uncategorized

ઇન્વિઝલાઈન – ડેન્ટલ બ્રેસિસનો આધુનિક વિકલ્પ

કિશોરોથી માંડીને સીનિયર સિટીઝન સુધીની દરેક ઉંમરની વ્યક્તિ સુંદર સ્માઈલનું સપનું જોતી હોય છે. એમાં પાછા આગળ પડતાં કે વાંકાચૂંકા દાંતની ગોઠવણીથી પીડાતાં લોકો જાહેરમાં હસવાનું ટાળતાં હોય છે. અત્યાર સુધી આવા દર્દીઓ માટે દાંતમાં તાર બાંધી બ્રેસિસ પદ્ધતિ વડે સારવાર આપવામાં આવતી હતી પરંતુ એક ઉંમર પછી કામ-ધંધામાં લાગી ગયેલા કે લગ્નની ઉંમરનાં લોકોને બ્રેસિસ પદ્ધતિનો વિકલ્પ વાજબી લાગતો નથી. વળી પાછું પોતે કોસ્મેટિક સારવાર લીધી હોવાનું મિત્રવર્ગને જાણ થઇ જાય તે કેમનું ચાલે?

જો તમે પણ અત્યંત સુંદર અને આકર્ષક સ્માઈલનું સ્વપ્ન જોયું હોય પરંતુ આવાં જ કોઈક કારણોસર અટકી રહ્યા હો તો નિરાશ થવાની જરૂર નથી! હજુ પણ મોડું થયું નથી! ઇન્વિઝલાઈન પદ્ધતિ વડે આપનું આ સપનું જરૂરથી પૂરું થઇ શકે એમ છે અને તે પણ પાછું લોકોની જાણમાં આવ્યા વગર શક્ય બનશે. વાંકાચૂકા દાંતને સીધા કરવાની સારવારમાં ઇન્વિઝલાઈન એ અત્યંત નવીનતમ વિકલ્પ છે.

ઇન્વિઝલાઈન શું છે?
ઇન્વિઝલાઈન (ક્લીઅર અલાયનર) પદ્ધતિએ ઓર્થોડોન્ટિક્સ સારવારનો ચહેરો બદલી નાખ્યો છે. ક્લીઅર એટલે પારદર્શક અને અલાયનર એટલે કંઈક સીધું કરવા વપરાતું સાધન. આ પધ્ધતિ વડે તમારા દાંત ઉપર તાર બાંધવાને બદલે હવે તમારા દાંતને અદ્રશ્ય રીતે સીધા કરી શકાય છે. ઘણાં વર્ષોનાં ક્લિનિકલ સંશોધનમાં તેની અસરકારકતા સાબિત થઈ છે.

લક્ષણો
જો તમારા દાંત વાંકાચૂકા કે આગળ પડતા છે, કે પછી તેમની વચ્ચે અસમાન જગ્યાઓ હોય તો તમે ઇન્વિઝલાઈન માટે ઉમેદવાર હોઈ શકો છો.

ઇન્વિઝલાઈનના ફાયદા

  • તે દેખાવમાં સ્પષ્ટ અને પારદર્શક હોવાથી ભાગ્યે જ કોઈની જાણમાં આવશે.
  • તેને સરળતાથી કાઢી શકાય છે. તેથી કોઈ મહત્ત્વની મીટિંગમાં કે પછી ગેટ-ટુ -ગેધર વખતે થોડા સમય માટે આપ તેને કાઢી શકો છો. આ ઉપરાંત ખાતી વખતે અને બ્રશ કરતી વખતે તેને કાઢવાથી બ્રેસિસની જેમ દાંતમાં કંઈ ફસાતું નથી અને સફાઈ પણ ખૂબ જ સરળતાથી થાય છે.
  • બ્રેસિસ પદ્ધતિથી વિપરીત ઇન્વિઝલાઈન સારવાર દરમિયાન આપ આપની મનપસંદ વાનગીઓ પણ બેરોકટોક ખાઈ શકો છો.
  • ઇન્વિઝલાઈન સારવાર આરામદાયક છે. તેમાં મેટલ બ્રેસિસ અથવા વાયરથી મોઢામાં અણખટ થવી કે ચાંદા પડવાનો ડર રહેતો નથી.
  • આ ઉપરાંત આપની ડેન્ટલ સારવાર માટેની એપોઇન્ટમેન્ટ અને સમય પણ ઓછો જશે.

ઇન્વિઝલાઈન કેવી રીતે કાર્ય કરે છે?
તમારા ચોકઠાનું માપ લીધા પછી ડેન્ટિસ્ટ આપની સ્માઈલનું ડિજિટલ એનાલિસિસ અને પ્લાનિંગ કરશે. તેઓ આપને પ્લાસ્ટિક જેવી પારદર્શક ટ્રેનો એક સેટ આપશે જેને લગભગ બે અઠવાડિયે બદલવાનો રહે છે. તમે તેમને ફક્ત ખાવા, પીવા, બ્રશ અને ફ્લોસિંગ માટે જ દૂર કરી શકશો. જેમ જેમ તમે શ્રેણીમાં ટ્રેને બદલતાં જશો તેમ તેમ તમારા દાંત ખસતા જશે. જ્યાં સુધી દાંત સીધા થઇને દંત ચિકિત્સક દ્વારા સૂચવેલ અંતિમ સ્થિતિમાં ન આવે ત્યાં સુધી તમારે ટ્રેને બદલતાં રહેવાની જરૂર પડશે. યોજના પ્રમાણે તમારી સારવારની પ્રગતિ ચકાસવા માટે ડેન્ટિસ્ટ આપને દર છ અઠવાડિયામાં એક વાર મુલાકાત લેવાની ભલામણ કરશે. સારવારની કુલ અવધિ સરેરાશ 6-12 મહિના જેટલી હોય છે.

પરંપરાગત મેટલ બ્રેસિસ પહેરવા માંગતાં ન હોય તેવાં લોકો માટે ઇન્વિઝલાઈન સારવાર એક ઉત્તમ વિકલ્પ છે. પરંતુ ધ્યાન રહે કે કેટલીક જટિલ સારવાર માટે હજુ પણ બ્રેસિસ એ પસંદગીનો વિકલ્પ હોવાથી આપ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે તે જાણવું રહ્યું. વધુ વિગતો માટે આપના ડેન્ટિસ્ટ કે પછી MDS Orthodontist ની મુલાકાત લેવી સલાહભર્યું રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top