અમદાવાદ,તા.12
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની તપાસ કાર્યવાહી અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. જસ્ટિસ નિખિલ એસ. કેરિયરની કોર્ટ સમક્ષ રજૂ થયેલા એક અરજી પ્રકરણમાં તપાસમાં રહેલી દેખીતી ખામીઓ અંગે કોર્ટએ પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.
પ્રશાંતકુમાર ધર્મશીભાઈ પટેલ વિરુદ્ધ ₹72 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસની ચાર્જશીટ મુજબ આ રકમ અરજદારે પચાવી પાડી હોવાનું દર્શાવાયું છે. જોકે, કોર્ટમાં રજૂ થયેલા બેંક સ્ટેટમેન્ટ મુજબ અરજદારે પ્રાપ્ત થયેલી સમગ્ર રકમ સહ-આરોપી અને બ્રોકર સુરેશભાઈ ભાલિયાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હોવાનું સ્પષ્ટ થયું હતું.
કોર્ટના અવલોકન મુજબ, જેને રકમ પ્રાપ્ત થઈ તે સુરેશ ભાલિયાએ જામીન અરજી દરમિયાન કોર્ટ સમક્ષ પૈસા ન મળ્યાનું જણાવ્યું હતું. પરંતુ તપાસ અધિકારીઓ PI ડી.યુ. બારડ અને PSI એ.આર. પાટીલ દ્વારા બેંક સ્ટેટમેન્ટ જેવા મહત્વપૂર્ણ પુરાવાની યોગ્ય તપાસ ન કરાઈ હોવાનું જણાયું છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે મુખ્ય આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો નથી, જે તપાસની ગંભીર ખામી ગણાય. જસ્ટિસ કેરિયરે ટિપ્પણી કરી હતી કે આ પ્રકરણ “સામાન્ય બુદ્ધિનો અભાવ” અથવા “મિલીભગત”નું પ્રતિબિંબ દેખાડે છે. કોર્ટએ તાત્કાલિક અસરથી પ્રશાંત પટેલને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો.
ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને તપાસના દસ્તાવેજો ચકાસી જવાબદાર અધિકારીઓ સામે લેવામાં આવનાર પગલાં અંગે 12 ફેબ્રુઆરી 2026 સુધીમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત મુજબ સંબંધિત અધિકારીઓ સામે માત્ર ₹20,000 દંડની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ બાબત પર કોર્ટે અસંતોષ વ્યક્ત કરી ભડકી ઉઠી અને સ્પષ્ટ નિરીક્ષણ કર્યુ હતું કે આ ગ્રામ પંચાયતના કર્મચારી નહીં પરંતુ શિસ્તબદ્ધ પોલીસ વિભાગ” છે, જેથી કડક શિક્ષાત્મક પગલાં જરૂરી છે અને સમાજમાં દાખલો બેસવો જોઈએ.ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આવતી કાલે બપોરે 2:00 વાગ્યે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલે રાજ્ય સરકારના વકીલે પણ મુખ્ય આરોપી સુરેશ ભાલિયાના જામીન રદ કરાવવા કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે