World

ઈરાનની અમેરિકાને કડક ચેતવણી: ટાપુઓ પર હુમલો થયો તો પર્શિયન ગલ્ફમાં ભયાનક જવાબ મળશે

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદેશ આપ્યો છે. ઈરાનના સંસદ અધ્યક્ષ એમબી ગાલિબફરે ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાનના કોઈપણ ટાપુ પર હુમલો કરવામાં આવશે તો તેનો ભયાનક જવાબ આપવામાં આવશે અને સમગ્ર પર્શિયન ગલ્ફમાં ગંભીર સંઘર્ષ સર્જાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ઈરાન પોતાના દ્વીપો પર કોઈપણ પ્રકારનું આક્રમણ સહન નહીં કરે. ગાલિબફરે કહ્યું કે જો ઈરાનના ટાપુઓ પર હુમલો થશે તો દેશનો સંયમ તૂટી જશે અને તેનો જવાબ અત્યંત કડક રીતે આપવામાં આવશે. તેમણે દાવો કર્યો કે આવા હુમલાનો જવાબ આપતાં ઈરાન દુશ્મન દેશોના સૈનિકો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવશે. ઈરાનના નેતાએ કહ્યું કે જો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં સંઘર્ષ વધશે તો તેની જવાબદારી અમેરિકા પર રહેશે. તેમણે દાવો કર્યો કે આ વિસ્તારમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઈરાન સામે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અને જરૂર પડશે તો ઈરાન તેનો જવાબ આપશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન દ્વારા ગલ્ફ વિસ્તારમાં જહાજો, તેલ ટેન્કરો અને ઊર્જા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈરાને ડ્રોન અને મિસાઈલ હુમલાઓ પણ કર્યા હોવાનું જણાવવામાં આવે છે. આ ઘટનાઓના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઈરાની નેતાએ કયા ટાપુનો ઉલ્લેખ કર્યો તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો મુજબ અમેરિકાની નજર ઈરાનના મહત્વપૂર્ણ ખાર્ગ ટાપુ પર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દ્વીપ ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે અખાતી દેશોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા પર પણ તેની અસર પડી શકે છે.

Most Popular

To Top