ઈરાનને યુએસ અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોટો ઝટકો લાગ્યો છે. ઈરાનની શક્તિશાળી લશ્કરી સંસ્થા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું છે કે તેના ગુપ્તચર સંગઠનના વડા, મેજર જનરલ માજિદ ખાદેમી, આ હુમલામાં માર્યા ગયા છે. IRGC એ માજિદ ખાદેમીનું મૃત્યુ જાહેર કરતાં જણાવ્યું છે કે તેમને “અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત આતંકવાદી હુમલામાં શહીદ” કરવામાં આવ્યા છે. ખાદેમી લગભગ પાંચ દાયકાથી ઈરાનની ગુપ્તચર અને સુરક્ષા સેવાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. હાલ સુધી IRGC એ ખાદેમી ક્યારે અને કયા સ્થળે માર્યા ગયા તે સ્પષ્ટ વિગતો મળી નથી. એક અહેવાલ મુજબ આજે સોમવારે વહેલી સવારે, તેહરાનની આસપાસના રહેણાંક વિસ્તારોને હવાઈ હુમલાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો.
IRGC એ આ હુમલામાં યુએસ અને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો છે. તેમનું કહેવું છે કે આ હુમલો ઈરાન માટે વધુ એક મોટો ઝટકો છે, અને તે ખાદેમી જેવા અનુભવીએ ગુપ્તચર નેતાને ગુમાવવાથી તેના આંતરિક સલામતી માળખાને પણ અસર પાડી શકે છે. આ ઘટના પૂર્વે, માજિદ ખાદેમીએ IRGCના ગુપ્તચર સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નિષ્ઠા અને અનુભવને કારણે તેઓ IRGC માટે એક ખૂબ જ અગત્યના નેતા ગણાતા હતા. ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે સૈન્ય અને રાજકીય તણાવ પાછો વધી ગયો છે. IRGCના આ નિવેદન અને ખાદેમી પર હુમલાની જાણ પછી, આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.