મિડલ ઇસ્ટનો તણાવ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ અલી લારીજાનીના ઈઝરાયેલી હવાઈ હુમલામાં મોત બાદ દેશે આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયલને સીધી ચેતવણી આપતાં જણાવ્યું કે આ યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે, જ્યારે ઈરાનને થયેલા માનવીય અને આર્થિક નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે અને તેની સર્વાધિકારનું સન્માન કરવામાં આવશે. અરાઘચીએ આ સમગ્ર સંઘર્ષ માટે અમેરિકા ને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે વોશિંગ્ટને યુદ્ધના પરિણામોની જવાબદારી લેવી પડશે. તેમણે લારીજાની અને તેમના પુત્ર મોર્તઝાના મોતનો બદલો લેવા ઈરાન વધુ મજબૂત નીતિઓ અપનાવશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
નેતૃત્વ મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન વ્યક્તિ નહીં પરંતુ વ્યવસ્થાથી ચાલે છે. આયાતુલ્લા અલી ખામેનેઈ પછી પણ દેશ મજબૂત રહ્યો છે અને હાલના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના નેતૃત્વમાં પણ સ્થિરતા જળવાઈ રહેશે. પરમાણુ કાર્યક્રમ અંગે તેમણે પશ્ચિમ દેશોના આરોપોને રાજકીય ગણાવ્યા અને ફરી દાવો કર્યો કે ઈરાન પરમાણુ હથિયારોના નિર્માણના વિરોધમાં છે. વૈશ્વિક સ્તરે ચિંતા વધારતી બીજી મોટી ચેતવણી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લઈને આપવામાં આવી છે. અરાઘચીએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન આ માર્ગથી અમેરિકા, ઈઝરાયલ અથવા તેમના સાથી દેશોને ઊર્જા પુરવઠો પહોંચવા દેશે નહીં. વિશ્વના લગભગ 20 ટકા તેલ-ગેસ વેપાર માટે મહત્વપૂર્ણ આ માર્ગ અંગે ઈરાન નવા પ્રાદેશિક નિયમો લાવવાની પણ તૈયારીમાં છે. ઈરાનની આ કડક સ્થિતિએ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બનવાની આશંકા વધારી છે અને વૈશ્વિક રાજકીય તથા આર્થિક પરિસ્થિતિ પર તેની અસર પડવાની શક્યતા જણાઈ રહી છે.