જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 1.4 મિલિયનથી વધુ અફઘાનિસ્તાનીને ઈરાનમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એજન્સી અનુસાર, ઈરાન-અફઘાનિસ્તાન સરહદ પર દરરોજ લગભગ 20,000 અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા મોકલવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ગયા મહિને ઈરાન અને ઈઝરાયલ વચ્ચે થયેલા 12 દિવસના યુદ્ધ પછી આ વલણ ઝડપથી વધ્યું હતું. ઈરાને તા.24 જૂનથી 9 જુલાઈ દરમિયાન, એટલે કે ફક્ત 16 દિવસમાં 5 લાખથી પણ વધુ અફઘાન નાગરિકોને દેશમાંથી બહાર કાઢ્યા છે.
તેમજ ઈરાને અગાઉથી, માર્ચ 2025 માં જાહેરાત પણ કરી હતી કે ઇરાનમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અફઘાનોએ તા.6 જુલાઈ 2025 સુધીમાં દેશ છોડી દેવો જોઈએ, નહીં તો તેમને બળજબરીથી હાંકી કાઢવામાં આવશે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે અફઘાન લોકો જાસૂસી, આતંકવાદી હુમલાઓ અને ઇઝરાયલ અને અમેરિકા માટે ડ્રોન બનાવવામાં સામેલ છે.
ઘણા અફઘાન લોકોએ મીડિયાને જણાવ્યું કે તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમના પૈસા છીનવી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, ઘણા સગીર બાળકોને કોઈ વડીલો વિના અફઘાનિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા.
અફઘાની લોકો- અમને કચરાનૈન જેમ ફેકી દેવામાં આવ્યા:
લોકોએ મીડિયાને જણાવ્યું કે તેમની પાસે ન તો પૂરતો માલ છે અને ન તો ભવિષ્ય માટે કોઈ આશા. ઈરાનમાં 42 વર્ષથી મજૂર તરીકે કામ કરતા મોહમ્મદ અખુંદઝાદાએ કહ્યું, “મેં ઈરાનમાં 42 વર્ષ સુધી સખત મહેનત કરી, મારા ઘૂંટણ તૂટી ગયા અને હવે મને શું મળ્યું?”
ઈરાનથી દેશનિકાલ કરાયેલા અફઘાન શરણાર્થી બશીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અધિકારીઓએ તેમની પાસેથી 17 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેમને બે દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમને ખોરાક કે પાણી આપવામાં આવ્યું ન હતું. બશીરના મતે, અધિકારીઓ તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા.
સગીર બાળકોને માતા-પિતા વગર કાઢી મૂક્યા:
ઈરાનમાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં સેંકડો સગીર બાળકોનો સમાવેશ પણ થાય છે, જેમાંથી ઘણા અનાથ અને સાથ વગરના છે. યુએનના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે સરહદ પર સેંકડો બાળકો પોતાના માતા-પિતા વગર મળી આવે છે.

અફઘાનિસ્તાનની પશ્ચિમી સરહદ પર ઇસ્લામ કાલા નામના શહેરમાં એક ગીચ પ્રોસેસિંગ સેન્ટર છે જ્યાં સ્થળાંતર કરનારાઓને રાખવામાં આવી રહ્યા છે.