Gujarat

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને વધુ વેગ મળશે , નવા એક્સપ્રેસ-વે, કોસ્ટલ હાઈવે અને ૩૧૦૦થી વધુ નોકરીઓની જાહેરાત

ગાંધીનગર,તા.17

ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી રહી છે. વિધાનસભામાં માર્ગ – મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે રાજ્ય સરકાર માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ કરોડો નાગરિકોના સપનાઓને સાકાર કરતા સેતુઓનું નિર્માણ કરી રહી છે.

છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્યનું રોડ નેટવર્ક ૧ લાખ કિમીથી વધીને ૧.૩૫ લાખ કિમીથી વધુ થયું છે, જે ગુજરાતના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. મજબૂત રોડ કનેક્ટિવિટીથી ઉદ્યોગ, વેપાર અને પર્યટનને ગતિ મળી રહી છે.રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે રાજ્યમાં OPRC પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે, જેમાં કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કામના જથ્થા કરતાં રસ્તાના પર્ફોર્મન્સના આધારે કરવામાં આવશે. સાથે જ STMC માધ્યમથી માર્ગોની જાળવણી માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં રોજગારની નવી તકો સર્જતા માર્ગ અને મકાન વિભાગમાં કુલ ૩૧૧૦ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં ભરવામાં આવશે.મુખ્ય પ્રોજેક્ટ્સ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડીસા-સુરેન્દ્રનગર-પીપાવાવને જોડતો ૪૩૧ કિમીનો નમો શક્તિ એક્સપ્રેસ-વે બનશે, જે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે. ઉપરાંત ૬૮૦ કિમી લાંબા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેના વિકાસથી અમદાવાદથી દ્વારકા પહોંચવામાં અંદાજે ૩ કલાકનો સમય બચશે.અમદાવાદ-મહેસાણા ૮-લેન હાઈવે માટે રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે એલિવેટેડ ફ્લાયઓવર અને ૮ નવા ફ્લાયઓવરનું નિર્માણ થશે.

સાથે જ ઉમરગામથી નારાયણ સરોવર સુધી ૧૦ મીટર પહોળો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે, જે પર્યટન અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે.ગ્રામ્ય અને તાલુકા કનેક્ટિવિટી માટે પણ મોટી જોગવાઈ કરવામાં આવી છે. ૨૬૭ તાલુકા મથકોને જોડતા રસ્તાઓ માટે રૂ. ૯૨૭ કરોડ અને ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૫,૬૦૩ કરોડ ફાળવાયા છે.પર્યાવરણને ધ્યાનમાં રાખીને વેસ્ટ પ્લાસ્ટિક અને કોલ્ડ મિક્સ ટેકનોલોજીથી ‘ગ્રીન રોડ’ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જંબુસર ખાતે ૧૦ કિમીનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે.આ ઉપરાંત રાજ્યમાં હાઈ-સ્પીડ કોરિડોર અને રિંગ રોડ પ્રોજેક્ટ્સ દ્વારા કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવામાં આવશે.
૩૧૦૦થી વધુ નવી નોકરીઓ

ઋષિકેશ પટેલએ જાહેરાત કરી હતી કે માર્ગ અને મકાન વિભાગમાં કુલ ૩૧૧૦ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ભરતીથી રોજગારના નવા અવસર ઉભા થશે અને વિભાગની કાર્યક્ષમતા વધશે.

રસ્તાઓ માટે નવી OPRC પદ્ધતિ
રસ્તાની ગુણવત્તા જાળવવા OPRC (Output and Performance Based Road Contract) પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. હવે કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કામના જથ્થા પર નહીં પરંતુ રસ્તાના પર્ફોર્મન્સ આધારે થશે, જેના કારણે ગુણવત્તા અને આયુષ્ય વધશે.

‘ગ્રીન રોડ’ માટે નવી ટેકનોલોજી
વેસ્ટ પ્લાસ્ટિક અને કોલ્ડ મિક્સ ટેકનોલોજીથી રસ્તા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જંબુસરમાં ૧૦ કિમીનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

નમો શક્તિ એક્સપ્રેસ-વે
ડીસા-સુરેન્દ્રનગર-પીપાવાવને જોડતો ૪૩૧ કિમી લાંબો નમો શક્તિ એક્સપ્રેસ-વે બનશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ૭.૩૦ કલાકથી ઘટીને માત્ર ૪ કલાક થશે.

સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે
૬૮૦ કિમી લાંબા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેના વિકાસથી અમદાવાદથી દ્વારકા પહોંચવામાં આશરે ૩ કલાકનો સમય બચશે.

અમદાવાદ-મહેસાણા ૮-લેન હાઈવે
રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા હાઈવેને ૮-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એલિવેટેડ ફ્લાયઓવર અને ૮ નવા ફ્લાયઓવરનું નિર્માણ પણ થશે.

કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ
ઉમરગામથી નારાયણ સરોવર સુધી ૧૦ મીટર પહોળો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે, જે પર્યટન, મત્સ્ય ઉદ્યોગ અને સુરક્ષાને મજબૂત બનાવશે.

ગ્રામ્ય રસ્તાઓ માટે મોટી જોગવાઈ
ગ્રામ્ય કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૫,૬૦૩ કરોડ ફાળવાયા છે. ઉપરાંત ૨૬૭ તાલુકા મથકોને જોડતા રસ્તાઓ માટે રૂ. ૯૨૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Most Popular

To Top