SURAT

સુરતમાં BBAના વિદ્યાર્થીએ કોર્ટને મૂર્ખ બનાવી 4 આઈફોન પડાવી લીધા, પોલ ખુલતા ભેરવાયો

સુરત(Surat): કતારગામ વિસ્તારમાં બીબીએના (BBA) વિદ્યાર્થીએ (Student) કોર્ટમાં (Court) બોગસ ડોક્યુમેન્ટ (Document) રજૂ કરીને આઇફોન (I-Phone) મેળવી લીધો હતો. જો કે, આ આઇફોન અન્ય વ્યક્તિ એટલે કે આરોપીઓના હોવાનું બહાર આવતા પોલીસે (Police) બીબીએના વિદ્યાર્થીની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો.

  • કતારગામમાં રહેતા અને તબેલો સંભાળતા આધેડે ભેંસો વેચી 1.50 કરોડ ભેગા કર્યા હતા
  • આધેડ પાસે દોઢ કરોડ હોવાની વાત ખબર પડતા 10 મિત્રોએ ભેગા મળી તેના પુત્રનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું
  • પોલીસે તમામ આરોપીઓને પકડી 4 આઈફોન, એપલ વોચ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
  • આધેડના પુત્રએ કોર્ટમાં બોગસ બિલ રજૂ કરી 4 આઈફોન સહિતનો મુદ્દામાલ મેળવી લીધો હતો

આ કેસની વિગત મુજબ કતારગામમાં રહેતા અને તબેલો સંભાળતા આધેડે ભેંસો વેચી હતી અને તેના દોઢ કરોડથી વધુ રૂપિયા આવ્યા હતા. આધેડના ઘરમાં રૂપિયા હોવાનું ધ્યાનમાં આવતા 10 જેટલા મિત્રોએ આધેડના પુત્ર અને બીબીએમાં અભ્યાસ કરતા યુવકે નામે હિતેશ (નામ બદલ્યુ છે)નું અપહરણ કરીને એક ઘરમાં ગોંધી રાખ્યો હતો. અહીં યુવકની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે લાખો ઉર્ફે ભરત બોઘાભાઇ સાટીયા, કરણ ત્રીવેદી અને જયદીપ અરવિંદભાઇ ટાંક સહિત 10 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓની પાસેથી ચાર આઇફોન, એક એપલ વોચ, બે મોબાઇલ તેમજ વનપ્લસ કંપનીનો મોબાઇલ પણ કબજે લીધો હતો.

દરમિયાન લાખા સાટિયા તેમજ બીજા આરોપીઓએ કોર્ટમાં વકીલ મિનેષ ઝવેરી મારફતે મુદ્દામાલ પરત મેળવવાની અરજી કરી હતી. જેમાં આઇફોન સહિતનો મુદ્દામાલ હિતેશની માલિકીનો હતો અને તેઓને પરત આપી દેવાયો હતો. બીજી તરફ લાખા સાટીયા અને બીજા આરોપીઓએ કોર્ટમાં અરજી કરીને હિતેશે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કતારગામ પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં હિતેશે ઉધનામાં આવેલી મોબાઇલની દુકાનના બોગસ બીલો બનાવીને મોબાઇલ મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે હિતેશે કોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય તેની સામે ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ હિતેશની સામે ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top