ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20 લીગની નવી સિઝનમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણાં ખેલાડીઓએ હરાજી પ્રક્રિયામાં સામેલ થવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પોતાને તેમાંથી બાકાત રાખ્યા છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની સાથે જ ભારતના એસ શ્રીસંતે પણ તેમાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે. આ ઉપરાંત સચિન તેંદુલકરના પુત્ર ડાબોડી ઝડપી બોલર અર્જુન તેંદુલકરે પણ તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આઇપીએલની હરાજી માટે સામેલ થવા માટે ચાર ફેબ્રુઆરીએ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ હતી. શુક્રવારે આઇપીએલની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર 2021ની હરાજીમાં આ વખતે 814 ભારતીય અને 263 વિદેશી સહિત કુલ 1097 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 207 કેપ્ડ ખેલાડીઓ જ્યારે 863 અન કેપ્ડ ખેલાડી અને એસોસિએટ દેશના 27 ખેલાડીઓ સામેલ છે.
આઇપીએલ હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવનારાઓમાં સૌથી વધુ વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ
આઇપીએલની 14મી સિઝન માટે રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, યુએઇ, અમેરિકા, વેસ્ટઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ સામેલ છે. જેમાં સૌથી વધુ 56 ખેલાડીઓ વેસ્ટઇન્ડિઝના છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 42, દક્ષિણ આફ્રિકાના 38 અઇને અફઘાનિસ્તાનના 30 ખેલાડીઓ છે.