Gujarat

‘અશાંત’ ને બદલે હવે ‘નિર્દિષ્ટ’ વિસ્તાર કહેવાશે

‘ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ વિધાનસભામાં રજૂ
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૧૯૯૧ના અશાંત વિસ્તારના કાયદામાં મોટા ફેરફારો કરવા માટે ‘ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ રજૂ કરવામાં આવ્યું છે. મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા આ વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે, જે આગામી સપ્તાહે ચર્ચા પર લેવાશે.

આ સુધારા વિધેયકની મુખ્ય વિગતો નીચે મુજબ છે
વ્યાખ્યામાં મોટો ફેરફાર: કાયદામાં અત્યાર સુધી વપરાતા ‘અશાંત વિસ્તાર’ (Disturbed Area) શબ્દને બદલે હવે તમામ જગ્યાએ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ (Specified Area) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, કાયદાકીય ગૂંચવણો દૂર કરવા માટે ‘નારાજ થયેલી વ્યક્તિ’ (Aggrieved Person) ની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે.

મિલકત તબદીલીમાં કલેક્ટરની સત્તા અને તપાસ
કોઈપણ નિર્દિષ્ટ વિસ્તારમાં મિલકતની તબદીલી માટે કલેક્ટરે હવે વધુ કડક તપાસ કરવી પડશે. નવી જોગવાઈ મુજબ, મિલકત વેચનાર અને ખરીદનારની સંમતિ મુક્ત છે કે નહીં અને મિલકતની કિંમત વાજબી છે કે નહીં તેની સાથે હવે એ પણ તપાસવામાં આવશે કે:

  • મિલકતની તબદીલીથી તે વિસ્તારમાં વસતા સમુદાયો વચ્ચે કોમી તંગદીલીને કારણે જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની કોઈ શક્યતા છે કે કેમ.
  • હુલ્લડ અથવા ટોળાની હિંસાને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાય અથવા અનૈચ્છિક સ્થળાંતર (Involuntary Migration) થવાની ભીતિ હોય તો રાજ્ય સરકાર તે વિસ્તારને ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકશે.

દેખરેખ અને સલાહકાર સમિતિની ભૂમિકા
રાજ્ય સરકારને સલાહ આપવા માટે એક ‘દેખરેખ અને સલાહકાર સમિતિ’ની રચના કરવામાં આવશે. આ સમિતિ જે-તે વિસ્તારમાં કોમી તંગદિલી કે જાહેર વ્યવસ્થાની સ્થિતિનો અભ્યાસ કરશે. આ સમિતિ અને કલેક્ટરને ડેટા એકત્રિત કરવામાં અને તપાસમાં ખાસ તપાસ ટીમ (SIT) સહાય કરશે.

જો મિલકતની તબદીલી કાયદા વિરુદ્ધ જઈને રદબાતલ ઠરે, તો
• મિલકત ખરીદનારે ૬ મહિનાની અંદર મૂળ માલિકને કબજો પરત સોંપવો પડશે.
• જો મૂળ માલિક કબજો લેવામાં નિષ્ફળ જાય, તો કલેક્ટર તે મિલકતનો કબજો પોતે સંભાળશે અને તેનું રક્ષણ કરશે.

લોન લેવા માટે પડતી મુશ્કેલી નિવારણ
નિર્દિષ્ટ વિસ્તારમાં આવેલી મિલકત પર નાણાકીય સંસ્થાઓ (બેંકો) પાસેથી લોન લેવા માટે તેને ગીરો મૂકવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કલમ ૯માં સુધારો સૂચવવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકોને હાડમારી ન વેઠવી પડે.

Most Popular

To Top