મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની (MI) માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે યુએઇ ઇન્ટરનેશનલ લીગ ટી-20 અને ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી-20 લીગ માટેની પોતાની ફ્રેન્ચાઇઝીના નામ અને બ્રાન્ડ (Brand) ઓળખ જાહેર કરી હતી. આ બંને લીગમાં રિલાયન્સની માલિકી હેઠળની ટીમના નામ અનુક્રમે એમઆઇ અમિરાત અને એમઆઇ કેપ ટાઉન હશે એવું આ કોર્પોરેટ હાઉસની એક પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.
બંને ટીમો આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી જેવી જ જર્સી પહેરશે. સત્તાવાર નિવેદન અનુસાર યુએઇ અને સાઉથ આફ્રિકા ટી-20 લીગમાં ફ્રેન્ચાઇઝીના નામ ત્યાંના ખાસ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવાયું હતું કે નવ ટીમો મુંબઇ ઇન્ડિયન્સ જેવી જ દેખાશે. વન ફેમિલીનો વૈશ્વિક વિસ્તાર લીગના મૂલ્યોને આગળ વધારશે, જેણે મુંબઇન્ડિયન્સને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં સૌથી મનગમતી ટીમોમાંથી એક બનાવવામાં મદદ કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિરેક્ટર નીતા એમ અંબાણીએ કહ્યું હતું કે એમઆઇ અમિરાત અને એમઆઇ કેપટાઉનનો અમારી હેશટેગ વન ફેમિલીના નવા અવતારમાં આવકારતા મને ઘણી ખુશી થઇ રહી છે. મને વિશ્વાસ છે કે એમઆઇ અમિરાત અને એમઆઇ કેપટાઉન બંને સમાન રૂપે આગળ વધશે અને એમઆઇમના વૈશ્વિક ક્રિકેટ વારસાને હજુ વધુ ઉંચાઇએ લઇ જશે.
આઇસીસી ટી-20 રેન્કિંગમાં સૂર્યકુમારે બીજુ સ્થાન જાળવ્યું
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા આજે બુધવારે જાહેર કરવામાં આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે શ્રેયસ અય્યરે છ ક્રમનો કુદકો મારીને ટોપ-20માં સ્થાન મેળવ્યું છે. સૂર્યકુમાર યાદવ 805 રેટિંગ પોઇન્ટ સાથે બેટ્સમેન ટોપ ટેન રેન્કિંગમાં બીજા સ્થાને જળવાઇ રહ્યો છે. તેના સિવાય અન્ય કોઇ ભારતીય ટોપ ટેનમાં સામેલ નથી. જ્યારે વેસ્ટઇન્ડિઝ સામેની પાંચમી અંતિમ ટી-20માં અર્ધસદી ફટકારનાર શ્રેયસ 578 રેટીંગ્સ પોઇન્ટ સાથે 19માં ક્રમે પહોંચ્યો છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટોચના સ્થાને જળવાઇ રહ્યો છે.
બોલરોના રેન્કિંગમાં ભારતનો ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર એક ક્રમના નુકસાન સાથે નીચે સરકીને નવમા ક્રમે પહોંચ્યો છે. જો કે સ્પીનર રવિ બિશ્નોઇએ બે મેચમાં છ વિકેટ લેવા બદલ 50 ક્રમની છલાંગ લગાવીને 44માં ક્રમે જ્યારે કુલદીપ યાદવ 58 ક્રમની છલાંગ લગાવીને 87માં ક્રમે પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકાનો રિઝા હેન્ડ્રીક્સ આયરલેન્ડ સામેની સીરિઝમાં સારા પ્રદર્શનને પગલે બેટ્સમેન રેન્કિંગમાં 13માં ક્રમે પહોંચ્યો છે. જ્યારે કેશવ મહારાજ બોલર્સ રેન્કિંગમાં 10 ક્રમના ફાયદા સાથે 18માં ક્રમે પહોંચ્યો છે.