દિવાળી અને છઠ પૂજાની રજાઓને લઈને રેલવે મુસાફરોમાં ઉત્સાહ તો હતો પરંતુ આજે સવારે અચાનક IRCTCની વેબસાઈટ અને એપ ઠપ થઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તત્કાલ ટિકિટ બુકિંગના સમયે વેબસાઈટ બંધ થઈ જતાં લાખો મુસાફરો નિરાશ થયા છે.
આજ રોજ તા. 17 ઓક્ટોબર શુક્રવારની સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે જ્યારે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયું. ત્યારે IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ની વેબસાઈટ અચાનક કામ કરવાનું બંધ થઈ ગઈ હતી. મુસાફરો વારંવાર લોગિન કરવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ વેબસાઈટ પર “Service Unavailable”નો મેસેજ દેખાતો રહ્યો.
મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરવાની કોશિશ કરનારા યુઝર્સને પણ એ જ સમસ્યા આવી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ Twitter) પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને IRCTCને તરત સમસ્યા ઉકેલવાની માંગ કરી.

RCTCની સાઇટ પર દેખાતા મેસેજમાં હતું કે “આગામી એક કલાક સુધી તમામ સાઇટો માટે બુકિંગ અને કેન્સિલેશન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. જો તમને ટિકિટ કેન્સલ કરવી હોય અથવા TDR ફાઈલ કરવી હોય તો તમે 08044647999 અને 08035734999 પર કૉલ કરો અથવા etickets@rcte.co.in પર ઈમેઇલ કરી શકો છો.”
તહેવારોના સમય દરમિયાન તત્કાલ ટિકિટની માંગ સૌથી વધુ હોય છે. કારણ કે ઘણા લોકો છેલ્લી ઘડીએ મુસાફરી કરવાની યોજના બનાવે છે. પરંતુ આ વખતે વેબસાઈટ ઠપ થતાં હજારો લોકોને ટ્રેનની ટિકિટ મેળવામાં મુશ્કેલી પડી રહી છે.
વિશ્લેષકોના મતે દિવાળી અને છઠ પૂજા દરમિયાન IRCTC સર્વર પર ભારે ટ્રાફિક આવવાથી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ હોવાની શક્યતા છે.
IRCTC તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી પરંતુ એવી અટકળ છે કે મેન્ટેનેન્સ અથવા સર્વર અપડેટને કારણે બુકિંગ સેવા તાત્કાલિક રીતે બંધ કરવામાં આવી હશે.
હાલ IRCTC ટીમ ટેક્નિકલ સમસ્યા ઉકેલવા માટે કામ કરી રહી છે અને અપેક્ષા છે કે ટૂંક સમયમાં વેબસાઈટ અને એપ બન્ને પુનઃ ચાલુ થશે.