Editorial

ચલણી નોટોને પાછી ખેંચવાને બદલે સરકાર કાળું નાણું પકડવા સિસ્ટમમાં રહેલા છીંડા શોધે

કાળા નાણાંને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2000ની નોટને પાછી ખેંચી લેવામાં આવી. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ આ માટેની સમયમર્યાદા પુરી થતાં સુધીમાં 2000ની 97 ટકા નોટ જ બેંકોમાં જમા થઈ શકી છે. જ્યારે આશરે 3 ટકા જેટલી 2000ની નોટ હજુ પણ લોકો પાસે છે. આ નોટને હજુ સુધી બદલવામાં આવી નથી કે બેંકમાં જે તે ખાતામાં જમા કરવામાં આવી નથી. 1લી ડિસેમ્બરના રોજ રિઝર્વ બેંકએ જાહેરાત કરી હતી કે 2000 નોટ હજુ પણ ચલણમાં છે જ અને તે ભવિષ્યમાં પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ જ રહેશે.

અગાઉ રિઝર્વ બેંકએ 19મી મેના રોજ 2000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે મિનિડીમોનિટાઈઝેશન કરતાં આ નિર્ણય લીધો હતો. જે સમયે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી તે દિવસે રૂપિયા 20000ની 3.56 લાખ કરોડના મૂલ્યની નોટ ચલણમાં હતી. જોકે, હવે તા.30મી નવેમ્બર સુધીમાં માત્ર 9760 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની નોટ ચલણમાં રહી જવા પામી છે. રિઝર્વ બેંકએ અગાઉ આ નોટ બદલવાની મુદત તા.30મી સપ્ટેમ્બર સુધીનો રાખ્યો હતો પરંતુ ત્યારબાદ લોકોની રજૂઆતને પગલે આ મુદત વધારવામાં આવી હતી અને તે 7મી ઓક્ટોબર સુધી લઈ જવામાં આવી હતી.

અગાઉ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી અને 500-1000ની નોટ ચલણમાંથી ખેંચી લેવામાં આવ્યા બાદ ચલણમાં 2000ની નવી નોટ મુકવામાં આવી હતી. 31મી માર્ચ, 2018ના રોજ ચલમાં આવેલી 2000ની ચલણી નોટનું મુલ્ય તે સમયે 6.73 લાખ કરોડ હતું. જે અત્યાર સુધીનું 2000ની નોટનું સર્વોત્તમ સર્ક્યુલેશન સ્તર હતું. જોકે, લોકો દ્વારા 2000ની નોટ ચલણમાં રાખવાને બદલે તેનો સંગ્રહ જ કરવામાં આવતાં સરકારે 2019માં જ 2000ની નવી નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. 2021-22માં 2000ની 38 કરોડ જેટલી નોટનો નાશ પણ કરી દેવામાં આવ્યો હતો.

બેંકોમાં 2000ની ચલણી નોટ જમા કરવાના કે બદલવાની સમયમર્યાદા પુરી થઈ ગઈ છે. પરંતુ હજુ પણ 2000ની નોટને રિઝર્વ બેંકની  અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુર સહિતની 19 ઓફિસમાં જમા કરી શકાશે કે બદલાવી શકાશે. લોકો પોસ્ટ દ્વારા પણ 2000ની નોટને રિઝર્વ બેંકની આ ઓફિસમાં મોકલીને તેમના ખાતામાં જમા લઈ શકશે. જે રીતે 2000ના મૂલ્યની પણ 97 ટકા નોટ બેંકમાં પરત જમા થઈ ગઈ તે જોતાં ભારત દેશમાં રહેલું કાળું નાણું સરકાર ક્યારેય પકડી શકશે નહીં. ભારતમાં કાળા નાણાંની પેરેલલ ઈકોનોમી છે. દેશમાં અસંખ્ય બિનસંગઠિત ક્ષેત્રો હોવાથી અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હોવાથી તેમને વ્હાઈટ મનીની જાળમાં લાવવા ખુબ જ અઘરા છે. સરકારે ખુદ ઈન્કમટેક્સના કાયદામાં અનેક વ્યવસાયીઓને આઈટીમાંથી છુટ આપવામાં આવી છે.

જેને કારણે જે કાળું નાણું છે તે આવા વ્યવસાયીઓ મારફત વ્હાઈટ થઈ જાય છે. ભૂતકાળમાં પણ 500 અને 1000ની મોટાભાગની નોટ રિઝર્વ બેંક પાસે પરત આવી ગઈ હતી. જો આ તમામ ચલણી નોટ પરત આવી ગઈ તો પછી કાળું નાણું ક્યાં ગયું? સરકારના પ્રયાસો છતાં પણ કોઈપણ રીતે કાળું નાણું પકડી શકાયું નથી. જે બતાવે છે કે સરકારની વ્યવસ્થામાં ક્યાંય છેદ છે. કાળું નાણું પેદા થવું તે કોઈ એક સમયની ઘટના નથી. કાળા નાણાંને નાથવા અને તેને પકડવા માટે સતત પ્રયાસો જરૂરી છે. 500-1000 અને હવે 2000ની નોટને પરત લેવા છતાં પણ સરકાર કાળું નાણું પકડી શકી નથી. ખરેખર સરકારે આ નવી નોટ છાપવી કે પછી જૂની નોટ બંધ કરવાની પળોજણમાં પડ્યા વિના જે છીંડા સિસ્ટમમાં છે તેને શોધવાની જરૂરીયાત છે. જો સરકાર તે શોધી શકશે તો દેશમાંથી કાળું નાણું દૂર કરી શકશે તે ચોક્કસ છે.

Most Popular

To Top