Comments

આગામી સમયમાં શેરબજાર કરતાં સરકારી બોન્ડમાં રોકાણ લાભદાયી રહેવાની સંભાવના

દેવું કરીને ઘી પીવો…પૂર્વજો આવું એટલા માટે કહેતા હતા કે ઘી પીવાથી શરીરની તંદુરસ્તી જળવાયેલી રહે છે. જોકે, આજના સમયમાં આનો જુદો જ અર્થ કાઢીને સરકારો કે પછી લોકો દ્વારા દેવું કરવામાં આવી રહ્યું છે. જો આવકના પ્રમાણમાં દેવું વધી જાય તો જે તે વ્યક્તિનું ઉઠમણું થઈ જાય છે અને જો સરકાર હોય તો સરકારનું પણ ઉઠમણું થવાના સંજોગો રહેલા છે. થોડા સમય પહેલા અમેરિકાએ દેવાની મર્યાદા વધારવી પડી હતી. જ્યારે હવે ભારતનો વારો આવ્યો છે. ભારત સરકાર પર 346 બિલિયન ડોલર એટલે કે 29.7 લાખ કરોડ રૂપિયાનું હાલમાં દેવું છે. આ દેવું કેમ ચૂકવવું તે ભારત સરકાર માટે મોટો પ્રશ્ન છે. દેશમાં વિકાસના કામો માટે નાણાં જરુર પડે છે અને તેના માટે દેવું કરવું પડે છે. જોકે, જો સરકારનું આયોજન યોગ્ય હોય તો દેવામાં ઘટાડો થાય છે અને જો સરકાર ધ્યાન નહીં રાખે તો દેવામાં વધારો થઈ શકે છે.

ભારત સરકારે પણ હવે દેવાને ઘટાડવા માટે નવા રસ્તાઓ શોધવા માંડ્યા છે. અગાઉ કોરોના સમયે કરાયેલી ઉધારી અને માળખાગત સુવિધાઓ પર કરવામાં આવી રહેલા ભારે ખર્ચને કારણે ભારત દેશ પર દેવાની માત્રા વધી જવા પામી છે અને સરકારે હવે આ માટે રિઝર્વ બેંકનો સહારો લઈને દેવાને ઘટાડવા માટે નવી યોજનાઓ વિચારવા માંડી છે. પહેલા એવું થતું હતું કે સરકાર દેવા ઘટાડવા માટે સરકાર લેવલે આયોજનો કરતી હતી પરંતુ હવે સરકારે દેવા ઘટાડા માટે દેશના સામાન્ય નાગરિકને પણ પોતાની સાથે જોડી દેવા માટે આયોજનો કરવા માંડ્યા છે. સરકારે આ માટે લોકોની વિચારધારાનો અભ્યાસ કર્યો છે. ભારતના લોકો બેંકો કરતાં વધુ સમય ચાલે તેવી રીતે પોતાના રોકાણો કરવા માંગે છે અને સરકાર હવે તેનો જ લાભ લેવાની પેરવીમાં છે.

લોકો પોતાની બચતને વીમા કંપનીઓમાં રોકી રહ્યા છે. જેને કારણે વીમા કંપનીઓ લાંબા ગાળાના સરકારી બોન્ડ ખરીદી રહ્યા છે. આ બોન્ડની માંગ વધારે હોવાને કારણે એલઆઈસીએ 100 વર્ષના બોન્ડ જારી કરવા માટે સૂચન કર્યું છે. જે બતાવી રહ્યું છે કે ભારતમાં માર્કેટ સરકારી બોન્ડમાં બદલાઈ રહ્યું છે. નાણા મંત્રાલયે પણ આગામી તા.1લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટે 2.5 લાખ કરોડ રુપિયાની લોન આપવા માટેનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. જોવા જેવું છે કે વીમા ક્ષેત્ર દર વર્ષે 12થી 13 ટકાના વૃદ્ધિદરે વધી રહ્યું છે. જેથી તેનો લાભ વીમા કંપનીઓ લેવા માંગે છે. ગયા વર્ષે પણ આ જ રીતે રોકાણો કરવામાં આવ્યા હતા. હાલમાં જ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવા બોન્ડ પર સરેરાશ વ્યાજદર 6.9 ટકા હતો. જે પહેલાના કરતાં 20 બેસિસ ઓછો છે. જોકે તેનો પણ કાર્યકાળ વધારીને 20.5 વર્ષ કરવામાં આવ્યો છે.

ખરેખર વીમા કંપનીઓને તેમની જવાબદારીઓ પુરી કરવા માટે લાંબા ગાળાના રોકાણો જરૂરી છે. જ્યારે તેની સામે બજારમાં લાંબા ગાળાના બોન્ડની અછત છે. આ સંજોગોમાં લાંબા ગાળાના બોન્ડનું માર્કેટ ઉંચકાય તેમ છે. સરકારે પણ 30 વર્ષથી વધુ સમયના બોન્ડમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. સરકાર પણ આ બોન્ડ થકી પોતાની લોન વધારી રહી છે. ભૂતકાળમાં બોન્ડની એટલી માંગ નહોતી. જેને કારણે તેના વ્યાજના દર પણ વધતા હતા પરંતુ હવે માંગ વધતા સરકારને રાહત થઈ છે. જે રીતે કેન્દ્ર સરકાર વિચારી રહી છે તેવી જ રીતે રાજ્ય સરકારો પણ વિચારી રહી છે અને તેને કારણે આગામી દિવસોમાં રાજ્ય સરકારો પણ લાંબા ગાળાના બોન્ડ માટે માર્કેટમાં આવશે તો બની શકે છે કે બોન્ડની માંગ વધશે. રોકાણકારો માટે આગામી સમયમાં શેરબજાર કરતાં આ બોન્ડ માર્કેટ વધુ ફળે તેમ છે. જો મોટી રકમના રોકાણો કરવા હોય તો બોન્ડમાં રોકાણ કરવું નફાકારક બની રહેશે તે નક્કી છે.

Most Popular

To Top