Editorial

દુનિયામાં અણુ પરીક્ષણોની ચિંતાજનક લહેર શરૂ થઇ રહી છે?

હાલમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વિશ્વના કેટલાક અણુ શસ્ત્ર સજ્જ દેશો ગુપચુપ અણુ પરીક્ષણો કરી રહ્યા છે. પાકિસ્તાન અને ચીન અણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે એમ  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા અને ઉત્તર કોરિયા પણ તેમના અણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે. આમ તો ટ્રમ્પ ફેંકાફેંક કરવા માટે જાણીતા છે  પરંતુ આવી ગંભીર વાત તેમણે કોઇ નક્કર ગુપ્તચર માહિતીઓના આધારે જ કહી હશે. ટ્રમ્પની આ ટિપ્પણીઓ કદાચ એટલા માટે આવી છે કે તેઓ અમેરિકન દળોને તેમણે હાલમાં અણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવા માટેના આપેલા  આદેશને તેઓ વાજબી ઠરવવા માગે છે, જે આદેશ તેમણે અમેરિકાના ૩૩ વર્ષના સ્વૈચ્છિક સ્વનિયંત્રણ પછી જારી કર્યો છે.

ટ્રમ્પે CBSના એક કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યુ આપતા આ દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે જે દેશો અણુ બોમ્બ ધરાવે છે તેઓ પરીક્ષણો કરી રહ્યા છે પણ તે અંગે વાત કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે ચીન અને  પાકિસ્તાન છૂપી રીતે વિસ્ફોટો કરી રહ્યા છે. “રશિયા પરીક્ષણ કરી રહ્યું છે અને ચીન પરીક્ષણ કરી રહ્યું છે, પણ તેઓ તેના વિશે વાત કરતા નથી. તમે જાણો છો, આપણે એક ખુલ્લો સમાજ છીએ. આપણે અલગ છીએ. આપણે  તેના વિશે વાત કરીએ છીએ… તેમની પાસે એવા પત્રકારો નથી જે તેના વિશે લખે.” આમ કહીને તેમણે અમેરિકાની લોકશાહી અને તેના ખુલ્લાપણાની અને ચીન તથા રશિય જેવા દેશોના બંધિયારપણાની પણ વાત કહી દીધી છે. 

તેમણે પાકિસ્તાન પર પણ આરોપ લગાવતા કહ્યું છે કે તે પણ અણુ પરીક્ષણો કરી રહ્યું છે. “ચોક્કસપણે ઉત્તર કોરિયા પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પરીક્ષણ કરી રહ્યું છે.” એમ કહેતા ટ્રમ્પે આ જ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે  ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પોતે અટકાવ્યું હોવાનો પોતાનો દાવો ફરી દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન અણુ યુદ્ધના આરે આવીને ઉભા રહી ગયા હતા, જે મેં વેપાર અને ટેરિફથી અટકાવ્યું. જો  પોતે દરમ્યાનગીરી ન કરી હોત તો લાખો લોકો મરી ગયા હોત એમ ટ્રમ્પે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ(અણુ શસ્ત્રો ધરાવતા દેશો) તમને કહેશે નહીં, તેઓ અન્ડરગ્રાઉન્ડ અણુ વિસ્ફોટો કરી રહ્યા છે જેમાં લોકોને ખબર પડતી  નથી કે પરીક્ષણમાં ખરેખર શું થયું? તમને થોડીક ધ્રુજારી અનુભવાય છે પરંતુ તે સિવાય ખાસ કંઇ જાણવા મળતુ નથી એ મુજબ તેમણે કહ્યું હતું. ગ્લોબલ મોનિટરિંગ સ્ટેશનો જમીનની ધ્રુજારી શોધી કાઢે છે, જે ભૂકંપ જેવા  મોજાઓ હોય છે, જે ભૂગર્ભ અણુ વિસ્ફોટોના કારણે થયેલી હોય છે. જો કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ પરીક્ષણો ગુપ્ત રીતે કરવામાં આવે છે તેથી તેમને શોધવાનું અશક્યવત બને છે.

ટ્રમ્પનો આ દાવો ભારત માટે એક ચિંતાની બાબત બની શકે છે કારણ કે તે પાકિસ્તાન અને ચીનનો બે મોરચે સામનો કરી રહ્યું છે. ચીન પાસે ૬૦૦ જેટલા અણુ બોમ્બ છે તેના કરતા ઘણા ઓછા ૧૮૦ અણુ બોમ્બ ભારત પાસે  છે. પાકિસ્તાન પાસે ૧૭૦ અણુ બોમ્બ છે પણ તેની પાસે એટલી સંતૃપ્ત સામગ્રી છે કે તે ૨૦૨૮ સુધીમાં પોતાના અણુબોમ્બની સંખ્યા ૨૦૦ સુધી લઇ જઇ શકે છે. વળી ચીનની FOBS સિસ્ટમ ભારત માટે મોટો ખતરો છે જે  આગાહી નહીં કરી શકાય તેવો માર્ગ પકડીને હુમલો કરી શકે છે અને ભારતના પૃથ્વી ડીફેન્સ વેહીકલ સહિતના ઇન્ટરસેપ્ટરોને ચકમો આપી શકે છે. આ બંને દેશોની મિલિભગત અને ભારત પ્રત્યેની તેમની શત્રુતા જોતા ભારતે  સતર્ક રહેવું પડશે.

જો કે હવે, ટ્રમ્પ દ્વારા અમેરિકાના પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરવાની હિલચાલ અને ચીન અને પાકિસ્તાન દ્વારા ગુપ્ત રીતે આમ કરવાના તેમના દાવાઓએ ભારત માટે પોખરણ-૩ અણુ પરીક્ષણ કરવા માટે  એક બારી ખોલી દીધી છે, જે ભારતના પરમાણુ બોમ્બની અસરકારકતા ચકાસી શકશે. પોખરણ-૨ અણુ પરીક્ષણ વખતે ૧૯૯૮માં ભારતના અણુ વિસ્ફોટથી પુરતી શક્તિ પેદા કરી શકાઇ ન હતી તેવા ડીઆરડીઓના એક વૈજ્ઞાનિકના દાવાથી સર્જાયેલી શંકાઓ પણ ભારત ત્રીજું અણુ પરીક્ષણ કરીને દૂર કરી શકશે. જો કે આ બધાની સાથે એ વાત ચોક્કસ છે કે દુનિયામાં અણુ પરીક્ષણોની એક લહેર શરૂ થવાના ચિંતાજનક સંજોગો ઉભા થઇ રહ્યા છે.

Most Popular

To Top