નવી દિલ્હી: હાલ IPLનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હવે ઋષભ પંતને લઈને એવા સમાચાર સામે આવ્યાં છે જેણે તમામના દિલ જીતી લીધી છે. IPL 2023 ની તેમની પ્રથમ મેચમાં, દિલ્હી કેપિટલ્સ ટીમને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે દિલ્હીની ટીમ મંગળવારે તેના ઘરેલુ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. પરંતુ આ મેચમાં દિલ્હીનો તેનો જૂનો કેપ્ટન ઋષભ પંત એન્ટ્રી મારી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સનાં ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઋષભ પંત દિલ્હીની ટીમને સપોર્ટ કરવા માટે તેનાં કાર અકસ્માત બાદ પહેલીવાર મંગળવારના રોજ મેદાન પર ઉતરશે. પીટીઆઈના અહેવાલ મુજબ પંત આવતીકાલની મેચમાં ડગઆઉટમાં બેસીને પોતાની ટીમને સપોર્ટ કરશે. જણાવી દઈએ કે ગત મેચમાં દિલ્હીની ટીમે ડગઆઉટમાં તેની જર્સી લટકાવીને પંતને યાદ કર્યો હતો, પરંતુ હવે દિલ્હીમાં મેચ ચાલી રહી છે ત્યારે પંત પોતાની ટીમને સપોર્ટ કરવા આવવાનો છે.
પંતની જગ્યાએ વોર્નર કેપ્ટન બન્યો હતો
ઋષભ પંત ઈજાના કારણે IPL 2023માં રમી રહ્યો નથી. તેની જગ્યાએ ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા 20 વર્ષીય અભિષેક પોરલને તક મળી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યાર સુધી IPLમાં એક પણ ટ્રોફી જીતી શકી નથી.
ગયા વર્ષે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
ગયા વર્ષે દિલ્હીથી રૂરકી જતી વખતે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. આ પછી તેને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. તેના પગનું લિગામેન્ટ ફાટી ગયું હતું, જેનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં તે સ્વસ્થ હોય તેવી જાણકારી મળી આવી છે જેના કારણે તે મેદાને ઉતરશે.