરકાર માટે મોટું જોખમ ઊભું થઈ રહ્યું હતું. કેન્દ્ર સરકારે કૃષિ સુધારા કાયદાથી જાણે દેશની સિકલ બદલાઈ જવાની હતી તે પ્રમાણે જાહેરાતો કરી હતી પરંતુ હવે ચૂંટણીમાં હારના જોખમે મોદી સરકારને ખેડૂતોની સામે ઘૂંટણિયે લાવી દીધી છે. જોકે, હજુ પણ ખેડૂતોને મોદી સરકારનો વિશ્વાસ નથી. જ્યાં સુધી શિયાળું સત્રમાં કાયદાઓ પરત ખેંચાઈ નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે. કૃષિ સુધારા કાયદા પરત ખેંચીને વડાપ્રધાન મોદી મોટી હરણફાળ ભરવાનો વિશ્વાસ રાખે છે પરંતુ તેમનો આ વિશ્વાસ સાચો પડશે કે કેમ તે સમય જ કહેશે.