વિદેશી નાગરિકો દ્વારા આતંકી ટ્રેનિંગ નેટવર્ક ચલાવાતું હોવાનો ખુલાસો
ભારતની સુરક્ષા એજન્સીઓએ એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મિઝોરમ બોર્ડર નજીકથી અમેરિકન અને યુક્રેનિયન નાગરિકોને ઝડપીને ગંભીર સાજિશનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી રશિયન એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હોવાનું કહેવાય છે. તપાસ મુજબ, અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વેન ડાઈક આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ છે. તે અને તેની સાથે જોડાયેલા યુક્રેનિયન નાગરિકો ટૂરિસ્ટ વિઝાના બહાને ભારતમાં આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં મ્યાનમારના સશસ્ત્ર જૂથોને ટ્રેનિંગ આપતા હતા.
NIAએ આ કેસમાં કુલ 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં 6 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ આ ગેંગમાં કુલ 14-15 લોકો સામેલ હતા, જેમાંથી 8 લોકો હજી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. જાંચ દરમિયાન ખુલ્યું છે કે આ ગેંગ યુરોપમાંથી મોટા પ્રમાણમાં ડ્રોન મંગાવી રહ્યો હતો. આ ડ્રોન અને હથિયારોનો ઉપયોગ મ્યાનમારના સશસ્ત્ર જૂથો અને સંભવિત રીતે ભારત સાથે જોડાયેલા ઉગ્રવાદી સંગઠનો સુધી પહોંચાડવા માટે થતો હતો. એજન્સીઓએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ AK-47 જેવા આધુનિક હથિયારો ધરાવતા અજાણ્યા ઓપરેટર્સ સાથે સંપર્કમાં હતા.
મેથ્યુ વેન ડાઈકને 13 માર્ચે નેતાજી સુભાષચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા. ડાઈક પોતાને “વોર એક્સપર્ટ” તરીકે ઓળખાવે છે અને તેણે Sons of Liberty International નામની સંસ્થા સ્થાપી છે. તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, તે અગાઉ સીરિયા, લીબિયા, અફઘાનિસ્તાન અને ઈરાક જેવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય રહ્યો છે. હાલમાં, NIA આ સમગ્ર નેટવર્કના ભારત સાથેના કનેક્શન અને તેની અસર વિશે વધુ ઊંડાણથી તપાસ કરી રહી છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કેસને અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે.