ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં (Election) બક્ષીપંચ (ઓબીસી) (OBC) અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે રચેલા ઝવેરી કમિશને તેનો રિપોર્ટ આજે સાંજે કાયદા સચિવને સુપ્રત કરી દીધો છે. હવે આ રિપોર્ટના આધારે સરકાર સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી બેઠકો અંગે નિર્ણય કરાશે. રાજય સરકાર આ રિપોર્ટને હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ઓબીસી અનામત બેઠોક નક્કી કરવા માટે રાજય ચૂંટણી આયોગને મોકલશે. જસ્ટીસ ઝવેરી પંચના રિપોર્ટ માટે રાજયમાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વહીવટદારરાજને બદલે રાજયમાં વહેલી ચૂંટણી યોજાય તે માટે રાજયપાલને મળીને તેમને આવેદનપત્ર પણ સુપ્રત કર્યુ હતું.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓબીસી અનામત બેઠકો નક્કી કરવા રચાયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસ કલ્પેશ ઝવેરી કમિશનને તેનો રિપોર્ટ 90 દિવસમાં આપવાનો થતો હતો પરંતુ કામ અધુરૂં હોવાથી સરકાર પાસે મુદ્દતો માગવામાં આવતી હતી પરંતુ હવે વિલંબિત રિપોર્ટ તૈયાર થઇ ચૂક્યો છે અને કમિશને તેની ભલામણો સરકારના કાયદા વિભાગને સુપરત કરી દીધી છે. ઓબીસીના મુદ્દે ઘણીવાર સરકાર ફીક્સમાં મૂકાઇ છે. રાજ્યમાં 52 ટકા વધતી ધરાવતા આ સમુદાયને 27 ટકા અનામત બેઠકો મળવી જોઇએ તેવી માગણી કરવામાં આવી હતી, કેમ કે રાજ્યમાં જ્યારે પંચાયત અને પાલિકાની ચૂંટણી થાય છે ત્યારે ઓબીસીને માત્ર 10 ટકા અનામત આપવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે સરકારના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે એસ ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ જુલાઇ 2022માં કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનમાં અધ્યક્ષ ઉપરાંત ચાર સભ્યોની નિયુક્તિ પણ કરવામાં આવી હતી. કમિશનના રિપોર્ટમાં વિલંબ થતાં ગુજરાત સરકારને પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ પાછી ઠેલવાની ફરજ પડી છે. એટલું જ કેટલીક સંસ્થાઓમાં તો વહીવટાદરની નિમણૂંક કરી દેવાઈ છે. હવે રિપોર્ટના અભ્યાસ પછી સંસ્થાઓમાં ઓબીસી બેઠકો નક્કી કરી ચૂંટણી જાહેર કરાશે. જો કે હજી આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી કોઇ સંભાવના જોવામાં આવતી નથી.
ચાલુ વર્ષે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકા અને 3835 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. સૂત્રો જણાવે છે કે રિપોર્ટ રજૂ કર્યાના ત્રણ મહિના પછી ચૂંટણીઓ શક્ય બનશે, કેમ કે ઓબીસી અનામત ક્વોટા પ્રમાણે બેઠકોની ફાળવણીમાં સમય લાગી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે 2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામતના અમલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ થઇ હતી. સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોને સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામતનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી કમિશન રચીને વસતીના આધારે માપદંડો નિયત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ પછી ગુજરાત કમિશન નહીં રચાતા , કોંગ્રેસે ભારે વિરોધ વ્યકત્ત કરતાં ગુજરાત સરકારે કમિશનની રચના કરી હતી.