મધ્ય પૂર્વમાં તણાવ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ઈરાન દ્વારા અમેરિકા સામે મોટો પ્રહાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના સત્તાવાર સ્ત્રોતોએ જણાવ્યું છે કે દેશના મહત્વપૂર્ણ શહેર ઈસ્ફહાન નજીક અમેરિકાનું C-130 માલવાહક વિમાન તોડી પાડવામાં આવ્યું છે, જેમાં 5 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
ઈરાનના રક્ષા વિભાગ અનુસાર, આ વિમાન સંવેદનશીલ સામગ્રી લઈને જઈ રહ્યું હતું અને તેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે લેવામાં આવી હતી.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તણાવભર્યા સંબંધો વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોના મતે, આ પ્રકારની ઘટનાઓથી વિસ્તારની સ્થિરતા પર ગંભીર અસર પડી શકે છે. હાલ સુધી અમેરિકાની તરફથી આ મામલે સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. જોકે રક્ષા નિષ્ણાતો માને છે કે જો આ દાવો સાચો સાબિત થાય તો તે બંને દેશો વચ્ચે સીધી અથડામણનું મોટું કારણ બની શકે છે.
આ ઘટના સાથે સંબંધિત વધુ વિગતો હજુ સામે આવી નથી વિમાન કયા મિશન પર હતું, તેમાં કોણ લોકો હતા અને ચોક્કસ પરિસ્થિતિઓ શું હતી તે અંગે તપાસ ચાલુ છે. વિશ્વભરના દેશો આ ઘટનાને લઈને ચિંતિત બન્યા છે અને મધ્ય પૂર્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં જંગી પરિસ્થિતિ કોઈપણ સમયે ભડકી શકે છે. હાલ તમામ નજરો ઈરાન અને અમેરિકા વચ્ચેના આગામી પગલાં પર કેન્દ્રિત થઈ ગયો છે.