World

​ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ‘મોટા સરપ્રાઈઝ’ની ચેતવણી

ઈરાનનું ‘બિગ સરપ્રાઈઝ’ અને અમેરિકાને પડકાર

​મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ઉગ્ર બની રહી છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપતા જણાવ્યું છે કે તેમની પાસે દુશ્મનો માટે એક ‘મોટું સરપ્રાઈઝ’ તૈયાર છે. બીજી તરફ, કુવૈતે દાવો કર્યો છે કે ઈરાની ડ્રોન દ્વારા તેના બે મહત્વના પાવર અને વોટર ડીસેલિનેશન પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે, જેનાથી ભારે નુકસાન થયું છે.

કુવૈતના પાવર પ્લાન્ટ્સ પર ડ્રોન હુમલાથી ખળભળાટ :ઈરાની સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે તેહરાન તેની યુદ્ધ વ્યૂહરચના મુજબ આગળ વધી રહ્યું છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અધિકારીએ ટ્રમ્પની બ્રિજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડવાની ધમકીને ‘હાસ્યાસ્પદ’ ગણાવી ફગાવી દીધી છે. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકાના સૈન્ય ઓપરેશનો નિષ્ફળ રહ્યા છે અને તેના યુદ્ધ વિમાનોને પણ નુકસાન થયું છે. ઈરાની અધિકારીએ ચેતવણી આપી કે, “અમારી પાસે અમેરિકા અને ઈઝરાયેલ માટે મોટું સરપ્રાઈઝ છે, જે માટે માત્ર થોડા સમયની જ પ્રતીક્ષા છે. અમે અસમપ્રમાણ યુદ્ધ (Asymmetric Warfare) માં દુશ્મનને કેવી રીતે પછાડવો તે સારી રીતે જાણીએ છીએ.”

કુવૈતમાં ઈરાની ડ્રોનનો કહેર ; ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે કુવૈતના સૈન્યએ રવિવારે જણાવ્યું હતું કે તેમના એર ડિફેન્સ સિસ્ટમે અનેક મિસાઈલો અને ડ્રોનને અટકાવ્યા છે. જોકે, ઈરાની ડ્રોન હુમલામાં કુવૈતના બે પાવર જનરેશન અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સને ‘નોંધપાત્ર ભૌતિક નુકસાન’ પહોંચ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બે પાવર યુનિટ સેવા બહાર થઈ ગયા છે. આ ઉપરાંત, શનિવારે સાંજે કુવૈત સિટીમાં એક સરકારી ઈમારત પર પણ ડ્રોન હુમલો થયો હતો, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ‘નરકના દ્વાર’ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા લખ્યું હતું કે, “સમય પૂરો થઈ રહ્યો છે, જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલવામાં નહીં આવે તો 48 કલાકમાં પાયમાલી સર્જાશે.”

ઈરાનના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડે આ ધમકીને ‘મૂર્ખામીભર્યું પગલું’ ગણાવી ફગાવી દીધું છે. જનરલ અલી અબ્દુલ્લાહી અલીઆબાદીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે જો હુમલા વધશે તો ઈરાન સમગ્ર ક્ષેત્રમાં અમેરિકી દળો દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝરાયેલના માળખાકીય સુવિધાઓ પર હુમલો કરીને ‘નરકના દ્વાર’ ખોલી નાખશે.આમ, ગલ્ફ ક્ષેત્ર અત્યારે વિસ્ફોટક સ્થિતિમાં છે અને વૈશ્વિક બજારમાં તેલના પુરવઠા પર પણ આ યુદ્ધની અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top