IPL 2026ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને માત્ર રૂ.75 લાખમાં ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણય પછી ઘણા લોકો વિચારમાં પડી ગયા હતા કે એક સમયે ભારતનો સૌથી હોશિયાર યુવા બેટ્સમેન માનવામાં આવતો પૃથ્વી શો આજે આટલી ઓછી કિંમતે કેમ ખરીદાયો. હવે દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાન્ડીએ આ અંગે સરળ શબ્દોમાં કારણ સમજાવ્યું છે.
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક ગ્રાન્ડીના જણાવ્યા અનુસાર પૃથ્વી શોને ટીમમાં ફરી લેવા પાછળ મુખ્ય કારણ તેને “બીજી તક” આપવાનું છે. તેમણે કહ્યું કે દરેક ખેલાડીના જીવનમાં ક્યારેક ખરાબ સમય આવે છે. પૃથ્વી શો પણ છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નહોતો પરંતુ તેની પ્રતિભા પર હજુ પણ ટીમને વિશ્વાસ છે.
પૃથ્વી શો 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો. ત્યારબાદ તેણે સાત સીઝન સુધી દિલ્હી માટે રમ્યો. આ સમયગાળા દરમિયાન તેણે ટીમ માટે અનેક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે ત્યારબાદ સતત સારા પ્રદર્શન ના થવાને કારણે 2025ની હરાજી પહેલા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે પણ આઇપીએલ હરાજીમાં પૃથ્વી શોને કોઈ ટીમે ખરીદ્યો નહોતો. આ વખતે પણ શરૂઆતમાં કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ બતાવ્યો નહીં. અંતે હરાજીના છેલ્લાં રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે તેને તેના બેઝ પ્રાઈસ રૂ. 75 લાખમાં ખરીદી લીધો.
દિલ્લી કેપિટલ્સના સહ-માલિકે જણાવ્યું કે પૃથ્વી શો માટે આ પોતાને સાબિત કરવાની મોટી તક છે. જો તે મહેનત કરશે અને ફોકસ સાથે રમશે તો તે ફરી એકવાર ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
પૃથ્વી શોએ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી છે અને લગભગ 1,900 રન બનાવ્યા છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે નવા સીઝનમાં તે જૂના ફોર્મમાં પરત ફરશે.
દિલ્હી કેપિટલ્સનું માનવું છે કે ઓછી કિંમતે પૃથ્વી શો જેવી પ્રતિભા મળવી ટીમ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.