ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો. જેમાં તેહરાન સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યુ હતું. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ઇઝરાયલ તરફ મિસાઈલ છોડ્યા છે. ઈરાન પર હુમલો કરવાના હેતુ છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામનો નાશ કરવો, તેની મિસાઈલ ક્ષમતા ખતમ કરવી અને સત્તા પરિવર્તન લાવવું.
અમેરિકા અને ઇઝરાયલ આ લક્ષ્યાંકો કેવાક પાર પાડે છે એ તો સમય જ કહેશે, પણ હાલ તુરંત તો આપણે જાણીએ કે ઈરાન પાસે કેવી-કેવી મિસાઈલો છે, અને એની બેલિસ્ટિક મિસાઈલ શક્તિની તાકાત કેટલી છે. ઇરાનના આંતરિક સૂત્રોની વાત માનીએ તો અત્યાર સુધી ઇરાને છેલ્લા દસ વર્ષમાં વિસસીત થયેલી ઘાતક બેલેસ્ટિક મિસાઇલ્સનો તો ઉપયોગ કર્યો જ નથી જો તેનો ઉપયોગ કરશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે તે વાતથી ઇનકાર કરી શકાય તેમ નથી. બેલેસ્ટિક મિસાઇલ્સ શું છે તેની ઉપર એક નજર કરીએ તો બેલિસ્ટિક મિસાઈલએ રોકેટથી સંચાલિત હથિયાર છે.
લોન્ચ થયા પછી તે પ્રારંભિક તબક્કામાં માર્ગદર્શન(guided boost phase)થી ઊંચે જાય છે અને પછી ગુરુત્વાકર્ષણ આધારિત વક્ર માર્ગ (free-fall trajectory) અનુસરીને લક્ષ્ય સુધી પહોંચે છે. બેલિસ્ટિક મિસાઈલ કોઈ દેશની સૈન્ય શક્તિ અને સુરક્ષા ક્ષમતાનું મહત્ત્વપૂર્ણ પ્રતિક છે, કેમ કે તે હજારો કિલોમીટર દૂરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને લોન્ચ થયા પછી ઓછા સમયમાં લક્ષ્ય સુધી પહોંચી જાય છે.
વોરહેડ (Warhead) એટલે મિસાઈલ, રોકેટ, બોમ્બ અથવા ટોર્પિડોના આગળના ભાગમાં લગાવવામાં આવતું વિનાશક પેલોડ — એટલે કે જે ભાગ વાસ્તવમાં વિસ્ફોટ કરે છે અને નુકસાન પહોંચાડે છે તે. બેલિસ્ટિક મિસાઈલોમાં જે વોરહેડ લગાડી શકાય છે તેમાં પરંપરાગત વિસ્ફોટકો, રાસાયણિક અથવા જૈવિક સામગ્રી, સંભવિત પરમાણુ વોરહેડનો સમાવેશ થાય છે. આ કારણોસર બેલિસ્ટિક મિસાઈલ માત્ર સૈન્ય હથિયાર નથી, પરંતુ વ્યૂહાત્મક પ્રતિબંધક શક્તિ (deterrence) તરીકે પણ જોવામાં આવે છે. ઇરાનનો મિસાઇલ કાર્યક્રમ ખૂબ જ ખતરનાક છે અને ઇરાને અગાઉ અને દેશો સાથે વર્ષો સુધી યુદ્ધ કર્યા હોવાથી આ સ્થિતિ તેના માટે નવી નથી.
પશ્ચિમી દેશો માને છે કે ઈરાનનું બેલિસ્ટિક મિસાઈલ શસ્ત્રાગાર ‘મધ્ય પૂર્વની સુરક્ષા માટે પરંપરાગત સૈન્ય ખતરો છે’ તથા એ ‘પરમાણુ વોરહેડ વહન કરવાની સંભવિત વ્યવસ્થા બની શકે છે’. ઈરાન સતત કહે છે કે તેનો પરમાણુ બોમ્બ બનાવવાનો કોઈ ઇરાદો નથી, તેનો મિસાઈલ કાર્યક્રમ ફક્ત રક્ષણાત્મક હેતુ ધરાવે છે. અમેરિકાની Office of the Director of National Intelligence (ODNI – ગુપ્તચર સંકલન માટેની કેન્દ્રિય કચેરી) ના જણાવ્યા મુજબ મધ્ય-પૂર્વના બીજા કોઈપણ દેશ કરતાં ઈરાન પાસે બેલિસ્ટિક મિસાઈલનો સૌથી મોટો ભંડાર છે. ઈરાનની મિસાઈલોની મહત્તમ રેન્જ 2,000 કિલોમીટર છે, જે તેને મધ્ય-પૂર્વના તમામ દેશ, ઇઝરાયલ અને આસપાસના વ્યૂહાત્મક પ્રદેશો સુધી પહોંચવાની ક્ષમતા પ્રદાન કરે છે.
ઇરાનને ખબર છે કે અમેરિકા કે ઇઝરાયેલ ગમે ત્યારે તેમના મિસાઇલના સંગ્રહ સ્થાન અને પરીક્ષણ કેન્દ્રને નિશાન બનાવી શકે છે જેથી ઈરાનએ પોતાની મિસાઈલો સુરક્ષિત રાખવા માટે ભૂગર્ભ સુવિધાઓ વિકસાવી છે. રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તાર, કરમાનશાહ, સેમનાન વિસ્તાર તથા પર્સિયન ગલ્ફ નજીકના ક્ષેત્રોમાં ઈરાને ગુપ્ત અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ ઊભી કરીને મિસાઈલો સંગ્રહિત રાખી છે. આ સ્થળોએથી મિસાઈલો સીધી લોન્ચ કરી શકાય છે. આ જ કારણ છે કે અમેરિકાએ થોડા સમય પહેલા બીટુ બોમ્બરનો ઉપયોગ કર્યો હતો.
ઇરાનના મિસાઇલ કાર્યક્રમની વાત કરીએ તો રિવર્સ-એન્જિનિયરિંગની મદદથી ઈરાને મિસાઈલોનો સ્વદેશી વિકાસ કર્યો છે. રિવર્સ-એન્જિનિયરિંગ (Reverse Engineering) એટલે કોઈ તૈયાર મશીન, સાધન અથવા ટેક્નોલોજીને ખોલીને તેની રચના અને કાર્યપદ્ધતિ સમજીને તેના જેવી અથવા સુધારેલી આવૃત્તિ જાતે બનાવવાની પ્રક્રિયા. ઈરાને હળવા કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરીને મિસાઈલોના રેન્જમાં વધારો પણ કર્યો છે. Center for Strategic & International Studies ના અહેવાલ જણાવે છે કે, ઈરાન પાસે નીચે મુજબની મિસાઈલો છે.
આ મિસાઈલો ઇઝરાયલ સુધી પહોંચી શકે છે. ઇરાન પાસે જે સૌથી ઘાતક મિસાઇલો છે તેમાં સેજ્જિલનો સમાવેશ થાય ચે જેની રેન્જ – 2,000 કિમીની છે જ્યારે ઇમાદ મિસાઇલની રેન્જ 1,700 કિલોમીટરની છે. આ ઉપરાંત 2000 કિલોમીટર સુધી માર કરી શકે તેવી ગદર અને ખોમશહર મિસાઇલ પણ ઇરાન ધરાવે છે. જેની ક્ષમતા મીડલ ઇસ્ટના કોઇપણ દેશ સુધી હુમલો કરવાની છે. શહાબ 3ની રેન્જ 1300 કિલોમીટરની છે જ્યારે 1,350 કિમીની રેન્જની અન્ય ઘાતક મિસાઇલ પણ ઇરાન ધરાવે છે.
આ ઉપરાંત જેની રેન્જમાં ઓમાન, સાઉદી, બહેરીન, કતાર અને યુએઇ સુધી ગણતરીની મિનીટોમાં પહોંચી શકાય તેવી શહાબ 1 અને 700 કિમીની ઝોલ્ફાધર મિસાઇલ પણ ઇરાનની મારકક્ષમતામાં વધારો કરે છે. બેલેસ્ટિક મિસાઇલની ઉપરનું વર્ઝન એટલે કે હાઇપરસોનિક મિસાઇલ પણ ઇરાનના શસ્ત્રાગારમાં છે. હાઇપરસોનિક મિસાઈલ (Hypersonic Missile) એટલે એવી અતિઝડપી મિસાઈલ જે અવાજની ગતિ કરતાં ઓછામાં ઓછું 5 ગણું વધુ ઝડપે ઉડે. જૂન, 2023માં ઈરાને તેની પ્રથમ હાઇપરસોનિક મિસાઈલ વિકસાવી હોવાની જાહેર કરી હતી.
નીચી ઊંચાઈએ અત્યંત તેજ ગતિથી ઉડતી હોવાથી અને વારંવાર માર્ગ બદલતી હોવાથી હાઇપરસોનિક મિસાઈલને અટકાવવી મુશ્કેલ હોય છે. વિશ્લેષકો કહે છે કે ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર ઉત્તર કોરિયાની મિસાઈલોની ડિઝાઇન અને રશિયાની ટેકનિકનો પ્રભાવ છે. ઈરાનને ચીનની મદદ મળતી હોવાનું પણ કહેવાય છે. ઈરાન પાસે ક્રુઝ મિસાઈલો પણ છે. Kh-55 (મૂળ સોવિયેત ડિઝાઇન) આધારિત આ મિસાઈલોની રેન્જ 3,000 કિમીની છે અને તે પરમાણુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ક્રુઝ મિસાઈલો બેલિસ્ટિક કરતાં વધુ નીચી ઊંચાઈએ અને વધુ ચોકસાઇથી ઉડે છે.
ઇરાન તેની મિસાઇલનો પરચો અગાઉ જૂન 2025માં ઇઝરાયેલ સાથેના 12 દિવસના યુદ્ધમાં બતાવી ચૂક્યું છે. ઇરાને અગાઉ કરેલા હુમલામાં કતારમાં US Al Udeid એરબેઝ પર હુમલો, જૂન 2025, ઈરાકના કુર્દીસ્તાન વિસ્તારમાં હુમલો, જાન્યુઆરી 2024, સીરિયામાં ISIS લક્ષ્યો પર હુમલો, જાન્યુઆરી 2024, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો, જાન્યુઆરી 2024, જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ પ્રતિશોધ લેવા ઇરાક સ્થિત અમેરિકી દળો પર હુમલો, જાન્યુઆરી 2020, સાઉદી અરેબિયાની તેલ સુવિધાઓ પર હુમલો, સપ્ટેમ્બર 2019નો સમાવેશ થાય છે. આમ ઇઝરાયેલ અને અમેરિકા વેનેઝુએલા કે ઇરાકને સમકક્ષ જો ઇરાનને ગણતું હોય તો તે તેની મોટી ભૂલ છે. એટલું જ નહીં હુથી વિદ્રોહીઓ તો હજી સક્રિય થયા જ નથી. ઇરાનના સહયોગથી ચાલતું આ આતંકવાદી સંગઠન ગેરિલા યુદ્ધમાં નિષ્ણાત ગણાય છે આમ જો ઇરાન આ મિસાઇલનો ઉપયોગ જવાબી કાર્યવાહીમાં કરશે તો મોટાપાયે વિનાશ વેરાશે તે નક્કી છે.