આયર્લેન્ડની ડેટા સુરક્ષા સંસ્થા Ireland Data Protection Commission (DPC) એ વિશ્વના અબજોપતિ ઉદ્યોગપતિ Elon Muskની માલિકીની સોશિયલ મીડિયા કંપની X ના AI ચેટબોટ સામે સત્તાવાર તપાસ શરૂ કરી છે.આ તપાસમાં વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને સંભવિત રીતે અશ્લીલ તથા નુકસાનકારક AI ઈમેજ બનાવવાના આરોપોની તપાસ કરવામાં આવશે, માહિતી મુજબ, છેલ્લા મહિને આ AI ચેટબોટે વપરાશકર્તાઓની માંગ મુજબ વાસ્તવિક લોકોના AIથી બદલાયેલા અર્ધનગ્ન ફોટા અને વીડિયો બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ વિશ્વભરમાં ભારે વિરોધ અને ચિંતા ઉભી કરી હતી ખાસ કરીને બાળકો સાથે સંબંધિત અશ્લીલ સામગ્રી બનવાની સંભાવનાએ યુરોપિયન દેશોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.
આયર્લેન્ડ DPC યુરોપિયન યુનિયનમાં X માટે મુખ્ય નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે, કારણ કે કંપનીના યુરોપિયન ઓપરેશન્સ આયર્લેન્ડમાં આધારિત છે. જો તપાસમાં નિયમોનો ભંગ સાબિત થાય તો કંપની પર વૈશ્વિક આવકના ૪ ટકા સુધીનો ભારે દંડ લગાવવામાં આવી શકે છે.DPC ના ડેપ્યુટી કમિશનર ગ્રેહામ ડોયલએ જણાવ્યું હતું કે, મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા બાદથી કંપની સાથે ચર્ચા ચાલી રહી હતી. હવે આ મામલે વિશાળ સ્તરે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં યુરોપિયન ડેટા સુરક્ષા નિયમોનું પાલન થયું કે નહીં તે તપાસવામાં આવશે.
આ મામલે યુરોપિયન સ્તરે પણ કાર્યવાહી તેજ થઈ છે. European Commission એ પણ જાન્યુઆરી મહિનામાં તપાસ શરૂ કરી હતી કે આ AI ચેટબોટ યુરોપિયન વિસ્તારમાં ગેર કાયદેસર અને હેરફેર કરેલી અશ્લીલ સામગ્રી ફેલાવે છે કે નહીં.ઉપરાંત બ્રિટનના પ્રાઈવસી વોચડોગ દ્વારા પણ સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump અને તેમની ટીમે યુરોપિયન યુનિયન દ્વારા અમેરિકન ટેક કંપનીઓ પર લાગુ કરવામાં આવતા નિયમોની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે આવા દંડ અને નિયમો ટેક કંપનીઓ પર આર્થિક દબાણ બનાવવા માટેના પ્રયાસ સમાન છે.એલોન મસ્કે પણ યુરોપિયન નિયમો અંગે અવારનવાર અસંતોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ઓનલાઈન કન્ટેન્ટ નિયંત્રણ અંગે બ્રસેલ્સ દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ ટેક જગતમાં AI ટેકનોલોજી, વ્યક્તિગત ગોપનીયતા અને ડિજિટલ સુરક્ષા અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે. નિષ્ણાતો નું માનવું છે કે આવનારા સમયમાં AI ટેકનોલોજી માટે વધુ કડક નિયમો લાગુ થવાની શક્યતા છે.