World

ઈરાન યુદ્ધની આગ ફેલાઈ: અઝરબૈજાન પર ડ્રોન એટેક, દોહામાં વિસ્ફોટ, જંગમાં ઓસ્ટ્રેલિયા પણ જોડાયું

મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ યુદ્ધે વિનાશક વળાંક લીધો છે અને અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંઘર્ષનો દાયરો હવે મધ્ય પૂર્વથી આગળ વધી હિંદ મહાસાગર સુધી પહોંચ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. તાજા અહેવાલો અનુસાર ઈરાને અઝરબૈજાનના વિસ્તારમાં ડ્રોન હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી છોડવામાં આવેલા કેટલાક ડ્રોન તેના વિસ્તારમાં પડ્યા હતા. જેમાંથી એક ડ્રોન નખ્ચિવાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ પર પડ્યો હતો, જ્યારે બીજો શકરાબાદ ગામની શાળાની નજીક અથડાયો હતો. આ હુમલામાં બે નાગરિકો ઘાયલ થયાના અહેવાલ છે.

મિડલ ઈસ્ટમાં વધતા તણાવનો પ્રભાવ સમુદ્રી માર્ગો પર પણ જોવા મળી રહ્યો છે. યુદ્ધની બીજી મોટી ઘટનામાં, શ્રીલંકાના દરિયાકાંઠા નજીક હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની નૌકાદળના જંગી જહાજ “આઈરિસ દેના” પર ટોર્પિડો હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. આ હુમલામાં જહાજ ડૂબી ગયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ જહાજ પર 140 સૈનિકો સવાર હતા, જેમાંથી ઓછામાં ઓછા 80થી 87 ખલાસીઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીકની પરિસ્થિતિને કારણે અંદાજે 23,000 ભારતીય ખલાસીઓ સમુદ્રમાં ફસાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મિડલ ઈસ્ટના અન્ય વિસ્તારોમાં પણ તણાવ વધતો જઈ રહ્યો છે. કતારની રાજધાની દોહામાં ગુરુવારે ફરીથી અનેક ધડાકાના અવાજો સંભળાયા હતા. અહેવાલો મુજબ કતારના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતી મિસાઇલોને અટકાવવા માટે સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય થઈ ગઈ હતી. અગાઉ દોહા અને બહેરીનની રાજધાની મનામામાં પણ વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા હતા.

આ વચ્ચે યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયાની પણ એન્ટ્રી થઈ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે જાહેરાત કરી છે કે તેમનો દેશ મધ્ય પૂર્વ તરફ સૈન્ય સંસાધનો મોકલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ પગલું ‘કન્ટીન્જન્સી પ્લાન’ એટલે કે કટોકટીની પરિસ્થિતિ માટેની તૈયારીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર કયા પ્રકારના હથિયારો અથવા સંસાધનો મોકલવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર SBS ન્યૂઝના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયા દ્વારા બે સૈન્ય વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિમાનોનો ઉપયોગ સંભવિત રીતે નાગરિકોને બહાર કાઢવા અથવા સૈન્ય સહાય પહોંચાડવા માટે થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશની ભાગીદારીથી હવે આ સંઘર્ષ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અન્ય અપડેટ્સ

  • ઈરાનની રાજધાની તેહરાનમાં હાલ પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. વધતા હુમલાઓને ધ્યાનમાં રાખીને ત્યાં આવેલા ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. ઘણા વિદ્યાર્થીઓને કોમ શહેરમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
  • આ તરફ ઈઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો છે. ઉપરાંત લેબનાનના ત્રિપોલી વિસ્તારમાં આવેલા પેલેસ્ટાઇનીઓના શરણાર્થી કેમ્પ પર પણ ઈઝરાયેલી સેનાએ હુમલો કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા છે. કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વગર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
  • એક અહેવાલ મુજબ ઈરાને બહેરીનમાં આવેલા એમેઝોનના ડેટા સેન્ટરને પણ નિશાન બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનનો આરોપ છે કે આ ડેટા સેન્ટર યુએસ લશ્કરી અને ગુપ્તચર પ્રવૃત્તિઓને ટેકો આપે છે.
  • યુદ્ધ વચ્ચે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન પણ કર્યું છે. અમેરિકાએ ‘મિનટમેન-III’ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરમાણુ હુમલો કરવા સક્ષમ છે અને હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતાં અંદાજે 20 ગણી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. કેલિફોર્નિયાથી કરાયેલું આ પરીક્ષણ ઈરાન માટે સીધી ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.
  • ઈઝરાયેલી સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર 5000થી વધુ બોમ્બ વરસાવ્યા હોવાનો દાવો કર્યો છે, જેમાં રાજધાની તેહરાન મુખ્ય નિશાન બની છે. સાથે સાથે ઈઝરાયેલી સૈનિકો લેબનાનની સરહદ પાર કરીને ત્યાં જમીની ઓપરેશન પણ શરૂ કરી ચૂક્યા છે. યુએન શાંતિ સેનાએ પણ લેબનાનના કેટલાક ગામોમાં ઈઝરાયેલી સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી છે.
  • યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈરાનમાં લગભગ સંપૂર્ણ ઈન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સાયબર સુરક્ષા સંસ્થા નેટબ્લોક્સ મુજબ દેશમાં 120 કલાકથી વધુ સમયથી ઈન્ટરનેટ સેવા લગભગ બંધ છે અને સામાન્ય સ્તરના માત્ર 1 ટકા જેટલી કનેક્ટિવિટી જ ઉપલબ્ધ છે.
  • ઈરાની મીડિયા અહેવાલો મુજબ છેલ્લા પાંચ દિવસમાં દેશમાં 1000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જેમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં 168 બાળકોનો પણ સમાવેશ થાય છે.
  • આ તરફ નાટો (NATO)ના એર ડિફેન્સ સિસ્ટમએ તુર્કી તરફ આવતી એક ઈરાની બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ નષ્ટ કરી દીધી છે. યુદ્ધની વધતી ગંભીરતા વચ્ચે ભારત સહિત અનેક દેશોએ મધ્ય પૂર્વમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. અમેરિકાએ ત્રણ દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે.
  • દુનિયાભરમાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે ચીને પણ પોતાના સંરક્ષણ બજેટમાં 7%નો વધારો કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ગલ્ફ દેશોએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કટોકટી બેઠક બોલાવી છે. તેમ છતાં ઈરાનના નેતૃત્વ તરફથી મળેલા સંકેતો મુજબ હુમલાઓનો બદલો લેવામાં આવશે, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ખતરો વધુ ઘેરો બની રહ્યો છે.

Most Popular

To Top