મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના સામે મોટા પ્રતિહુમલાનો દાવો કર્યો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ગુરુવાર, 5 માર્ચે જણાવ્યું કે પર્સિયન ગલ્ફના ઉત્તરીય ભાગમાં એક અમેરિકન ઓઈલ ટેન્કરને મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાની રાજ્ય મીડિયા અનુસાર હુમલા બાદ ટેન્કર સમુદ્રની વચ્ચે ભડભડ સળગવા લાગ્યું હતું. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાને તેના યુદ્ધજહાજ IRIS ડેના પર થયેલા હુમલા માટે અમેરિકા સામે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઈરાનના વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું હતું કે શ્રીલંકાના કિનારા નજીક ઈરાની જહાજ પર થયેલા હુમલા બદલ અમેરિકાને “ખૂબ જ પસ્તાવો થશે” અને તે માટે તેમણે “BITTERLY REGRET” શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
ઈરાની સેનાની IRGC દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આ હુમલો થયો હોવાનું કહેવામાં આવે છે. નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે હોર્મુઝ જલસંધિમાંથી પસાર થતી જહાજોની અવરજવર પર ઈરાનનું નિયંત્રણ રહેશે. આ ઘટના ચાલી રહેલા સંઘર્ષમાં વધુ એક મોટી ઉગ્રતા દર્શાવે છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ આ સંઘર્ષમાં ઈરાનમાં 1,200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અમેરિકાના 6 સૈનિકોના પણ જીવ ગયા છે. ગુરુવારે ઈરાને અમેરિકન ઓઇલ ટેન્કર પર હુમલો કરવાની જવાબદારી લીધી છે. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રીલંકાના દક્ષિણ કિનારા નજીક એક અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધજહાજને ડૂબાડ્યાના અહેવાલ આવ્યા હતા. આ ઘટના બાદ 24 કલાકથી પણ ઓછા સમયમાં ઈરાન તરફથી આ પ્રતિહુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી દ્વારા પ્રકાશિત નિવેદનમાં ગાર્ડ્સના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે ઈરાની નૌકાદળે “ઉત્તરીય ખાડીમાં એક અમેરિકન ઓઈલ ટેન્કરને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું.” જોકે આ હુમલા અંગે વધુ વિગતો આપવામાં આવી નથી. બીજી તરફ ઈરાનના આ દાવા પર અમેરિકાની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ દરમિયાન ઈરાને ગુરુવારે સવારે ઈઝરાયલ અને અમેરિકાના સૈન્ય મથકો પર હુમલાની નવી લહેર શરૂ કરવાની પણ ધમકી આપી છે. ઈરાની ધાર્મિક નેતાઓએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ ઈઝરાયલે પણ જણાવ્યું છે કે તેમણે તેહરાન પર મોટાપાયે હુમલાની કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયલ દ્વારા અનેક મિસાઈલ હુમલાની જાહેરાત બાદ તેલ અવીવ અને જેરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણી તરીકે સાયરન વાગ્યા હતા. ઈરાની સરકારી ટેલિવિઝનનો દાવો છે કે આ હુમલાઓમાં અમેરિકન સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.