મુંબઇ : માન્ચેસ્ટર (Manchester)ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી ઇંગ્લેન્ડ (England) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (test match)માં ભારતીય ટીમ (Indian cricket team) મેદાને ઉતરવામાં અમસર્થ રહેતા તેને રદ કરવાનો વારો આવ્યો છે, ત્યારે ક્રિકેટ ચાહકોમાં તેના કારણે ખાસ્સી નિરાશા થઇ છે. જો કે આ ટેસ્ટ રમવા સામે જે રીતે વિરાટ કોહલી અને તેના સાથીઓએ નન્નો ભણ્યો તેના કારણે મોટાભાગના ક્રિકેટ વર્તુળમાં એવી ચર્ચા શરૂ થઇ હતી કે પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે નહીં પણ આઇપીએલને ધ્યાને રાખીને રદ કરવામાં આવી છે.
બીસીસીઆઇના સૂત્રોએ જે વાત કરી છે તેને ધ્યાને લઇએ તો તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ રહ્યો હતો અને તે પછી ટેસ્ટ દરમિયાન કોઇ ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો આખી ટીમે 10 દિવસ ફરજીયાત આઇસોલેશનમાં જવું પડે અને ખેલાડીઓ એવું જોખમ ઉઠાવવા માગતા નહોતા. હવે આમાં બિટવીન ધ લાઇન્સ જો વાંચવામાં આવે તો બીસીસીઆઇ એવું કહેવા માગે છે કે ખેલાડીઓ આઇપીએલને ધ્યાને લઇને એવું જોખમ ઉઠાવવા માગતા નહોતી. ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ એક જ ફ્લાઇટમાં યુએઇ જવા રવાના થવાના છે અને આ મેચને જો એક બે દિવસ પાછળ ખસેડવામાં આવે તો તેનાથી આઇપીએલના કાર્યક્રમને અસર થઇ શકે તેમ હોવાથી મેચ રદ કરવાનું જ યોગ્ય માનવામાં આવ્યું છે.
ઇસીબીના સીઇઓ ટોમ હેરિસને પણ પોતાની વાતમાં મોઘમ શબ્દોમાં એવો જ ઇશારો કર્યો છે કે ચોથી ટેસ્ટ રદ થવા પાછળ કોરોનાનો ડર નહીં પણ આઇપીએલ નહીં રમી શકાય તે સંભાવનાને ધ્યાને લઇને ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા નહોતા. તેમની ખરી ચિંતા એ હતી કે જો તેમનામાંથી કોઇ ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમણે ઇંગ્લેન્ડમાં 10 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડે અને તેના કારણે 19 સપ્ટમ્બરથી શરૂ થતી આઇપીએલનો બીજો તબક્કો મીસ કરવો પડે. રહી વાત બીસીસીઆઇની તો તેના માટે એવી ચર્ચા ચાલી રહી છે કે બીસીસીઆઇ પણ પોતાની દુઝણી ગાય જેવી આઇપીએલ ટૂર્નામેન્ટ જોખમમાં મુકાય તે ઇચ્છતું ન હોવાથી તેણે ખેલાડીઓ પર પ્રેશર ન કર્યું, જો તે ખેલાડીઓ પર પ્રેશર કરતે તો તેમણે ટેસ્ટ રમવી પડી હોત પણ બીસીસીઆઇની પણ તેવી કોઇ ઇચ્છા નહોતી.
ઓસ્ટ્રલિયા પ્રવાસમાં જ્યારે મોટાભાગના મુખ્ય ખેલાડીઓ ઘાયલ થયા હતા અને છતાં સ્ટેન્ડબાય ખેલાડીઓથી સીરિઝ પુરી કરાઇ તો ઇંગ્લેન્ડમાં કેમ એવું ન કરાયું એવો એક સીધો સવાલ પણ ક્રિકેટ ચાહકોમાં ઉઠી રહ્યો છે.