Comments

શું પ્રવેશ પરીક્ષાઓની પેટર્ન બદલવાનો સમય પાકી ગયો છે?

આ વર્ષે, વિવિધ અભ્યાસક્રમો માટે મોટા પાયે પ્રવેશપરીક્ષાઓ યોજવામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (એનટીએ) અસરકારકતા અને વિશ્વસનીયતાની ફરી એક વાર ટીકા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને અન્ય હિતધારકોએ જેઈઈ, નીટ, યુજીસી-એનઈટી અને સીએસઆઈઆર-યુજીસી-એનઈટી જેવી પ્રવેશપરીક્ષાઓની છેતરપિંડી, ગેરવહીવટ અને અનિયમિતતાના આરોપોને કારણે ટીકા કરી હતી. આ તમામ પરીક્ષા NTA દ્વારા લેવામાં આવે છે. અનિવાર્ય સંજોગો અને લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે કેન્દ્રે તાજેતરમાં સંયુક્ત સીએસઆઈઆરયુજીસી-એનઈટી જૂન 2024ની પરીક્ષાને આગામી સૂચના સુધી સ્થગિત કરી છે.

તેણે ‘પરીક્ષાની અખંડિતતા સાથે ચેડાં કરવા’ને કારણે યુજીસી-એનઈટી પરીક્ષા પણ રદ કરી દીધી છે. દરમિયાન, NEET-UG 2024નાં પરિણામોમાં વ્યાપક અનિયમિતતા અને અયોગ્ય માર્કિંગના આક્ષેપો સાથે, કેન્દ્રે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા 1,563 ઉમેદવારોને ખોટા પ્રશ્ન માટે ગ્રેસ માર્કસ આપ્યા પછી તેમના માર્ક્સ રદ કર્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જેઇઇ મેઇન પણ પરિણામોમાં કથિત વિસંગતતાઓના વિવાદથી ઘેરાયેલી હતી. જવાબદારી નક્કી કરવી અને પરીક્ષાઓનું પુનઃનિર્ધારણ કરવું ખૂબ જ સારું હોઈ શકે, પરંતુ આવા નિર્ણયોની યુવા દિમાગ પર શું અસર થશે? કોઈ પણ સંજોગોમાં, શું ત્રણ કલાકની કસોટી એ લાખો યુવા ભારતીયોના જીવનને નિર્ધારિત કરવા માટે નિર્ણાયક પરિબળ હોવું જોઈએ? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ પાસે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન માગી લે છે. પરીક્ષા પ્રણાલીની પુનઃકલ્પના, પુનઃ માપાંકિત અને સુધારણા કરવાની જરૂર છે, કારણ કે હાલનું મોડલ કામ કરતું નથી. એનટીએની સ્થાપના 2017માં શિક્ષણ મંત્રાલય હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને ફેલોશિપ માટે પ્રવેશ પરીક્ષાઓ લેવા માટે કરવામાં આવી હતી.

કેટલાક નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર જવાબદારી લે અને એજન્સીને વિખેરી નાખે. અલબત્ત, એક એજન્સીને સમાપ્ત કરીને બીજી એજન્સીની રચના કરવી એ કોઈ ઉકેલ નથી. ભારત ‘એક દેશ-એક પરીક્ષા’ અભિગમ પરવડી ન શકે તેટલો મોટો દેશ છે. આપણે પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ અને રાજ્યોને પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સશક્તિકરણ કરવું જોઈએ. પરીક્ષાઓની પવિત્રતા પુનઃસ્થાપિત થવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ તેમની શાળા, કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

હા, માર્કસમાં આંતર-બોર્ડ વિવિધતાનો મુદ્દો છે. પસંદગી માટે મેરિટ તૈયાર કરવા માટે વિવિધ બોર્ડ દ્વારા માર્કિંગમાં તફાવતને સામાન્ય બનાવવા માટે નવાં સાધનોની જરૂર છે. પરીક્ષા પ્રણાલીમાં ઘણા બધા અને વારંવારના ફેરફારો તેને સસ્પેન્ડેડ એનિમેશનમાં રાખે છે અને પરીક્ષણ એજન્સી પર ગંભીર દબાણ લાવે છે. NTA એ NEET અને JEE માટે CBSE ને બદલ્યું, પરંતુ તે ખૂબ જ ટૂંકા સમયમાં અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયું. રાજકીય, અમલદારશાહી અને વૈચારિક હસ્તક્ષેપથી હાલની સંસ્થાઓને મજબૂત અને સુરક્ષિત કરવી પણ જરૂરી છે.

ઓન-ડિમાન્ડ પરીક્ષાઓ હોવી જોઈએ – વર્ષમાં ઓછામાં ઓછા બે વાર. જો કેન્દ્રિય પ્રવેશ પ્રણાલીની જરૂર હોય, તો સત્તાવાળાઓએ તેનો વિરોધ કરવાને બદલે ટેકનોલોજીને અનુસરવી જોઈએ. સમસ્યાઓ ઊભી થાય છે જ્યારે એક જ એન્ટિટીને અનેક મોટા પાયે સંવેદનશીલ પરીક્ષાઓ સોંપવામાં આવે છે અને ભૂલો થવાની શક્યતાઓ વધુ હોય છે. આને સમાવવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભાશાળી માનવબળ, નવીનતા અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની જાણકારી જરૂરી છે. અસ્થાયી રૂપે રોકાયેલાં બહારનાં લોકોની અખંડિતતા માટે પરીક્ષણ કરવું આવશ્યક છે.

ઓનલાઈન પરીક્ષાઓ હોવી જોઈએ. NTA પ્રાદેશિક કેન્દ્રો બનાવી શકે છે. દરેક પરીક્ષાના અલગ સેટ સાથે, જે રોટેશનલ હોઈ શકે છે, જેમ કે અલગ-અલગ IITs જે જુદાં જુદાં વર્ષોમાં JEE એડવાન્સનું આયોજન કરે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્પર્ધાત્મક ભાવના પેદા કરશે, પરિણામે એકંદરે વધુ સારું પ્રદર્શન થશે. પરીક્ષા પેટર્ન પણ બદલવી જોઈએ. દર વર્ષે, 10 લાખથી વધુ ઉમેદવારો સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે, પરંતુ UPSC હજુ પણ લીક-પ્રૂફ પરીક્ષાનું આયોજન કરે છે. જ્યાં સુધી ઓનલાઈન પરીક્ષાઓનો સવાલ છે ત્યાં સુધી ટેકનોલોજી આધારિત પરીક્ષાઓના સતત ઉપયોગને કારણે લીક થવાનો ખતરો રહેશે. AI ના આગમન સાથે ખતરો ચોક્કસપણે વધશે, કારણ કે સાયબર સુરક્ષા ચિંતાનો વિષય હશે.

વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં ઘણો સમય અને પૈસાનો વ્યય કરે છે. NTAની અસંગતતા માત્ર વિદ્યાર્થીઓના જ નહીં, પરંતુ તેમનાં માતા-પિતાના મનોબળને પણ અસર કરી રહી છે, ઘણાં વિદ્યાર્થીઓ સમયની મર્યાદાને કારણે પુનઃપરીક્ષા માટે હાજર રહી શકતાં નથી. NTA હજુ પણ મજબૂત ઉકેલો અમલમાં મૂકવાને બદલે અજમાયશ અને ભૂલમાં વ્યસ્ત છે. જો એજન્સીનું વિસર્જન કરવામાં આવે, તો તમામ રાજ્યો તેમની પરીક્ષાઓ યોજશે અને સ્કોર્સ અલગ હશે. વિદ્યાર્થીઓએ ઊંચો ખર્ચ ઉઠાવીને વિવિધ સંસ્થાઓમાં અરજી કરવી પડશે. એવા દેશમાં પરીક્ષા કેવી રીતે યોજવી જોઈએ જ્યાં લાખો ઉમેદવારો ડોકટરો અથવા એન્જિનિયર બનવા માંગે છે, જ્યાં ઉમેદવારો અને તેમનાં માતા-પિતા પ્રશ્નપત્ર અને તેની ‘આનસર કી’ મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવવા માટે તૈયાર હોય છે?

ટેકનોલોજી ઉકેલો આપે છે.
વધુ મહત્ત્વની બાબત એ છે કે, નવી પરીક્ષણ પ્રણાલી એ ત્રણ વર્ષનું પ્રગતિશીલ મૂલ્યાંકન હોવું જોઈએ, જેમાં રાષ્ટ્રીય સામાન્ય યોગ્યતા, મૂલ્યાંકન અને રાજ્યના તફાવતોને દૂર કરવા માટે સામાન્ય માર્ક્સ હોવા જોઈએ. એન્ટ્રન્સ ટેસ્ટ પહેલાં, ધોરણ 11 અને 12એ રાષ્ટ્રીય કસોટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં વિશેષ અભિરુચિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી, NTA ક્યારેય તેનો સાર ગુમાવશે નહીં, તેને માત્ર તેની મોડસ ઓપરેન્ડીમાં સુધારો કરવાની અને તેની પ્રેક્ટિસને ફુલપ્રૂફ બનાવવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top