બહુ વધારે દૂર જવાની જરૂર નથી માત્ર 10 વર્ષ પહેલાની જ વાત છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાંધણગેસના ભાવ વધ્યા હતાં. તેના વિરોધમાં ભાજપની ફોજની ફોજ રસ્તા ઉપર ઉતરી આવી હતી. સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓ તે સમયે ગેસના બાટલા સાથે વિરોધ કરતાં જોવા મળ્યાં હતાં. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, તે વિરોધ મોંઘવારી સામે હતો કે, કોંગ્રેસ સામે? હાલમાં આઠ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પરંતુ હવે આ સરકાર મોંઘવારી ઉપર કાબૂ મેળવવામાં સદંતર નિષ્ફળ રહી છે.
તો હવે રસ્તા ઉપર ઉતરતા એ કાર્યકરો કેમ દેખાતા નથી? તેનો સીધો જ અર્થ છે કે તેઓ પ્રજાના પ્રશ્નો માટે નહીં પરંતુ સત્તા મેળવવા માટે લડત ચલાવી રહ્યાં હતાં. માની લઇએ કે સત્તા મેળવવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવી પડે. એમાં ખોટું પણ કંઇ નથી. પરંતુ સત્તામાં આવ્યા પછી તો પ્રજાના પડખે રહેવું એ કોઇપણ સરકારની નૈતિક જવાબદારી બની જાય છે. શનિવારે જ રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ 15 દિવસમાં બીજી વખત રાંધણગેસના બાટલામાં ભાવ વધારો ઝીંકાયો છે. ઇંધણ વિક્રેતાઓ જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના વધતા ભાવો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે અને છ સપ્તાહ કરતા માંડ થોડાક વધુ સમયમાં આ બીજો વધારો છે.
બાવીસમી માર્ચે સિલિન્ડર દીઠ રૂ. પ૦ વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૨૧થી આ રાંધણગેસમાં રૂ. ૧૯૦નો વધારો કરવામાં આવ્યો છે. નોન-સબસીડાઇઝ્ડ રાંધણ ગેસનો બાટલો એ જેમનો વાર્ષિક ૧૨ સબસીડીવાળા બાટલાનો ક્વોટા પુરો થઇ જાય તેમણે બજારભાવે ખરીદવાનો બાટલો હોય છે. આ ભાવવધારા સાથે દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ બાટલાની કિંમત રૂ. ૧૦૦૦ને પાર ગઇ છે. ચેન્નાઇમાં તેનો ભાવ રૂ. ૧૦૧૫.પ૦ અને કોલકાતામાં રૂ. ૧૦૨૬ થયો છે. વેટ જેવા સ્થાનિક વેરાઓ લાગુ પડતા હોવાને કારણે આ ગેસની કિંમત રાજ્યે રાજ્યે જુદી પડે છે. જ્યારે સરકાર મોટા ભાગના શહેરોમાં સબસીડી એલપીજી પર ચુકવતી નથી ત્યારે ગ્રાહકોએ, જેમાં ગરીબ મહિલાઓ, કે જેમણે જેની ઘણી ચર્ચા થઇ છે તે ઉજ્જવલા યોજના હેઠળ મફત કનેકશન મેળવ્યું છે તેમનો પણ સમાવેશ થાય છે તેમણે ગેસનો નવો બાટલો ખરીદવા માટે એટલી જ કિંમત ચુકવવી પડે છે.
જેટલી સબસીડી વગરના બાટલાની કિંમત હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો કે છેલ્લા એક મહિનાથી વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે કે આ મહિનાની શરૂઆતમાં હોટેલો વગેરેમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો વધારો કરવામાં આવ્યો હતો. આ તો વાત થઇ રાંધણ ગેસની કે જે પરિવાર માટે અભિન્ન અંગ સમાન છે. દરેક શાક કે દાળ બનાવવા માટે ઉપયોગી એેવા ખાદ્ય તેલની સ્થિતિ પણ આવી જ છે. હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચ્યો છે. જ્યારે પામતેલના ભાવ પહેલીવાર 2600ને પાર પહોંચ્યા છે. સરકારી તંત્રની સુસ્તી વચ્ચે સંગ્રહખોર અને નફાખોર બે લગામ બન્યા છે. પામતેલમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 120નો ભાવ વધારો નોંધાયો.
ખાદ્યતેલમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો તો બીજી તરફ ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સૌથી ગંભીર કહી શકાય તેવી બાબત એ છે કે, ઇતિહાસમાં પહેલી વખત સિંગતેલ, કપાસિયા તેલ અને પામ તેલનો ભાવ એક સરખો થઇ ગયો છે. સીએનજીની હાલત પણ એવી જ છે. યુક્રેન – રશિયા યુદ્ધને લીધે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સીએનજીના ભાવ વધતા ભારત સરકારની કંપની ગેઇલ ઇન્ડિયા દ્વારા આયાતી ઇપીએમ ગેસના ભાવમાં તાજેતરમાં 110 ટકાનો વધારો કરતાં ગુજરાત સરકારની માલિકીની કંપની ગુજરાત ગેસે પણ સીએનજીના કિલો દીઠ ભાવમાં 2.58 રૂપિયાનો ભાવ વધારો ગ્રાહકો ઉપર ઝીંકી દીધો છે.
છેલ્લા એક મહિનાથી સીએનજીનો ભાવ ભાવ 79.56 રૂપિયા થઇ ગયો છે. સીએનજીના ભાવ વધતા મધ્યમવર્ગને ફરી મોટું નુકસાન થયું છે. સીધી જ વાત કરીએ તો ધનાઢ્ય પરિવારના લોકો તો જ્યારે રિક્ષાનો ઉપયોગ કરે છે. ત્યારે સ્પેશિયલ રિક્ષા જ કરાવી લેતા હોય છે. પરંતુ મધ્મયવર્ગને આ ભાડું પોસાઇ તેમ નહીં હોવાથી તેઓ શટલ રિક્ષા એટલે કે શેરિંગ રિક્ષાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ઘરેથી નોકરી અને નોકરી ઊપરથી ઘરે જતી વખતે તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. સીએનજીના ભાવ વધારાના કારણે શેરિંગ રિક્ષાનું મીનિમમ ભાડું 10 રૂપિયા હતું તે વધીને સીધુ જ 15 થઇ ગયું છે. તો બીજી તરફ દેશના દરેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની આસપાસ છે અને ડિઝલ પણ 90 રૂપિયાની ઉપર જ છે.
સતત વધતા ઇંધણના ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઇ ગયું છે જેના કારણે ઘરવપરાશની દરેક ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થમાં 10 થી 20 ટકા જેટલો ભાવ વધારો થઇ ગયો છે. એટલે જો આવું ને આવું જ રહ્યું તો મધ્યમવર્ગ તો પાયમાલ થઇ જશે. બચતની વાત તો દૂર રહી ઘર ચલાવવામાં પણ તે સક્ષમ રહેશે નહીં. જો મોંઘવારી કાબૂમાં નહીં આવે તો મધ્યમવર્ગના લોકોએ દિવસમાં એક જ વખત જમવું પડે તે સમય હવે દૂર નથી.