SURAT

સુરત સાથે અન્યાય? ઇન્ટરનેશનલ ટેગ માત્ર નામનું, મોટી સિટી છતાં ફ્લાઇટ્સમાં ઘટાડો

સુરત એરપોર્ટ માટે ફરી એકવાર નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઈ 2026થી સુરત-બેંગકોક ફ્લાઈટ સંપૂર્ણપણે બંધ થવાની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે આ રૂટ પર બુકિંગ બંધ કરી દીધું છે અને એનું કારણ સતત થઈ રહેલી ખોટ થવાનું જણાવાયું છે. આ નિર્ણયથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સુરત એરપોર્ટ પરથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓપરેટ થતી હતી, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહ જેવા મહત્વના રૂટ સામેલ હતા. પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં ત્રણ ફ્લાઈટ્સ બંધ થઈ ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે જુલાઈથી સુરત એરપોર્ટ પરથી માત્ર 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ જ ચાલશે, જે મુખ્યત્વે દુબઈ રૂટ પર છે.

સુરત-બેંગકોક ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલતી હતી અને ઘણા મુસાફરો માટે ખૂબ ઉપયોગી હતી. ખાસ કરીને પ્રવાસ અને વેપાર માટે આ રૂટ મહત્વનો હતો. હવે આ સેવા બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિષ્ણાતો અને સ્થાનિક લોકો માને છે કે સુરત સાથે હવાઈ સેવાઓમાં અન્યાય થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાંથી અનેક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટ બંધ કરવામાં આવ્યા છે. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહ જેવા શહેરો માટેની ફ્લાઈટ્સ બંધ થઈ ગઈ છે, જ્યારે અન્ય રૂટની ફ્રીક્વન્સી પણ ઘટાડવામાં આવી છે. ખાસ વાત એ છે કે સુરત દેશના ટોચના શહેરોમાં ગણાય છે અને તેની વસ્તી લગભગ 90 લાખ છે. છતાં, નાની સિટીઓમાં નવી ફ્લાઈટ્સ શરૂ થાય છે, જ્યારે સુરતને અવગણવામાં આવે છે. આ કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

બીજી તરફ, આંકડાઓ બતાવે છે કે સુરતમાં મુસાફરોની કોઈ અછત નથી. એરપોર્ટ પર સરેરાશ 85% ઓક્યુપન્સી જોવા મળે છે અને ઘણી ફ્લાઈટ્સ 90% સુધી ભરેલી હોય છે. એટલે સ્પષ્ટ છે કે માંગ તો છે, પરંતુ સુવિધા આપવામાં આવી રહી નથી. સુરત દેશનું ઝડપી વિકસતું શહેર છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ છે. છતાં હવાઈ જોડાણમાં ઘટાડો શહેરના વિકાસ માટે ચિંતાજનક છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય, તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ નબળી પડી શકે છે.

Most Popular

To Top