ભારતીય ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ Indian Premier League હવે માત્ર રમતમાં મર્યાદિત નથી રહી,તે હવે વૈશ્વિક સ્પોર્ટ્સ અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં એક શક્તિશાળી આર્થિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તાજેતરમાં થયેલી મોટી ડીલ્સે IPLની આર્થિક તાકાતને વધુ સ્પષ્ટ બનાવી છે.
Royal Challengers Bengaluruનું મૂલ્યાંકન આશરે $1.78 બિલિયન અને Rajasthan Royalsનું $1.63 બિલિયન સુધી પહોંચતા, IPL ટીમો હવે બિલિયન-ડોલર કેટેગરીમાં મજબૂતીથી પ્રવેશી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે IPL હવે વિશ્વના ટોચના સ્પોર્ટ્સ એસેટ્સ સાથે સરખામણીમાં આવી રહી છે.
માત્ર 18 વર્ષમાં IPLએ આ સિદ્ધિ મેળવી છે, જે એક અદ્દભુત વિકાસ છે. 2008માં RCB માત્ર $111.6 મિલિયનના ભાવે વેચાઈ હતી, જ્યારે આજે તેનું મૂલ્ય અનેક ગણો વધી ગયું છે. આ વૃદ્ધિ રોકાણકારો માટે IPLને સૌથી આકર્ષક અને વિશ્વસનીય પ્લેટફોર્મ બનાવે છે.
આ વધતા મૂલ્યાંકન પાછળના મુખ્ય કારણોમાં મજબૂત રેવન્યૂ મોડલ છે. 2023-27ના મીડિયા રાઈટ્સ લગભગ $6.2 બિલિયનના વેચાયા છે, અને દરેક ફ્રેન્ચાઈઝીને દર વર્ષે અંદાજે $55 મિલિયનની આવક સેન્ટ્રલ પૂલમાંથી મળે છે. ઉપરાંત, 2025માં IPLનું કુલ વ્યૂઅરશિપ 1.19 બિલિયન સુધી પહોંચ્યું હતું, જે તેની વૈશ્વિક લોકપ્રિયતાનું પ્રતિક છે.
અન્ય T20 લીગ્સની સરખામણીએ IPL ઘણી આગળ છે. ઇંગ્લેન્ડની The Hundredની તમામ 8 ટીમોનું કુલ મૂલ્યાંકન પણ IPLની એક ટોચની ટીમ કરતા ઓછું છે. London Spirit અને Northern Superchargers જેવી ટીમોના આંકડા IPL સામે નાનાં લાગે છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે IPL હવે માત્ર ક્રિકેટ લીગ નહીં, પરંતુ વૈશ્વિક સ્પોર્ટ્સ માર્કેટમાં એક મજબૂત અને હાઈ-વેલ્યુ બ્રાન્ડ બની ગઈ છે. આવનારા વર્ષોમાં તેની કિંમત અને પ્રભાવ બંને વધુ વધવાની સંભાવના છે.