શું બોલિવૂડની ફિલ્મોની રજૂઆતની જાહેર થયેલી તારીખોનો આધાર અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ની રજૂઆત પર છે? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે અનેક મોટી ફિલ્મોની રજૂઆતની તારીખો જાહેર થઇ એમાં ‘સૂર્યવંશી’ નું નામ નથી. ‘સૂર્યવંશી’ ના નિર્માતાઓ અને થિયેટરમાલિકો વચ્ચે શરતો નક્કી થઇ શકી નથી એટલે તેની રજૂઆતની તારીખ જાહેર કરવાની ઉતાવળ કરવામાં આવી રહી નથી.
સૌથી મોટો મુદ્દો નફાના ભાગનો છે. નિર્માતાઓ હવે નફામાં વધારે ભાગ માગી રહ્યા છે. એ ઉપરાંત ઓટીટી પર રજૂ કરવાનાં અઠવાડિયાં ઘટાડવા માગે છે એનો વિવાદ છે. કેટલાક મુદ્દા પર સહમતિ ના બને ત્યાં સુધી મોટી ફિલ્મોની રજૂઆતની જાહેર થયેલી તારીખો નક્કી ના ગણી શકાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું માનવું છે કે ફક્ત રજૂઆતની તારીખ જાહેર કરવાથી કંઇ થવાનું નથી. જ્યાં સુધી થિયેટરમાલિકો અને નિર્માતાઓ વચ્ચેનો મામલો સુલઝી ના જાય ત્યાં સુધી ફિલ્મોની રજૂઆતનો રસ્તો સાફ થવાનો નથી. કેટલીક ફિલ્મો રજૂ થઇ રહી છે પરંતુ કેટલીક ફિલ્મોની તારીખો દર્શકોને અંદાજ આપવા જ જાહેર કરવામાં આવી છે. બંને વચ્ચે સહમતિ સધાયા પછી એનો પ્રચાર શરૂ કરવામાં આવશે. ‘સૂર્યવંશી’ ના નિર્માતાઓએ બધું નક્કી ના થાય ત્યાં સુધી અધિકૃત રીતે તારીખ જાહેર કરવાનું ટાળ્યું છે. એ કારણે આ ફિલ્મ જોવા માગતા ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. રજૂઆતની શરતો બધા નિર્માતાઓ માટે સરખી રહેતી હોવાથી જાહેર થયેલી એક ડઝનથી વધુ ફિલ્મોની તારીખો નક્કી ના ગણી શકાય એટલે એમ પણ કહી શકાય કે ‘સૂર્યવંશી’ ની રજૂઆત ઉપર થિયેટરોનું ભવિષ્ય ટક્યું છે. મોટાભાગની મોટી ફિલ્મોની તારીખો મે માસથી ડિસેમ્બર દરમ્યાનના ગાળામાં જાહેર થઇ છે. મતલબ કે એમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં વિવાદ સુલઝી જશે.
અક્ષયકુમારની ઘણી ફિલ્મો આ વર્ષે રજૂ થવાની છે. પરંતુ ‘સૂર્યવંશી’ સૌથી પહેલી રજૂ થવાની હોવાથી એની બીજી એપ્રિલની તારીખ હજુ ફાઇનલ ગણાતી નથી. વળી કોરોનાના વધતા કેસોને કારણે પણ તારીખ જાહેર કરવામાં વિલંબ થઇ શકે છે. આગામી મહિનાઓમાં અક્ષયકુમારની ઘણી ફિલ્મોની રજૂઆત થવાની છે. એમાં રણજીત તિવારી નિર્દેશિત ‘બેલબૉટમ’ ને ૨૮ મી મેએ, આનંદ એલ. રાય નિર્દેશિત ‘અતરંગી રે’ ને છઠ્ઠી ઓગષ્ટે અને ચંદ્રકાંત દ્વિવેદી નિર્દેશિત ‘પૃથ્વીરાજ’ ને દિવાળી પર રજૂ કરવાની જાહેરાત થઇ છે. આવતા વર્ષે રજૂ થનારી અક્ષયકુમારની ફિલ્મોમાં ‘બચ્ચન પાંડે’ અને ‘રામસેતુ’ છે. ‘બચ્ચન પાંડે’ નું શુટિંગ પૂરું થઇ ગયું છે જ્યારે ‘રામસેતુ’નું શરૂ થઇ રહ્યું છે. અક્ષયકુમાર પાસે અત્યારે દસ જેટલી ફિલ્મો હોવાથી એક કોમેડી ફિલ્મને છોડવી પડી હોવાની ખબર છે. નવાઇની વાત એ છે કે કોમેડીમાં સફળતા મળી હોવા છતાં તે કોમેડી ફિલ્મોથી દૂર થઇ રહ્યો છે.
અક્ષયકુમારે કોમેડી ફિલ્મ છોડીને ‘મિશન મંગલ’ ના નિર્દેશક જગન શક્તિની ‘મિશન લાયન’ કરવા માટે તૈયારી બતાવી છે. અક્ષયકુમાર અત્યારે સામાજિક, એક્શન અને ઐતિહાસિક ફિલ્મો પર વધારે ધ્યાન આપી રહ્યો છે. નિર્દેશક મુદ્દસર અઝીઝની અક્ષયકુમારે છોડેલી ફિલ્મમાં હવે રાજકુમાર રાવનો પ્રવેશ થયો છે. એ પરથી એમ કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમારની બ્રાન્ડ વેલ્યુ વધી ગઇ છે. તેની છેલ્લી કોમેડી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ ને બોક્સઓફિસ પર સફળતા મળી ન હતી. પરંતુ રાજકુમારની કોમેડીને પસંદ કરવામાં આવી હતી. રાજકુમારે હમણાં તેની કોમેડી ફિલ્મ ‘બધાઇ દો’ નું શુટિંગ પૂરું કર્યું છે અને કહ્યું છે કે ફિલ્મનો ઇંતજાર થઇ શકે એમ નથી. હવે આ ફિલ્મની રજૂઆતની તારીખ નક્કી કરવામાં આવી રહી છે.
આ એક એવી કોમેડી ફિલ્મ છે જેના માટે દર્શકોમાં સૌથી વધુ ઉત્સુક્તા છે કેમ કે આયુષ્માનની ‘બધાઇ હો’ ને વધારે પસંદ કરવામાં આવી હોવાથી નિર્માતાઓએ તેની સીકવલ ‘બધાઇ દો’ ને રાજકુમાર- ભૂમિ પેડનેકરની જોડી સાથે બનાવી છે. ‘બધાઇ હો’ ને ૨૦૧૮ માં સફળતા મળ્યા બાદ ૨૦૧૯ માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવાથી નિર્દેશક હર્ષવર્ધન કુલકર્ણીની ‘બધાઇ દો’ માટે અપેક્ષા વધી ગઇ છે. રાજકુમારે પોતાની પોલીસ અધિકારીની ભૂમિકા માટે ફિટનેસ પર વધારે કામ કર્યું હતું. તે પોતાના માટે ‘બધાઇ દો’ ને એક વિશેષ ફિલ્મ માને છે. એક શ્રેષ્ઠ ભૂમિકા ભજવવાની તક મળી હોવાનું તે કહી રહ્યો છે. ફિલ્મ રજૂ થયા પછી ફિલ્મના બધા કલાકારો ‘બધાઇ કે પાત્ર’ બને છે કે નહીં તે જોવાનું રહેશે!