Editorial

ઇન્દોરના મંદિરની દુર્ઘટના જેવી ઘટનાઓ ટાળવા પ્રશાસનની સતર્કતા અને પ્રજાકીય શાણપણ જરૂરી

ગુરુવારે દેશભરમાં ચૈત્રી રામનવમી ઉજવાઇ રહી હતી તે વખતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક કરૂણ ઘટના બની ગઇ. ત્યાંના એક વિસ્તારમાં એક મંદિરમાં રામનવમી નિમિત્તે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ત્યાં મોટી ભીડ એકઠી થઇ હતી અને લોકોની ભીડના ભારે વજનને કારણે મંદિરના પરિસરમાંનો એક સ્લેબ તૂટી પડ્યો અને ઘણા બધા લોકો તે સ્લેબની નીચે આવેલી એક જૂની વાવની અંદર જઇને ખાબક્યા. પહેલા તો આઠનો મૃત્યુઆંક જણાવાયો પણ પછી તે વધતો ગયો અને શુક્રવારે તો તે વધીને ૩૬ થઇ ગયો હતો.

ઇન્દોરના ડિવિઝન કમિશ્નર પવન કુમારે જણાવ્યું હતું કે આ ઘટના પછી લાપતા બનેલ એક વ્યક્તિનો મૃતદેહ પણ શુક્રવારે બાવડીમાંથી મળી આવ્યો હતો. આ સાથે આ જળાશયમાંથી ૩૬ મૃતદેહો મળી આવ્યા છે. ૧૬ જણાને આ ઘટનામાં ઇજા થઇ હતી જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે અધિકારીએ આપેલી માહિતી મુજબ જેઓ લાપતા થયા હતા તે તમામના મૃતદેહો હવે મળી આવ્યા છે. જો કે આમ છતાં શુક્રવારે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી જેથી કોઇ આ ઉંડી વાવમાં અંદર પડ્યું હોવાની શંકા રહે નહીં. બચાવકાર્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફની સાથે લશ્કરની ટુકડી પણ જોડાઇ હતી તે આ ઘટનાની ગંભીરતા સૂચવે છે. ઘટના સ્થળે ખૂબ જ ભય અને ઉચાટનો માહોલ હતો અને ઉત્સવના સ્થાને લોકોના રૂદનના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.

આ ઘટના પછી સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર નામનું આ મંદિર એક જૂની ચોરસ વાવ પર સ્લેબ બાંધીને બનાવવામાં આવ્યું હતું. હવન વખતે લોકોની ભારે ભીડ થઇ હતી અને આ સ્લેબ લોકોની ભીડનો ભાર ઝીલી શક્યો ન હતો અને તે તૂટી પડતા અનેક શ્રદ્ધાળુઓ નીચેની વાવમાં ખાબકયા હતા. વાવમાં પડેલા લોકોમાંથી ઘણાનાં મોત નિપજ્યા હતા. મૃતકોમાં મહિલાઓનું મોટું પ્રમાણ હતું. બચાવ કાર્ય પણ શરૂઆતમાં અવરોધાયું હતું કારણ કે મંદિર એક સાંકડી જગ્યામાં બંધાયું છે અને વાવમાંથી પાણી કાઢવા માટે પાઇપ સ્થળ પર લાવવા માટે એક દિવાલ તોડવી પડી હતી. આ બધુ જાણ્યા પછી સ્વાભાવિક મંદિરના વહીવટકર્તાઓની અને સ્થાનિક પ્રશાસનની બેદરકારી છતી થઇ આવે છે.

આટલી ઉંડી અને પાણી ધરાવતી વાવ મંદિરના પ્રાંગણમાં હોય અને તેના ઉપર માત્ર સ્લેબ બાંધી દઇને ઇતિશ્રી સમજવામાં આવે, મંદિરમાં પ્રસંગોપાત ભીડ એકઠી થાય છે તેનો વિચાર પણ કરવામાં ન આવે તે બાબત મંદિરના વહીવટકર્તાઓની ઘોર બેફિકરાઇ જ સૂચવે છે. આ બાબતમાં સ્થાનિક પ્રશાસન ક્યાં તો બેદરકાર હોય કે પછી તેણે ધાર્મિક સ્થળની બાબતમાં બહુ ચંચુપાત કરવાનું યોગ્ય ન સમજ્યું હોય તેવું હોઇ શકે છે. આમ પણ ધાર્મિક સ્થળોએ નગરપાલિકા, મહાનગરપાલિકા જેવા તંત્રો કંઇક ચંચુપાત કરવા જાય તો જે તે સ્થળના વહીવટદારો તેમની સામે ઘણી વખત શિંગડા ભરાવતા હોય છે અને ધાર્મિક ઉન્માદથી પ્રેરાઇને સ્થાનિક લોકો આ વહીવટદારોના ટેકામાં લડવા દોડી આવતા હોય તેવું ઘણી વખત બને છે, આ કારણોસર પણ પ્રશાસન દ્વારા ધાર્મિક સ્થળોની બાબતમાં કડકાઇ કરવાનું ટાળવામાં આવે છે અને તેમાંથી કયારેક આવી દુર્ઘટના બની જાય છે.

ઇન્દોરની આ ઘટના પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્યના ગૃહમંત્રી તથા મેયર સહિત સ્થાનિક નેતાઓ શુક્રવારે ઇન્દોરમાં ઘટના સ્થળે ગયા હતા ત્યારે ભારે રોષે ભરાયેલા લોકોએ તેમની સામે મુર્દાબાદ અને શરમ શરમના સૂત્રોચ્ચારો કર્યા હતા. લોકોનો રોષ સમજી શકાય છે. આ દુર્ઘટના વખતે જાણ કર્યા પછી છેક એક કલાક પછી ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી હતી એવી વાત પણ જાણવા મળી છે. જો આ બાબત સાચી હોય તો ખૂબ ગંભીર છે અને સ્વાભાવિક રીતે લોકોનો રોષ તેના કારણે ભડકી ઉઠ્યો હોય. આ સાથે ઉપર જણાવ્યું તેમ લોકોએ પણ સમજદારી કેળવવાની જરૂર છે. ધાર્મિક ઉન્માદથી પ્રેરાઇને વહીવટીતંત્રો સાથે માથાભારેપણુ કરવાનું ઘણી વખત લાંબા ગાળે ખૂબ ભારે પડી જતું હોય છે તે આવી ઘટનાઓ પરથી સમજાય છે.

Most Popular

To Top