અમેરિકાને આપી સ્પષ્ટ ચેતવણી:“આ માર્ગ બધાનો છે” હોર્મુઝ મુદ્દે ઈરાનનું જોરદાર નિવેદન વાયરલ
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) મુદ્દે ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજિદ હકીમ ઈલાહીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે આ સામુદ્રધુની કોઈ એક દેશની માલિકી નથી, પરંતુ સમગ્ર વિશ્વના દેશો માટે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય માર્ગ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાન ઈચ્છે છે કે આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો રહે, પરંતુ હાલની યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે કેટલીક જહાજોની અવરજવર પર અસર પડી રહી છે.
તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અંગે પ્રતિસાદ આપતાં કહ્યું કે વિશ્વના તમામ નેતાઓ એ શાંતિ તથા ન્યાયમાં વિશ્વાસ રાખતા દેશો સાથે મળીને યુદ્ધ રોકવા માટે અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં અમેરિકન જહાજોની હાજરી શા માટે છે? તેમના અનુસાર, આ વિસ્તારની સુરક્ષા જાળવવાની ક્ષમતા ઈરાન પાસે પોતે જ છે અને અમેરિકાએ અહીંથી દૂર રહેવું જોઈએ.
વાટાઘાટોના મુદ્દે પણ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કે ઈરાન ક્યારેય વાતચીતના ટેબલથી દૂર ગયું નથી. તેમના શબ્દોમાં, “અમે હંમેશા તર્કસંગતતા, માનવતા, ગરિમા અને અમારા અધિકારોના સન્માનના આધારે ચર્ચા માટે તૈયાર છીએ. પરંતુ અમેરિકાએ વધુ પડતી માંગણીઓ રાખીને વાટાઘાટોનું માળખું નબળું બનાવ્યું છે.”
ઈઝરાયેલ અને તાજેતરના તણાવ અંગે તેમણે જણાવ્યું કે ઈરાન પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે. છેલ્લા લગભગ ૪૦ દિવસમાં થયેલા તણાવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઈરાને પોતાના વિરોધીઓને યોગ્ય જવાબ આપ્યો છે અને જરૂર પડશે તો આગળ પણ જવાબ આપવા તૈયાર છે.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે એક તરફ ઈરાન વૈશ્વિક સ્તરે શાંતિની અપીલ કરી રહ્યું છે, તો બીજી તરફ પર્સિયન ગલ્ફ વિસ્તારમાં વિદેશી દખલગીરી સામે કડક વલણ પણ અપનાવી રહ્યું છે. આ મુદ્દે આવતા દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ વધુ તંગ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.