ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ખોટી રીતે કાર્યવાહી કરી હોવાના આક્ષેપો દરેક વખતે થાય છે. ચૂંટણી પંચ દ્વારા તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે પરંતુ આ વખતે ચૂંટણી પંચ પર મતોની ચોરી કરવાનો આરોપ રાહુલ ગાંધીએ મુકીને રાજકીય રીતે માહોલ ગરમ કરી નાખ્યો છે. રાહુલ ગાંધીએ એવા આક્ષેપો કર્યા છે કે ચૂંટણી પંચની મતોની ચોરી દ્વારા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે. રાહુલ ગાંધીએ આ માટે એક પત્રકાર પરિષદ કરીને ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.
કર્ણાટકના એક લોકસભા મતવિસ્તારનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ એક લાખ મત કાપવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 6.50 લાખ મત છે. એમાંથી 1 લાખ 250 મત ચોરાઈ ગયા, એટલે કે તેમણે 6માંથી 1 મત ચોરી લીધો. ચોરી 5 રીતે કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મતદાર એટલે કે એક મતદારે ઘણી વખત મતદાન કર્યું. એક મતદારે 5-6 મતદાન મથકોમાં મતદાન કર્યું. આ લોકો પાસે કોઈ સરનામું પણ નથી. આવા લગભગ 40 હજાર મત છે. એક સરનામા પર ઘણા મતદારો છે. એક બેડરૂમવાળા ઘરમાં 40-50 મતદારો બતાવવામાં આવ્યા. જ્યારે અમે તેમને શોધવા ગયા ત્યારે ત્યાં કોઈ નહોતું. તે ઘરનો માલિક ભાજપનેતા હોવાનું બહાર આવ્યું.
ગત તા.7 ઓગસ્ટના રોજ રાહુલે દિલ્હીના ઇન્દિરા ભવનમાં 1 કલાક 11 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણીપંચ કર્ણાટક, તામિલનાડુ અને હરિયાણામાં ભાજપને ટેકો આપી રહ્યું છે. અગાઉ રાહુલ ગાંધીએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી મરી પરવારી છે. ભારતના વડાપ્રધાન પાસે બહુ ઓછી બહુમતી છે. જો 10-15 બેઠક પર પણ ગોટાળા ન થયા હોત તો તેઓ ભારતના વડાપ્રધાન ન બન્યા હોત.
રાહુલ ગાંધીના આ આરોપો પર ચૂંટણી પંચે પણ કડક વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સોગંદનામું મોકલ્યું છે કે પહેલા સોગંદનામા પર સહી કરો કે તમે આના પુરાવા આપશો અને તેમાંથી પીછેહઠ નહીં કરો. જો તમે સોગંદનામા પર સહી કરવાના નહીં હોવ તો તમારૂં નિવેદન પાછું ખેંચો અને દેશની માફી માંગો. ચૂંટણી પંચના સોગંદનામા પર રાહુલ ગાંધી કે કોંગ્રેસની કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ આ મામલો ભારતના રાજકારણમાં સનસનાટી સર્જી રહ્યો છે. રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચેની લડાઈમાં જોકે, એક વાત એવી છે કે જો રાહુલ ગાંધીએ મુકેલા આરોપો સાચા હોય તો ચૂંટણી પંચ પર મોટી કાર્યવાહી થવી જોઈએ.
દેશના નાગરિકોને મતદાન કરવાનો હક બંધારણ થકી મળ્યો છે અને જો ચૂંટણી પંચ દ્વારા આ રીતે બંધારણીય હક જ છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તો તે એક ગુનાથી કમ નથી. લોકસભાની 543 બેઠક પૈકી એકપણ બેઠક એવી નથી કે જેના મતદારોની યાદી ચોક્કસ જ હોય. દરેક બેઠક પર કોઈને કોઈ સમસ્યા જરૂર છે. ઘણી વખત બીએલઓની બેદરકારીએ પણ ખોટી મતદાર યાદી સર્જી હોય અથવા તો રાજકીય પ્રભાવમાં આવીને પણ આ કામ થયું હોય. ચૂંટણી પંચ પોતાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જે સોગંદનામું મોકલીને સહી કરવા માટે કહ્યું તે પણ ખોટું છે. દસ્તાવેજી પુરાવા અને આંકડાકીય માહિતી દ્વારા ચૂંટણી પંચ પોતાનો નિર્દોષ સાબિત કરી શકે છે પરંતુ તમે પહેલા સોગંદનામું કરો કે પીછેહઠ નહીં કરો તેવું ચૂંટણી પંચનું વલણ ખરેખર તેને શંકાના દાયરામાં મૂકે છે. બીજી તરફ ચૂંટણી પંચ સાચું હોય તો રાહુલ ગાંધીએ આવા નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ. રાહુલ ગાંધી પર અગાઉ પણ એવા આરોપો લાગ્યા છે કે તેઓ આક્ષેપો કર્યા બાદ તેને સાબિત કરવા માટે પૂરાવા રજૂ કરતા નથી.
જો રાહુલ ગાંધી સાચા હોય તો તેમણે જે આક્ષેપો કર્યા છે તેને દસ્તાવેજી પુરાવાઓથી સાબિત કરવા જોઈએ અને તે માટે જે કોઈપણ કાર્યવાહી કરવી પડે તો તે કરવી જોઈએ. જો ખરેખર ચૂંટણી પંચે મતોની ચોરી કરી હોય તો તે શરમજનક છે અને તેની સામે પગલા લેવાવા જોઈએ, પરંતુ જો રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો ખોટા હોય તો રાહુલ ગાંધી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ખરેખર કોણ સાચું તે તો આગામી દિવસોમાં બહાર આવશે પરંતુ જે આક્ષેપો થયાં છે તે ખૂબ જ ગંભીર છે તે નક્કી છે.