બોગસ બિલોના આધારે માંગવામાં આવેલ ઈમ્પૂટ ટેક્ષ ક્રેડિટનો ઉપયોગ GSTની વેરાકીય જવાબદારી નિભાવવામાં નહીં આવે તે માટે, તા. 26-12-19 ના રોજ GST નિયમોમાં નિયમ 86 એ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે.. બોગસ બિલીંગ થયાની માહિતીને આધારે નિયમ 66 એ હેઠળ ટેક્ષ ક્રેડિટ બ્લોક કરવાના અધિકારીના નિર્ણયમાં દખલ કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટ તાજેતરના એક કેસમાં ઈન્કાર કરેલ… તો આ નિયમ હેઠળની કાર્યવાહી ખૂબ આકરી છે અને સબળ કારણોસર તેનો ઉપયોગ કરવો જોઈએ એમ જણાવ્યું. ખેર! એસ એસ ઈન્ડસ્ટ્રીઝ વિ. યુનિયન ઓફ ઈન્ડીઆ-સો.સી.એ.નં.8841/2020 ના તા. 24/12/20ના ખૂબ તાજેતરના ચુકાદા તરફ એક નજર નાંખીએ તો…
હકીકત…
અરજદાર ભાગીદારી કંપની છે અને ટી એમ ટી સળિયા વિ.નું ઉત્પાદન કરે છે અને GST કાયદા હેઠળ નોંધાયેલ છે. કંપનીએ ઈન્વોઈસીસના આધારે ટેક્ષ ક્રેડિટ માંગી, વેરાકીય જવાબદારી અદા કરતી હતી. વિજીલન્સ બ્રાન્ચને માહિતી મળેલ કે કેટલાક વેપારીઓ ઉત્પાદિત માલનો વ્યવહાર કર્યા વગર… ફક્ત ટેક્ષ ઈન્વોઈસ આપવાની પ્રવૃત્તિ કરતા હતા અને… તપાસ દરમ્યાન કંપનીને રૂ.25 લાખ ડિપોઝીટ ભરવા ફરજ પાડેલ. ઉપરાંત રૂ.84 લાખની ઈન્પૂટ ટેક્ષ ક્રેડિટ બ્લોક કરેલ અને… આ ડિપોઝીટ પરત કરવા તથા ટેક્ષ ક્રેડિટ છૂટી કરવા ઈન્કાર કરાતા, અરજદારને ના. હાઈકોર્ટ સમક્ષ રીટ-પીટીશન ફાઈલ કરી.
દલીલ..
કંપનીના વિધ્વાન કાઉન્સેલે દલીલ કરતાં જણાવ્યું કે કંપનીએ 36 જેટલા સપ્લાયરો પાસે ખરીદી કરેલ છે. તેઓ GST કાયદા હેઠળ નોંધાયેલ છે અને નિયમિત રિટર્નો ભરે છે.
તો… તપાસને એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં,શો-કોઝ નોટીસ આપવામાં આવી નથી.
ચુકાદો…
નામદાર હાઈકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે એ હકીકત છે કે તપાસ ચાલી રહી છે અને અરજદાર સામે કાર્યવાહી કરવા પ્રથમ દર્શની કેસ જણાય છે. તો… અધિકારી દ્વારા ચાલુ કરવામાં આવેલ તપાસમાં, અસામાન્ય સંજોગો સિવાય દખલ કરવામાં આવે તે વ્યાજબી નથી. અલબત્ત… કાયદાની જોગવાઈઓની બંધારણીયતા પડકારવામાં આવે કે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધ ચાલુ કરવામાં આવી હોય વિ. જેવાં કારણોસર ચોક્કસ કોર્ટ દખલ કરી શકે છે.
અલબત્ત હાઈકોર્ટે જણાવ્યું કે તપાસ અનિશ્ચિત સમય સુધી ચાલવી જોઈએ નહીં. આ કેસમાં તપાસ એક વર્ષથી વધુ સમય ચાલુ રહી છે ત્યારે.. ખાતાએ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
નિયમ ડિસેમાં પણ એક વર્ષની ટાઈમ લીમીટ આપવામાં આવી છે ત્યારે આ ચુકાદાની તારીખથી ચાર અઠવાડિયામાં તપાસ પૂરી કરવા ફરમાવીએ છીએ, તો… ના. હાઈકોર્ટે છેવટે જણાવ્યું કે રીટ પીટીશનની કાર્યવાહીમાં ડીપોઝીટની રકમ પરત કરવા કે બ્લોક ક્રેડિટ છૂટી કરવા અમે ખાતાને જણાવતા નથી અને તેથી જ ખાતાને તપાસ ચાર અઠવાડિયામાં પૂરી કરવા જણાવ્યું છે, તો.. ના. હાઈકોર્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ કેસમાં અમે નિયમ ડિસેની બંધારણીયતાનો મુદ્દો તપાસ્યો નથી. આ કેસમાં અમે જે નિર્ણય લીધો છે તે મહદ્ અંશે હરકતો પર આધારિત છે.