ભારતીય નૌકાદળમાં આજે સોમવારે સ્વદેશી રીતે બનેલું નવા યુગનું યુદ્ધ જહાજ INS માહે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. છીછરા પાણીના ઓપરેશન અને દુશ્મન સબમરીનની શોધ માટે બનાવવામાં આવેલા આ એન્ટિ-સબમરીન જહાજને તેની શાંત કામગીરીને કારણે “સાયલન્ટ હન્ટર” નામ આપવામાં આવ્યું છે.
INS માહે- સ્વદેશી શક્તિનું નવું પ્રતીક
ભારતીય નૌકાદળને વધુ શક્તિશાળી બનાવતું સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે આજે તા. 24 નવેમ્બર સોમવારે મુંબઈમાં આયોજિત સમારંભ દરમિયાન ફ્લીટમાં સામેલ થયું. આ જહાજ માહે-ક્લાસનું પ્રથમ એન્ટિ-સબમરીન અને છીછરા પાણીમાં કાર્યરત યુદ્ધ જહાજ છે. સમારોહમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
80% સ્વદેશી ઘટકોનો વપરાશ
કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા બનાવાયેલ INS માહેનું 80 ટકા નિર્માણ ભારતમાં જ થયું છે. નૌકાદળે તેને “નવા યુગનું ઝડપી, ચપળ અને આધુનિક યુદ્ધ જહાજ” તરીકે વર્ણવ્યું છે. આ જહાજ ખાસ કરીને સબમરીન વિરોધી યુદ્ધ માટે ડિઝાઇન થયું છે અને છીછરા પાણીમાં પણ ચોકસાઈથી કામગીરી કરી શકે છે.
‘સાયલેન્ટ હન્ટર’ કેમ કહેવાય?
INS માહે સ્ટીલ્થ-સક્ષમ છે એટલે કે તે દુશ્મનના રાડાર અને સર્વેલન્સ સિસ્ટમથી બચે છે. તેની ઓછા અવાજની ટેક્નોલોજી તેને શાંતિથી કામગીરી કરવાની અને દુશ્મન સબમરીનને ખબર પડ્યા વિના તેને ટ્રેક કરવાની શક્તિ આપે છે. તેની આ સુવિધાઓને કારણે તેને ‘સાયલેન્ટ હન્ટર’ નામ આપવામાં આવ્યું છે.
બહુ-ભૂમિકાવાળું જહાજ
આ જહાજ કિનારાપટ્ટી પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગ સુરક્ષા, પાણીની અંદર દેખરેખ, શોધ અને બચાવ મિશન સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી શકશે. તેમાં માઇનલેઇંગ ક્ષમતા પણ છે, જે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
પુડુચેરીના માહે પરથી નામકરણ
INS માહેનું નામ પુડુચેરીના પ્રસિદ્ધ દરિયાઈ શહેર “માહે” પરથી રાખવામાં આવ્યું છે. આ વિસ્તાર તેના દરિયાઈ ઇતિહાસ અને વેપાર માટે જાણીતા છે.