ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે ,જેના પગલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.
શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ આપ્યા છે તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી છે. શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા છે.
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર ૨૪, ૨૬ અને ૨૮ તથા આદીવાડામાં ૭૫ હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.આ શંકાસ્પદ ટાઈફોડના ૧૧૩ કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
અન્ય ૯૪ દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર ૨૪ અને ૨૯ ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં ૨૪×૭ ઓપીડી શરૂ કરવામાં આવી છે.