આખા વિશ્વમાં જો વસતીની દ્રષ્ટિએ દેશની ગણના કરવાની હોય તો ભારત આખા વિશ્વમાં બીજા ક્રમે આવે છે. હાલમાં ભારતની વસતી 136 કરોડ છે અને એવું માનવામાં આવે છે કે સને 2031માં ભારતની વસતી ચીનને આંબી જશે. ભારત આખા વિશ્વમાં વસતીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમનું શહેર બની જશે. ભારતમાં આટલી વસતીની સાથે સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશથી ઘૂસણખોરીની પણ મોટી સમસ્યા છે. ઘૂસણખોરો ભારતમાં ઘૂસી ગયા બાદ તેમને ઓળખવા અતિમુશ્કેલ છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમની સાથે અન્ય કોમના લોકો પણ રહે છે. આ કારણે જો બીજી કોમના લોકોની ઘૂસણખોરી થાય તો તે કોમના આધારે તેમને અલગ પાડી શકતાં નથી.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના મુસ્લિમ ઘૂસણખોરો, દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની સાથે સાથે આસામ સહિતના રાજ્યોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ભારે ત્રાસ છે. એક તરફ ભારત પોતાના દેશમાં જ વધતી વસતીને તમામ સુવિધા પુરી પાડવા માટે મથી રહ્યું છે ત્યાં ઘૂસણખોરોનો ઉપરથી બોજ દેશની પ્રગતિમાં ભારે અવરોધ બને તેમ છે. જો ઘૂસણખોરીની સમસ્યાને રોકવી હોય અને સાથે સાથે દેશમાં રહેતા પ્રત્યેક નાગરિકની ઓળખ કરવી હોય તો તે માટે એક એવો ઓળખપત્ર જરૂરી છે. અગાઉ જ્યારે યુપીએ સરકાર કેન્દ્રમાં હતી ત્યારે આધારકાર્ડની સીસ્ટમ શરૂ કરવામાં આવી હતી. બાદમાં એનડીએસ સરકાર આવી ત્યારે પણ આધારકાર્ડની સીસ્ટમ યથાવત રાખવામાં આવી.
આધારકાર્ડ થકી પ્રત્યેક નાગરિકને શોધી શકાય તે માટે ધીરેધીરે આધારકાર્ડને દરેક જગ્યાએ ફરજિચાત કરવાની શરૂઆત કરવામાં આવી છે. પાન કાર્ડની સાથે આધારકાર્ડને જોડવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત મોટાભાગની સરકારી કચેરીઓમાં થતાં કામોમાં આધારકાર્ડની જરૂરીયાત બતાવવામાં આવી છે. સ્કૂલ-કોલેજમાં પ્રવેશમાં પણ આધારકાર્ડ માંગવામાં આવી રહ્યો છે. આધારકાર્ડને કારણે અનેક ગેરરીતિઓ પકડાઈ રહી છે. જોકે, હજુ પણ આધારકાર્ડની પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી. હાલમાં જ ચૂંટણી પંચે પણ મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. આ દરખાસ્તનો સ્વીકાર કરવો કે કેમ તે અંગે સરકાર વિચારી રહી છે.
આધારકાર્ડને દરેક જગ્યાએ ફરજિયાત રજૂ કરવાને કારણે અનેક ગરબડને પકડી શકાય છે. પરંતુ હજુ પણ તે પુરતું નથી. આધારકાર્ડને લિન્ક કરવાને બદલે ચાહે પાન કાર્ડ હોય કે પછી વોટર કાર્ડ, દરેક ઠેકાણે આધારકાર્ડનો જ ઉપયોગ કરવો જોઈએ. આધારકાર્ડ એવો બનાવવો જોઈએ કે જેમાં પાનકાર્ડ કે પછી વોટર કાર્ડની વિગતો પણ તેમાં આવી જાય. હાલમાં એવી સમસ્યા થાય છે કે બેંકમાં જાવ તો આધારકાર્ડની સાથે પાનકાર્ડ આપવો પડે છે. આ જ રીતે દરેક ઠેકાણે જે તે ઓળખપત્રની સાથે આધારકાર્ડ આપવો પડે છે તેના બદલે ઓળખપત્ર તરીકે આધારકાર્ડને જ ફરજિયાત કરી દેવામાં આવે તો અનેક કાર્ડ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જાય તેમ છે.
સરકાર ધારે તો આધારકાર્ડમાં ચીપ રાખીને તેમાં જે તે કાર્ડધારકની તમામ વિગતો સમાવી શકે છે. ચાહે પછી તે પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ કે પછી રેશન કાર્ડ. ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોનો પણ આધારકાર્ડમાં સમાવેશ કરી શકાય. આધારકાર્ડ દ્વારા પૈસાની લેણદેણ પણ કરી શકાય. એટીએમ કાર્ડની પણ જરૂરીયાત નહીં રહે. ભારતનો નાગરિક જ્યાં હોય ત્યાં આધારકાર્ડ બતાવીને જે વિગતો જે તે સરકારી અધિકારીને આપી શકે.
આધારકાર્ડમાં પરિવારની વિગતો પણ સમાવેશ કરી શકાય તો સરકારી યોજનાના તેને મળેલા લાભો પણ તેમાં દર્શાવી શકાય તેમ છે. ટૂંકમાં નાગરિકનું એક જ કાર્ડ એવું બને કે તેમાં તેની તમામ વિગતો આવી જાય. સરકાર આધારકાર્ડને બધા સાથે લિન્ક કરવાનું ફરજિયાત કરી રહી છે પરંતુ જો આધારકાર્ડમાં જ તમામ કાર્ડને સમાવી લેશે તો દેશમાં ઘૂસણખોરીની સાથે અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે તે નક્કી છે.