આમ તો સૌથી વધુ કિંમતી અને ચલણમાં હોય તેવી ધાતુ તરીકે સોનાની ગણતરી થાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારોમાં ચાંદીની બોલબાલા છે. સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં મોટો વધારો થતો રહે છે. હાલમાં પણ ચાંદીમાં મોટો ચળકાટ જોવા મળ્યો છે. સતત રેકોર્ડ તોડતાં ચાંદીનો ભાવ વધીને એક લાખને પાર કરી જ ગયો છે, પણ નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે ચાંદીનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 1.25 લાખથી વધુ થઈ જશે. ચાંદીમાં આ વધારા પાછળ વૈશ્વિક બજારમાં ટેકનિકલ બ્રેકઆઉટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ચાંદીનો ઉપયોગ સ્વચ્છ ઉર્જા, 5જી ટેકનોલોજી અને ઈલેકટ્રિક વાહનોમાં કરવામાં આવે છે. જેને કારણે તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે હાલમાં સોના-ચાંદીનો ગુણોત્તર 91ની નજીક છે. જે બતાવે છે કે સોના કરતાં ચાંદીમાં હજુ રોકાણકારો વિશ્વાસ ધરાવે છે. સામાન્ય રીતે ભાગ્યે જ આ ગુણોત્તર 90થી વધારે જોવા મળે છે. જ્યારે પણ આ ગુણોત્તર નીચે આવે છે ત્યારે ચાંદીના ભાવમાં વધારો થાય છે. રોકાણકારો અને સામાન્ય ખરીદદારોએ ચાંદીની ખરીદી અને વેચાણ કરતી વખતે આ મુદ્દો ખાસ ધ્યાને રાખવા જેવો છે.
સતત આ પાંચમું વર્ષ છે કે જ્યારે ચાંદીના પુરવઠામાં ઘટાડો અને માંગમાં વધારાને કારણે ચાંદી ખાધમાં છે અને આ ખાધને કારણે ભાવમાં વધુ વધારો થયો છે. એક સમય હતો કે જ્યારે ચાંદી ફક્ત ધનતેરસ કે પછી અક્ષય તૃતિયાના દિવસે જ ખરીદવામાં આવતી હતી પરંતુ હવે રોકાણકારો તેમાં રસ ધરાવી રહ્યા હોવાને કારણે ચાંદીમાં પણ ડિજિટલ સિલ્વર અને ઈટીએફ દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ ચાંદીમાં રોકાણ કરવામાં આવી રહ્યું હોવાથી તેનો ભાવ વધી રહ્યો છે.
ચાંદીની લોકપ્રિયતા એટલી છે કે ચાંદીએ માત્ર બે જ માસમાં રોકાણકારોને 24 ટકાનું વળતર આપ્યું છે. જે અન્ય રોકાણ કરતાં વધારે છે. ચાંદીની તેજી હજી પણ ચાલુ રહેવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. કારણ કે સોના કરતાં ચાંદી રોકાણ માટેનો સારો વિકલ્પ છે. ઉપરાંત રોકાણકારોનો રસ પણ ચાંદીમાં રોકાણ કરવા માટે વધી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેનો ટેરિફ સંઘર્ષ પણ બંધ થઈ ગયો છે. જેની અસર પણ ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે. આમ તો વિશ્વમાં વિનિમય માટે સોનાની જ પસંદગી કરવામાં આવે છે પરંતુ સોનાની સાથે સાથે ચાંદીમાં પણ વધારો જોવા મળતો હોવાથી રોકાણકારો ચાંદીની ખરીદી કરી રહ્યા છે.
સામાન્ય રોકાણકારો પણ લાખો રૂપિયામાં ચાંદીની ખરીદી કરીને રોકાણ કરી રહ્યા છે. જેને કારણે ચાંદીમાં તેજીનો જુવાળ દેખાઈ રહ્યો છે. આશરે 20 વર્ષ પહેલા ચાંદીનો ભાવ 11 હજાર રૂપિયાની આસપાસ હતો. બે દાયકામાં ચાંદીનો ભાવ 10 ગણો વધ્યો છે. જે બતાવે છે કે ચાંદીના દાગીના ભલે ઓછા વેચાતા હોય પરંતુ ચાંદીમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ છે. ભૂતકાળમાં જો કે, ચાંદીના ભાવો નીચા પણ આવ્યા છે પરંતુ રોકાણકારોએ ચાંદીમાં રોકાણ કર્યા બાદ તેમાં યોગ્ય વધારાની રાહ જોવી જરૂરી છે.
બની શકે છે કે હાલના વધારા બાદ ચાંદીનો ભાવ નીચે પણ આવે પરંતુ નીચેના ભાવે ખરીદી કરીને બાદમાં ઉંચા ભાવે વેચીને એવરેજ જાળવી રાખવામાં આવે તો ચાંદી કમાણી કરવા માટેનું મોટું સાધન બની રહે તેમ છે. ચાંદીમાં સીધા કુદી પડવાને બદલે રોકાણકારો દ્વારા નિષ્ણાતોની પણ સમય પર સલાહ લેવામાં આવે તે એટલું જ જરૂરી છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે વધારે થાય છે. ચાંદીનો ઉપયોગ દાગીના બનાવવા માટે એટલો થતો નથી. ઔદ્યોગિક ઉપયોગમાં ચાંદીની ખપત મોટાપાયે થતી હોવાને કારણે પણ તેના ભાવમાં વધારો જોવા મળે છે. એક સમયે ચાંદી અને સોનાના ભાવમાં કિલો અને 10 ગ્રામની સરખામણીએ મોટો તફાવત રહેતો હતો પરંતુ હવે ભાવમાં એટલો તફાવત નથી. જે બતાવે છે કે સોના કરતાં ચાંદીમાં ભાવોમાં વધારાનું પ્રમાણ વધુ છે. તેને કારણે જ લોકો ચાંદીમાં વધુ રોકાણ કરી રહ્યા છે.