Editorial

ભારતીય શેરબજારોમાં રોકાણ કરો, નજીકના ભવિષ્યમાં જ નવી ઉંચાઈઓ સર કરશે

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું હતું તેના એક દિવસ પહેલા શેરબજારે વિક્રમી ઉંચાઈ પાર કરી હતી. બીજા દિવસે જ્યારે પરિણામો જાહેર થયા અને ભાજપની બેઠકો ઘટી ત્યારે શેરબજારે વિક્રમી 5 હજારથી પણ વધુ પોઈન્ટની પછડાટ ખાધી હતી. ઉતર-ચડ એ શેરબજારનો સ્વભાવ છે. આર્થિક પરિસ્થિતિઓ પ્રમાણે શેરબજારમાં ઉંચનીચ થતી હોય છે પરંતુ જો લાંબા ગાળાના રોકાણ વિશે વિચારવામાં આવે તો તે માટે ભારતીય શેરબજાર હાલના તબક્કે શ્રેષ્ઠ છે.

હાલમાં કેન્દ્રમાં મોદીની આગેવાની હેઠળ ત્રીજી ટર્મની સરકાર બની ગયા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી 3 વર્ષ સુધી ભારતના ડંકા વાગશે. મંગળવારે વિશ્વ બેંકએ પોતાના એક અહેવાલમાં એવું જણાવ્યું હતું કે, આગામી 3 વર્ષ સુધી 6.7 ટકાના વૃદ્ધિ દરે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. નાણાંકીય વર્ષ 2023-24માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 8.2 ટકા રહેવાની ધારણા છે. આ વૃદ્ધિ દર વિશ્વ બેંક દ્વારા આપવામાં આવેલા અંદાજ કરતાં 1.9 ટકા વધારે છે.

વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 2.7 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. જે કોવિડ પહેલાના દાયકાની સરખામણીમાં 3.1 ટકા કરતાં પણ ઓછું છે. વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની અર્થવ્યવસ્થા વિકાસ તો પામશે પરંતુ તેના વિસ્તરણની ગતિ ધીમી રહેશે. વૈશ્વિક ફુગાવો પણ 2024માં ઘટીને 3.5 ટકા અ્ને 2025માં 2.9 ટકા રહેવાની ધારણા છે. જે છ મહિના પહેલાના અંદાજની સરખામણીમાં ધીમી છે.

વિશ્વ બેંકએ ભારતમાં અર્થવ્યવસ્થા વધુ મજબુત થવાની ધારણા વ્યક્ત કરી છે પણ ખરેખર ભારતની અર્થ વ્યવસ્થા પહેલેથી જ મજબુત છે. ભારતમાં ભવિષ્યના આયોજનને ધ્યાને લઈને કરવામાં આવતા આયોજનોને કારણે ભારતની અર્થવ્યવસ્થામાં મુશ્કેલી આવવાની સંભાવનાઓ ઓછી છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી બે પ્રકારની અર્થ વ્યવસ્થા અમલમાં છે. એક વ્હાઈટ મનીની અને એક બ્લેક મનીની. ભારતમાં અર્થ વ્યવસ્થામાં કાળા નાણાંની પણ મોટી બોલબાલા છે. ઈન્કમટેક્ષના કાયદાથી માંડીને ભારતમાં ટેક્ષ માળખું એવું હતું કે તેને કારણે કાળું નાણું બજારમાં ઉત્પન્ન થતું હતું અને ઠલવાતું હતું.

જોકે, છેલ્લા કેટલાક સમયથી કાળા નાણાંની અર્થ વ્યવસ્થા ઘટી રહી છે. જીએસટી અને નોટબંધીને કારણે કાળા નાણાંની અર્થ વ્યવસ્થા પર મોટો માર પડ્યો છે. જીએસટીને કારણે દર મહિને કેન્દ્ર અને રાજ્ય સરકારના જીએસટી કલેકશનના આંકડાઓ વધી જ રહ્યા છે. નવા વિક્રમો નોંધાવી રહ્યા છે. જીએસટીને કારણે લોકો પાસે રોકાણ માટે વ્હાઈટના નાણાં વધી રહ્યા છે. ભૂતકાળમાં કાળું નાણું મોટાભાગે જમીનોમાં રોકવામાં આવતું હતું પરંતુ કાળા નાણાંમાં ઘટાડાને કારણે જમીનોના ધંધામાં મંદી આવી ગઈ છે અને સામે વ્હાઈટ મનીનો ફ્લો વધી ગયો છે. દેશની બેંકોની એવી સ્થિતિ છે કે બેંકોમાં વિક્રમી સ્તરે ફિક્સ્ડ ડિપોઝીટ વધી રહી છે. બેંકો માટે નાણાં ક્યા મૂકવા તે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ લોકોએ પણ વ્હાઈટના નાણાંના રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝીટની સાથે સાથે એસઆઈપીને પણ રોકાણનું માધ્યમ બનાવ્યું છે. એસઆઈપીના નાણાં મોટાભાગે શેરબજારમાં જ રોકવામાં આવે છે અને આ કારણે શેરબજાર ધીરેધીરે નવીને નવી ઉંચાઈ નોંધાવી રહ્યું છે.

હાલમાં ભલે શેરબજારમાં સેન્સેક્સનો આંક 76 હજારની આસપાસ હોય પરંતુ જે રીતે એસઆઈપીમાં રોકાણના આંકડાઓ વધી રહ્યા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં જ સેન્સેક્સ એક લાખને પાર કરી જાય તેવી સંભાવના છે. ભારતની ઈકોનોમી પહેલેથી જ 5થી 10 ટ્રિલિયન ડોલરની છે. પરંતુ વ્હાઈટ અને બ્લેક મનીમાં વહેંચાયેલી હોવાને કારણે આ ઈકોનોમીનો આંક હજુ સુધી 3 ટ્રિલિયન પર જ પહોંચી શક્યો હતો પરંતુ વ્હાઈટ મની વધી રહ્યા હોવાથી ઈકોનોમીમાં પણ મોટો ઉછાળ આવી રહ્યો છે. શેરબજારની એવી સ્થિતિ છે કે કેન્દ્રમાં મોદીને બદલે કોંગ્રેસની એનડીએ સરકાર આવી હોત તો પણ શેરબજારમાં તેજી જ આવી હોત.

ભારતની ઈકોનોમીના પ્રમાણમાં શેરબજારો હજુ પણ નીચેના સ્તરે ચાલી રહ્યા છે. શેરબજારમાં સારી સ્ક્રિપ્ટમાં લાંબા ગાળા માટે રોકાણ કરનારાઓને આગામી 5થી 10 જ વર્ષમાં મોટો ફાયદો મળે તેવી શક્યતા છે. શેરબજાર વોલેટાઈલ રહેશે એટલે ટ્રેડિંગનું એટલું જોખમ લેવા જેવું નથી પરંતુ જો રોકાણ કરવું હોય તો એસઆઈપીના માધ્યમથી શેરબજારમાં કરેલું રોકાણ ચોક્કસપણે ફાયદો આપશે તે નક્કી છે.

Most Popular

To Top