Sports

મહિલા IPL 4 થી 26 માર્ચ દરમિયાન યોજાવાની સંભાવના

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ)ની પહેલી સિઝન 4થી 26 માર્ચ દરમિયાન યોજવાની તૈયારી કરી રાખી છે. જો કે બીસીસીઆઇ (BCCI) દ્વારા તારીખો અંગે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ અંગેના અહેવાલો અનુસાર ખેલાડીઓનું (Players) સેલેરી કેપ રૂ. 12 કરોડ નક્કી કરાયા છે. જેમાં ત્યારપછીના 4 વર્ષ માટે ફંડના કદમાં દર વર્ષે રૂ. 1.5 કરોડનો વધારો થશે. આ રકમ પાંચમા વર્ષમાં વધીને રૂ. 18 કરોડ થઈ જશે. પાંચ ટીમોની લીગમાં આઈકન ખેલાડીઓ માટે કોઈ જોગવાઈ નથી. મીડિયા અહેવાલ અનુસાર ગુરુવારે સંભવિત સહભાગીઓને આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે.

બીસીસીઆઇએ હજુ સુધી મહિલા આઇપીએલની પ્રથમ એડિશનની તારીખોની પુષ્ટિ કરી નથી. અહેવાલો સૂચવે છે કે મહિલા આઇપીએલની મેચો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે. પ્રથમ સિઝનમાં 22 મેચો રમાશે. મેન્સ આઇપીએલ માટે વાનખેડેને તૈયાર રાખવામાં આવે તેવી શક્યતા છે. મેન્સ આઇપીએલ 2023 31 માર્ચ અથવા 1 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઇએ કહ્યું છે કે 2023માં પ્લેયર પર્સ 12 કરોડ રૂપિયાથી શરૂ થશે. જે 2024માં વધીને 13.5 કરોડ, 2025માં 15 કરોડ, 2026માં 16.5 કરોડ અને 2027માં 18 કરોડ થઈ જશે. આ ગાઇડલાઇન પ્રથમ પાંચ વર્ષ માટે છે. દરમિયાન, પ્રથમ ત્રણ વર્ષમાં પાંચ ટીમો અને છેલ્લા બે વર્ષમાં છ ટીમો હશે.

પાંચ વિદેશી ખેલાડીઓમાંથી એક સહયોગી દેશનો હોવો જોઈએ
મહિલા આઇપીએલ સંબંધે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં, બીસીસીઆઇએ કહ્યું છે કે મેચ દરમિયાન ટીમમાં પાંચ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની મંજૂરી મળશે. તેમાં એસોસિયેટ દેશની ઓછામાં ઓછી એક ક્રિકેટરનો સમાવેશ થવો જોઈએ. આ નિયમ આઈપીએલના નિયમથી અલગ છે, કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્લેઈંગ ઈલેવનમાં માત્ર ચાર વિદેશી ખેલાડીઓને જ મંજૂરી આપવામાં આવે છે.

Most Popular

To Top